તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ચૂંટણી પૂરી થયાને પખવાડિયુ વિત્યુ છતા નવા પદાધિકારીઓની નિમણૂક નહિઃ લોકકાર્યો અધ્ધરતાલ
૨૮ એપ્રિલના પરિણામ જાહેર થયા બાદ આજ દિન સુધી નવા હોદેદારો માટે કોઇ હલનચલન નહિઃ ગત ટર્મ ૩ માર્ચના પરિણામ જાહેર બાદ ૧૧ માર્ચે મેયર સહિતના પદાધિકારીઓ ચાર્જ સંભાળ્યો હતો

રાજકોટ તા.૧૩: મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ૨૮ એપ્રિલના રોજ જાહેર થયું હોવા છતાં હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. સામાન્ય રીતે ચૂંટણી પૂર્ણ થયા બાદ અને ગેઝેટમાં સભ્યોના નામ પ્રસિદ્ધ થયા પછી ચારથી પાંચ દિવસમાં નવી બોડીની રચના તથા પદાધિકારીઓની વરણી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે લાંબો વિલંબ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
નવી બોડીની સત્તાવાર કામગીરી શરૂ ન થતાં મનપાના વિવિધ વિભાગોમાં નિર્ણય પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. શહેરના વિકાસ કામો, રસ્તા-ગટર-પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સંબંધિત રજૂઆતો તેમજ નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે. નાગરિકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.
મનપામાં ચૂંટાયેલા કોર્પોરેટરો કાર્યભાર સંભાળવા તૈયાર હોવા છતાં પદાધિકારીઓની નિમણૂક અટવાતા પ્રશાસન માત્ર રૂટીન કામગીરી સુધી મર્યાદિત બની ગયું છે. મહત્વના ઠરાવો અને નીતિગત નિર્ણયો માટે નવી બોડીની સક્રિયતા જરૂરી હોય છે, જેના અભાવે અનેક કામો હાલ ટલ્લે ચઢયા છે.
રાજકીય વર્તુળોમાં પણ આ વિલંબને લઈને ચર્ચાઓ તેજ બની છે. પક્ષના આંતરિક સમીકરણો અને પદ વહેંચણીને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કારણે પ્રક્રિયા મોડું પડી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરજનોમાં એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક નવી બોડી કાર્યરત થવી જોઈએ જેથી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને અસર ન થાય.
હાલ શહેરવાસીઓની નજર હવે મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત પર ટકેલી છે. નવી બોડી કયારે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે અને અટવાયેલા કામોને ગતિ મળશે તે અંગે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ૨૦૨૧માં યોજાયેલ મનપાની ચૂંટણીનું પરિણામ ૩ માર્ચના જાહેર થયુ હતું. ત્યારબાદ ૧૧ માર્ચના પ્રથમ બોર્ડમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમંણુક થવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ બોર્ડ માટે મ્યુનિ.કમિશનરની સુચનાથી સેક્રેટરી દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવતો હોય છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા હાલ એક માસ માટે મૈસુરી ખાતે ટ્રેનિગમાં છે અને મ્યુનિ.કમિશનરનો ચાર્જ હજુ સુધી કોઇને સોંપવામાં આવ્યો નથી. ત્યારે બોર્ડ કોણ કયારે બોલાવશે તેવી તરહ-તરહની ચર્ચાઓ મનપા લોબીમાં ચાલી રહી છે.(૨.૧૬)
(2:49 PM IST)










