<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રૈયાધારમાં વિઠ્ઠલ પર સસરાના પાડોશીઓનો છરીથી હુમલોઃ તેની સાળીને પથ્‍થર ફટકાર્યો

તારા સસરા સાથે અમારે માથાકુટ છે, તું અહિ બેસીશ તો તારે પણ ગાળો ખાવી પડશે : મુકેશ, નિતીન, ઉમેશ, ગુણવંતબેન, ભાવુબેન વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૪: શહેરના રૈયાધાર વિસ્‍તારમાં મારામારીની વધુ એક ઘટના બની છે. જેમાં એક યુવાન પર સસરાના પાડોશીઓએ જૂની અદાવતનો ખાર રાખી છરીથી હુમલો કરતાં આ હુમલામાં યુવાનને હથેળીના ભાગે ઇજા થઇ હતી અને તેના સાળીને પાણકો લાગી જતાં બંનેને સારવાર અપાવાઇ હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મારવાડી વિસ્‍તાર શેરી નં. ૬માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિઠ્ઠલ ખનુભાઇ સોલંકી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મુકેશ, નિતીન, ઉમેશ, મુકેશના પત્‍નિ ગુણવંતબેન અને ઉમેશના પત્‍નિ ભાવુબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ વિઠ્ઠલ અને તેની પત્‍નિ પ્રવિણા સાંજે પાંચેક વાગ્‍યે રૈયાધાર ઇન્‍દિરા નગર-૭ ખાતે રહેતા તેમના સસરાના ઘરે ગયા હતા.

વિઠ્ઠલ, તેની પત્‍નિ પ્રવીણા અને ત્રણેય સાળીઓ ઘરની બહાર બેઠા હતા, ત્‍યારે શેરીમાં જ રહેતા મુકેશ કપોળિયાના પત્‍નિ ગુણવંતબેન ત્‍યાંથી પસાર થતી વખતે ગાળો આપવા લાગ્‍યા હતા.

વિઠ્ઠલ આ બાબતે રજૂઆત કરવા મુકેશના ઘરે જતાં મુકેશ, નિતીન, ઉમેશ સહિતે ઉશ્‍કેરાઈને જણાવ્‍યું હતું કે-અમારે તારા સસરા સાથે જૂની માથાકૂટ છે, જો તું ત્‍યાં બેસીશ તો તારે પણ ગાળો ખાવી પડશે.ૅ ત્‍યારબાદ આ શખ્‍સો વિઠ્ઠલની પાછળ પાછળ સસરાના ઘરે ધસી આવ્‍યા હતા. બાદમાં આ બધાએ ગાળાગાળી કરી નીચેથી પથ્‍થરો ઉપાડી છૂટા ઘા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ઉમેશના પતિન ભાનુબેને ફેંકેલો પથ્‍થર વિઠ્ઠલભાઈની સાળી હિરલબેનને કપાળના ભાગે વાગતા ઇજા થઈ હતી.

બાદમાં મુકેશે છરી કાઢી વિઠ્ઠલ પર હુમલો કરતાં હાથની હથેળીમાં ઇજા થઇ હતી. દેકારો થતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. વિઠ્ઠલ અને હિરલબેનને ઇજા થઇ હોઇ બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ વિઠ્ઠલની ફરિયાદ નોંધી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.

(2:37 PM IST)