News of Saturday, 3rd October 2026
નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયાની ગૌરવપૂર્ણ સિદ્ધિઃ ઓનલાઈન તબીબી અભ્યાસક્રમમાં ૧૦ હજારથી વધુ નોંધણીઃ ૩૦થી વધુ દેશોમાંથી સહભાગિતા
ફલુઈડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ્સ, અને એસિડ-બેઝ ડિસઓર્ડર્સ પર છ લેક્ચરની વિશેષ શ્રેણી તા. ૦૪ ઓક્ટોબરને રવિવારના રોજ તમામ શાખાના તબીબો માટે નિઃશુલ્ક વિશેષ ગ્રેન્ડ ફિનાલે અને માસ્ટરક્લાસ યોજાશે

રાજકોટ તા.૩: દેશની પ્રતિષ્ઠિત ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (ICP)ના શૈક્ષણિક મંચ હેઠળ આયોજિત ફલુઈડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ્સ, અને એસિડ-બેઝ ડિસઓર્ડર્સ પરના ઓનલાઈન અભ્યાસક્રમ ને ભારત તથા વિદેશના તબીબોમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.
શહેરના વરિષ્ઠ નેફોલોજીસ્ટ ડો. સંજય પંડયા કોર્સે ડિરેક્ટર અને તમામ છ લેક્ચરના મુખ્ય વક્તા તરીકે આ અભ્યાસક્રમનું માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦થી વધુ દેશોમાંથી ૧૦,૦૦૦થી વધુ ડોક્ટરોએ આ કોર્સ માટે નોંધણી કરાવી છે. આ ઓનલાઈન અભ્યાસક્રમમાં ૧૦ હજારથી વધુ તબીબોએ નોંધણી કરાવી છે. ૩૦થી વધુ દેશોમાંથી સહભાગિતા ધરાવતા આ કાર્યક્રમને મળેલો પ્રતિસાદ રાજકોટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
આ અંગે અકિલાને માહિતી આપતાં ડો. સંજય પંડયાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં આઈ.વી. ફલુઈડ્સ (બાટલા) અને ક્ષારનું સંતુલન અત્યંત નાજુક અને મહત્વપૂર્ણ વિષય છે. એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (API) દેશની સૌથી મોટી ફિઝિશિયન્સની વ્યાવસાયિક સંસ્થાઓ પૈકીની એક છે અને ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (ICP) તેની શૈક્ષણિક પાંખ છે. તબીબોને સારવારમાં ઉપયોગી આ વિષયોનું નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવાના હેતુથી ICP દ્વારા છ લેક્ચરનો ઓનલાઈન સર્ટિફિકેશન અભ્યાસક્રમ યોજવામાં આવ્યો છે. આ તમામ છ લેક્ચરના સંચાલનની જવાબદારી કોર્સ ડિરેક્ટર અને વક્તા તરીકે ડો. સંજય પંડયાને સોંપવામાં આવી છે.
છ રવિવારે યોજાયેલી આ ઓનલાઈન શૈક્ષણિક શ્રેણીમાં ત્સ્ બોટલ દ્વારા આપવામાં આવતી સારવારના મૂળભૂત સિદ્ધાંતો, વિવિધ ક્લિનિકલ પરિસ્થિતિઓમાં ફલુઈડ મેનેજમેન્ટ, તથા સોડિયમના વિકારો, પોટેશિયમ અને કેલ્શિયમના વિકારો જેવા રોજિદી સારવારમાં અત્યંત મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્સનો મુખ્ય હેતુ જટિલ લાગતા મુદ્દાઓને સરળ, વ્યવહારુ રીતે સમજાવી તબીબોને ક્લિનિકલ પ્રેક્ટિસમાં તરત અને ખૂબ જ ઉપયોગી બને તેવી સમજ આપવાનો છે.
કાલે ૪ ઓક્ટોબર અંતિમ માસ્ટરક્લાસ
આ અભ્યાસક્રમનો ગ્રાન્ડ ફિનાલે અને અંતિમ માસ્ટરક્લાસ રવિવાર, તા. ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યાથી ઓનલાઈન યોજાશે. તમામ તબીબી શાખાના ડોક્ટરો માટે નિઃશુલ્ક આ સત્રમાં લુઈડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ ડિસઓર્ડર્સ, અને એસિડ-બેઝ મેનેજમેન્ટની રોજિદી સારવારમાં ઉપયોગી મહત્ત્વના મુદ્દાઓની વ્યવહારુ અને સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. સમગ્ર અભ્યાસક્રમમાંથી ક્લિનિકલ પ્રેક્ટિસમાં ઉપયોગી મુખ્ય બાબતો પણ રજૂ કરવામાં આવશે.
રવિવારે યોજાનારા આ વિશેષ માસ્ટરક્લાસમાં સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન ચર્ચાયેલા મહત્વના ક્લિનિકલ મુદ્દાઓ, રોજિંદી પ્રેક્ટિસમાં આવતી મુશ્કેલીઓ અને સારવારની વ્યવહારુ ગાઈડલાઈન્સનું જ સત્રમાં સચોટ સંકલન રજૂ કરવામાં આવશે. તેથી, અગાઉના સત્રોમાં ભાગ ન લઈ શક્યા હોય તેવા તબીબો માટે પણ આ સત્ર ક્લિનિકલ પ્રેક્ટિસ સુધારવામાં સીધું ઉપયોગી સાબિત થશે.
વર્ષ ૨૦૦૨માં પુસ્તક દ્વારા થયેલો ઐતિહાસિક આરંભઃ
ડો. સંજય પંડયા દ્વારા આ ક્ષેત્રમાં થયેલા શૈક્ષણિક પ્રદાનનો પાયો બે દાયકાથી પણ વધુ સમય પહેલાં નખાયો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ચડાવવામાં આવતા આઈ.વી. બોટલ્સ અને વોટર-સોલ્ટ મેનેજમેન્ટ અંગે તબીબો પાસે યોગ્ય વ્યવહારુ માર્ગદર્શિકાનો અભાવ હતો. આ જરૂરિયાત પૂરી કરવા તેમણે વર્ષ ૨૦૦૨માં પ્રેક્ટિકલ ગાઈડલાઈન્સ ઓન ફલુઈડ થેરાપી પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પાડી હતી. તે સમયે આ વિષય પર પ્રકાશિત થયેલું તે દેશનું સૌપ્રથમ પુસ્તક હતું. ત્યારબાદ ૨૦૦૭માં તેની બીજી આવૃત્તિ આવી અને અત્યાર સુધીમાં દેશભરના તબીબો દ્વારા આ પુસ્તકની ૧ લાખથી વધુ નકલો ખરીદાઈ ચૂકી છે, જે ભારતભરમાં આ વિષય પર સૌથી વધુ વંચાતું અને લોકપ્રિય પુસ્તક બન્યું છે.
દેશભરમાં ૪૦૦થી વધુ વ્યાખ્યાનો અને રાષ્ટ્રીય બહુમાન
પુસ્તક લેખનની સાથોસાથ, છેલ્લા ૨૫ વર્ષથી તેઓ સમગ્ર દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને પ્રેક્ટિસ કરતા યુવા તબીબોને પ્રશિક્ષિત કરી રહ્યા છે. દેશની અગ્રણી મેડિકલ કોલેજો અને રાષ્ટ્રીય પરિષદોમાં તેઓ ફલુઈડ થેરાપી વિષય પર ૪૦૦થી વધુ નિષ્ણાત વ્યાખ્યાનો આપી ચૂક્યા છે તેમજ ૩ થી ૪ કલાક લાંબા પ્રેક્ટિકલ વર્કશોપ્સનું સફળ સંચાલન કરી ચૂક્યા છે. આ વિષયમાં તેમના બહોળા પ્રદાન બદલ વર્ષ ૨૦૨૨માં જયપુર ખાતે યોજાયેલી API ની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેમને અતિ પ્રતિષ્ઠિત ડો. સિદ્ધાર્થ શાહ મેમોરિયલ ઓરેશનથી નવાજવામાં આવ્યા હતા.
સાત વર્ષના તલસ્પર્શી અભ્યાસ બાદ ૭૫૦ પૃષ્ઠોની વિસ્તૃત તૃતીય આવૃત્તિ
તબીબી વિજ્ઞાનમાં આવેલા નવા સંશોધનો અને બદલાતી સારવાર પદ્ધતિઓને આવરી લેવા માટે તેમણે સાત વર્ષના તલસ્પર્શી અભ્યાસ અને અથાક પરિશ્રમ બાદ વર્ષ ૨૦૨૪માં આ પુસ્તકની સર્વગ્રાહી તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરી હતી. આ વિશાળ ગ્રંથ તૈયાર કરવા માટે તેમણે છેલ્લા ચાર વર્ષ સુધી પોતાની ક્લિનિકલ પ્રેક્ટિસનો સમય ઘટાડીને દરરોજ અડધો દિવસ માત્ર લેખન અને અભ્યાસ માટે ફાળવ્યો હતો. ૭૫૦ પૃષ્ઠો, ૧૨ ભાગો, ૫૭ પ્રકરણો અને ૮,૮૩૦થી વધુ વૈજ્ઞાનિક સંદર્ભો ધરાવતી આ આવૃત્તિમાં આઈ.સી.યુ. (ICU), સર્જરી પહેલાં અને પછીની સ્થિતિ, બાળરોગ,સ્ત્રીરોગ અને પ્રસૂતિ તેમજ ડાયાબિટીસ, ફેફસાં, કિડની અને મગજના દર્દીઓમાં ફલુઈડ મેનેજમેન્ટની આધુનિક માર્ગદર્શિકા વિસ્તૃત રીતે આવરી લેવાઈ છે.
અમેરિકામાં વેબસાઈટ લોન્ચિંગ અને વૈશ્વિક ઓપન-એક્સેસ શિક્ષણ
આ અદ્યતન તબીબી જ્ઞાન વિશ્વભરના તબીબો સુધી પહોંચે તે હેતુથી વર્ષ ૨૦૨૪માં અમેરિકાના સાન ડિએગો ખાતે યોજાયેલી અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી (ASN)ની વૈશ્વિક પરિષદમાં આંતરરાષ્ટ્રીય નેફોલોજિસ્ટોની ઉપસ્થિતિ વચ્ચે www.fluidtherapy.org વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ મંચની સૌથી મોટી વિશેષતા એ છે કે પુસ્તકના ૫૭ પ્રકરણોમાંથી ૧૯ અતિ મહત્વપૂર્ણ પ્રકરણો કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે ઓનલાઈન ઉપલબ્ધ કરાયા છે. જેમાં આઈસીયુમાં લોહીનું દબાણ ઘટી ગયું હોય તેવા ગંભીર દર્દીઓની સારવાર, સગર્ભા મહિલાઓનું ફલુઈડ મેનેજમેન્ટ અને મોટી ઉંમરના દર્દીઓની કાળજી અંગેની માહિતી મુખ્ય છે.
આ અગાઉ પણ ડો. પંડયા દ્વારા ૪૦થી વધુ ભાષાઓમાં કિડની દર્દીઓ માટે તૈયાર કરાયેલી www.KidneyEducation.com વેબસાઈટ ૧૦ કરોડથી વધુ હિટ્સ મેળવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપી ચૂકી છે. તે જ નિઃસ્વાર્થ સેવાભાવનાથી ફલુઈડ થેરાપીનું સાહિત્ય પણ વૈશ્વિક સ્તરે વિનામૂલ્યે મૂકવામાં આવ્યું છે.
ICP કોર્સમાં ૩૦થી વધુ દેશોની ઐતિહાસિક સહભાગિતા
પુસ્તકો, વ્યાખ્યાનો અને ડિજિટલ મંચ દ્વારા છેલ્લા અઢી દાયકાથી ફલુઈડ થેરાપી ક્ષેત્રે ડો. સંજય પંડ્યાના આ અવિરત પ્રદાન અને અનુભવને માન્યતા આપીને જ ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સે (ICP) આ રાષ્ટ્રીય અભ્યાસક્રમના તમામ છ સત્રોના સંચાલનની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપી છે. જેના પરિણામે ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ અને એશિયા સહિત ૩૦થી વધુ દેશોમાંથી ૧૦,૦૦૦થી વધુ ડોક્ટરો આ અભ્યાસક્રમમાં જોડાયા છે, જે ગુજરાત અને રાજકોટના તબીબી જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
(1:18 PM IST)










