<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

૧૯ વર્ષ પહેલાના હત્‍યા કેસમાં ફરાર નેપાળી શખ્‍સ કિશનને ક્રાઇમ બ્રાંચે મુંબઇથી દબોચ્‍યો

ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ૨૦૦૭માં ગુનો નોંધાયો હતોઃ મંજુલાબેન નામની મહિલાએ કિશન નેપાળી સહિતનો સાથ લઇ પ્રેમી ભાવેશભાઇની હત્‍યા કરી હતીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી : પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમના વિજયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયાએ વેશ પલટો કરી શોધી લીધો

હત્‍યાનો ગુનો આચર્યા બાદ ૧૯ વર્ષ સુધી ફરાર રહેલો શખ્‍સ ઝડપાયો છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ૧૯ વર્ષ પહેલા નોંધાયેલા હત્‍યાના ગુનામાં નાસતા ફરતાં એક આરોપીને ક્રાઇમ બ્રાંચે નવી મુંબઇથી ઝડપી લીધો છે. એક યુવાનની તેની જ પ્રેમિકાએ બીજા ત્રણ શખ્‍સો સાથે અપહરણ કરી ક્રુર હત્‍યા નીપજાવી હતી. જેમાં મહિલા આરોપી ઝડપાઇ ગઇ હતી. પણ મુખ્‍ય સુત્રધાર નેપાળી શખ્‍સ સહિતના ભાગી ગયા હતાં. આ નેપાળી શખ્‍સ ઓળખ છુપાવી નવી મુંબઇમાં ૧૯ વર્ષથી રહેતો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે વેશ પલટો કરી ત્‍યાં પહોંચી તેને દબોચી લીધો છે. 

 શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચેતન્‍ય મંડલિકના માર્ગદર્શન હેઠળ રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચે વર્ષો જૂના મર્ડર કેસના ગુનામાં મહત્‍વની સફળતા મેળવી છે. વર્ષ ૨૦૦૭માં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ એક યુવાનની હત્‍યાના કેસમાં ફરાર આરોપીને નવી મુંબઇના પનવેલ ખાતેથી ઝડપી લેવાયો છે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૦૭માં રાજકોટના ભક્‍તિનગર વિસ્‍તારમાં ૨૪ વર્ષીય ભાવેશભાઈ સોલંકી નામના રાજપૂત  યુવાનની કરપીણ હત્‍યા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હતા. તપાસમાં સામે આવ્‍યું હતું કે, મંજુલાબેન નામની મહિલા આરોપી સાથે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો. એક રાત્રે ભાવેશભાઈ નશાની હાલતમાં મંજુલાબેનના ઘરે જઈ માથાકૂટ કરી રહ્યા હતા. આ દરમિયાન મંજુલાબેને અન્‍ય ત્રણ નેપાળી શખ્‍સો સાથે મળીને ભાવેશભાઈનું અપહરણ કર્યું હતું અને ત્‍યારબાદ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની હત્‍યા કરી લાશને વોકળામાં ફેંકી દીધી હતી.

હત્‍યા બાદ મુખ્‍ય આરોપી કિશન ઉર્ફે ક્રિષ્‍ણા બહાદુર ભોજરાજ ચૌધરી (મૂળ નેપાળી) તરત જ નેપાળ ભાગી ગયો હતો. ત્‍યારબાદ તે ભારત પરત ફર્યો અને નવી મુંબઈના પનવેલ વિસ્‍તારમાં મજૂરી કામ કરવા લાગ્‍યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે સતત પોતાના ફોન અને લોકેશન બદલતો રહેતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ટેકનિકલ સર્વેલન્‍સ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે આરોપી પર નજર રાખી હતી. પોલીસની ટીમે વેશ પલટો કરીને પનવેલમાં વોચ ગોઠવી હતી અને આખરે ૧૯ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમ આ આરોપીને શોધવા માટે સક્રિય બની હતી. દરમિયાન એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. સુભાષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા અને કોન્‍સ. સંજયભાઇ ખાખરીયાને મહત્‍વની બાતમી પરથી મુંબઇ મોકલવામાં આવ્‍યા હતાં. આ ટીમે વેશપલટો કરી વોચ રાખી હતી. દરમિયાન નવી મુંબઇ પનવેલના રાયગઢ ખાતેથી મકાન નંબર ૩૯૧૮ બી-૩માં રહેતાં મુળ નેપાળના કિશન ખોજીરામ ચોૈધરી (ઉ.વ.૪૩)ને પકડી લીધો હતો.

ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે આ આ કેસમાં મંજુલાબેન અગાઉ પકડાઈ  ચુક્‍યા હતાં. કિશન ચૌધરીની ધરપકડ બાદ હવે અન્‍ય બે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. આરોપી વિરૂધ્‍ધ અગાઉ અન્‍ય કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ આ ગંભીર હત્‍યાની ઘટનામાં તેની મુખ્‍ય ભુમિકા હતી.

આ કામગીરી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ અશોકભાઇ કલાલ,  રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. સુભાષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા, મુકેશભાઇ સબાડ, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયાએ કરી છે.

(3:58 PM IST)