<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

આપઘાત પ્રકરણમાં નવો ઘટસ્‍ફોટઃ ગોંડલના મોટા દડવાની પરણિતાએ બ્‍લેકમેઇલથી કંટાળી પુત્રી સાથે મોત મીઠું કર્યું 'તુ

રાજકોટ, તા.૧૭: ગોંડલના મોટા દડવા ગામે માતા, પુત્રીએ આપઘાત કર્યાના બનાવમાં નવો ઘટસ્‍ફોટ થયો છે. પરણિતાનો વિડિયોઉતારી બ્‍લેકમેઇન કરી રૂપિયાની માંગણી કરાતા પરણિતાએ પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો આપઘાત માટે મજબુર કરનાર મોટા દડવાના બે શખ્‍સો સામે આટકોટ પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતા નેહલબેન સાપરા માસુમ પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરણિતાના  પતિ અરવિંદભાઇ બાબુભાઇ ઉર્ફે કાળુભાઇ સાપરા રે. મોટા દડવાએ તેની પત્‍નીને આપઘાત માટે મજબૂર કરનાર નાગજી ઉર્ફે ગડો ઉર્ફે નાગરાજ માધાભાઇ પરમારે તથા મોહિત ચંદુભાઇ બારૈયા સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આજથી પંદરેક દિવસ પહેલા હું અમારા ગામના ફકુંભાઈ વોરાની દુકાને છત ઉપર ડેમ પ્રુફનું કામ કરવા ગયેલ ત્‍યારે અમારા ગામના નાગજી ઉર્ફે ગડો માધાભાઈ પરમાર મને મળેલ અને તેઓ એ મારા મોબાઈલ નંબર લીધેલ અને કહેલ કે, કોઈ કડીયા કામ હશે તો, હું તને જાણ કરીશ. બાદ ગઇ તા. ૧૩/૦૭/રોજ હું મારા ઘરે હતો ત્‍યારે બપોરના પોણા બારેક વાગ્‍યે આ નાગજીનો મને ફોન આવેલ અને કહેલ કે, હું તારા ફોનમાં એક વિડીયો મોકલુ છું. તુ એકલા જોઈ લેજે જેથી હું તુરંત રૂમમાં ગયેલ મે મારૂ વોટસએપ ખોલતા આ નાગજીએ પોતાના મો.નં.૯૮૨૫૬૨૦૧૭૦ ઉપરથી મને એક વિડીયો મોકલેલ જે મે જોતા જેમાં મોહિત અમારા બેડરૂમમાં બેડ ઉપર પાણી પીતો દેખાય છે. અને આ વિડીયો નાગજી દ્રારા ઉતારેલ હતો અને આ મોહિત તથા નાગજી ખરેખર મારી પત્‍નીને બદનામ કરવા માટે તથા પરીવારની તથા સામાજીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તથા મારી પાસે પૈસાની ઉઘરાણી કરવા માટે આ અમારા ઘરમાં ઘુસીને અમારી ગેરહાજરીમાં આ વિડીયો બનાવેલ હતો. આ વિડીયો જોયા પછી તુરંત નાગજીએ પોતાના વોટસએપમાંથી આ વિડીયો ડીલીટ કરી નાખેલ જેથી મારા ફોનમાંથી પણ વિડીયો ડીલીટ થયેલ હતો બાદ આ નાગજી મારા ઘર પાસે મને મળેલ અને કહેલ કે, આ મોહીત ચંદુભાઇને તારા પત્‍ની સાથે આડા સબંધ છે. જેથી તને વિડીયો મોકલેલ હતો. આ વિડીયો બાબતે તુ પોલીસ તથા બીજી કોઇ વ્‍યક્‍તિને જાણ કરીશ તો તારા હાથ પગ ભાંગી નાખીશ તારે મને પૈસા આપવા પડશે નહી આપે તો, હું તથા મોહિત તારી બદ નામી કરીશુ અને તને કોઈને મોઢુ દેખાડવા જેવા નહી રહેવા દઇએ. બાદ સાંજના સમયે હું અમારા પડોશી મોસીનની દુકાન પર ગયેલ અને આ નાગજીને બોલાવી વિડીયો ડીલીટ કરવા માટે કહેલ તો ત્‍યા પણ ધમકી આપેલ બાદ રાત્રીમાં આ વિડીયો બાબતે મારી પત્‍ની સાથે વાત કરેલ તો, મારી પત્‍નીએ મને જણાવેલ કે, મારે આ મોહિત સાથે કોઈ આડા સબંધ નથી આ મોહિત ફકત પાણી પીવા માટે જ ઘરે આવેલ હતો. મે મારી પત્‍નીને સમજાવેલ કે, કહી વાંધો નહી હું તે વિડીયો ડીલીટ કરાવી નાખીશ તેમ જણાવેલ હતુ. પરંતુ આ લોકોની ધાકધમકીથી તથા આ વિડીયોથી અમો બંને પતિ પત્‍ની બહુ ડરી ગયેલ હતા.

 ત્‍યારબાદ હું તથા મારી પત્‍ની તથા મારી દિકરી એમ ત્રણેય રૂમમાં સુઇ ગયેલ હતા. અને હું પોણા પાંચેક વાગ્‍યે જાગેલ ત્‍યારે મારી પત્‍ની તથા મારી દિકરી રૂમમાં જોવા મળેલ નહી. જેથી મે અમારા ઘરની આજુબાજુમાં તપાસ કરેલ તથા સગા વ્‍હાલામાં ફોન કરી મારી પત્‍ની તથા મારી દિકરી બાબતે તપાસ કરેલ પરંતુ મળેલ નહી. જેથી હું બપોરના સમયે આટકોટ પોલીસ સ્‍ટેશન આવીને મારી પત્‍ની તથા મારી દિકરીની ગુમસુધા દાખલ કરાવેલ હતી. બાદમાં અમારા ગામના માણસો દ્વારા મારા પત્‍ની તથા દિકરીની લાશ કુવામાંથી મળી હોવાની જાણ થઇ હતી.

આ બનાવ બનવાનું કારણ એ છે છે કે, નાગજીભાઇ ઉર્ફે ગડો માધાભાઈ પરમાર તથા મોહિત બારૈયા એમ બંને માણસો મારા ઘરે ગેરકાયદેસર રીતે આવીને બેસીને અને વિડીયો ઉતારી લીધેલ અને મને તથા મારી પત્‍નીને બદનામ કરવાની ધમકી આપી તથા પૈસાની માંગણી કરી અને મને હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી તેમજ અમો પતિ પત્‍નીને ત્રાસ આપેલ હોય જેથી મારી પત્‍ની નેહલ કંટાળી ગયેલ હોય જેથી તે મારા ઘરથી નજીક આવેલ કુવામાં મારી દિકરી સાથે કુદીને આપઘાત કરેલ હોય અને ડુબી જવાથી મરણ ગયેલ હોય અને આ બંને એ મારી પત્‍નીને મરવા મજબુર કરેલ હતી. આટકોટ પોલીસે ઉકત બંન્ને શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(2:22 PM IST)