<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

થોરાળાના ગોકુલપરામાં ગાળો બોલવા અને વિડીયો ઉતારાવા મામલે પાડોશીઓ વચ્‍ચે ધીંગાણું: ૮ને ઇજાઃ ૧૬ સામે ગુનો

છરી, ધોકા, ઇંટ, પાઇપ, ડોલ, સળીયાનો મારામારીમાં ઉપયોગ થયોઃ થોરાળા પોલીસે રિક્ષાચાલક કાંતિભાઇ સોલંકી અને સામા પક્ષે બાંધકામ સાઇટના સુપરવાઇઝર અવિનાશ નકુમની ફરિયાદ પરથી સામ-સામે ગુના દાખલ કર્યા

રાજકોટ તા. ૧૪: નવા થોરાળાના ગોકુલપરામાં પાડોશીઓ વચ્‍ચે ગાળો બોલવા મામલે અને વિડીયો ઉતારવાની વાતે બોલાચાલી બાદ જામી પડતાં એક બીજા પર ધોકા, પાઇપ, લાકડી, સળીયાથી હુમલો કરવામા઼ આવ્‍યો હતો. આ બનામવાં પોલીસે બંને પક્ષે ૮-૮ મળી ૧૬ જણા સામે ગુનો દાખલ કર્યો છે. આ મારામારીમાં બંને પક્ષના મળી આઠથી દસને નાની મોટી ઇજાઓ થઇ હતી.

આ બનાવમાં નવા થોરાળા વિસ્‍તારમાં રહેતા કાંતીભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ. ૪૫) જે વ્‍યવસાયે રીક્ષા ડ્રાઈવર છે તેની ફરિયાદ પરથી તેના પાડોશીઓ હેમાંશુ સોલંકી, ગુલાબ વીરજીભાઇ નકુમ, અશોક વિરજીભાઇ નકુમ, અવિનાશ અશોકભાઇ નકુમ, જયસુખ જયંતિભાઇ નકુમ, રાજુ જયંતિભાઇ નકુમ, દયાબેન અશોકભાઇ નકુમ અને હંસાબેન જયંતિભાઇ નકુમ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદ મુજબ કાંતિભાઇ ૧૨મીની રાત્રે પોતાના ૬ વર્ષના પુત્રને ઘર પાસે રમાડી રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા હેમાંશુ સોલંકી અને અન્‍ય શખ્‍સો ગાળો બોલતા હોવાથી કાંતીભાઈએ તેમને અટકાવ્‍યા હતા. આ બાબતે તે રાત્રે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બાબતની અદાવત રાખીને બુધવારે ૧૩મીના રોજ બપોરે આશરે બે વાગ્‍યે હેમાંશુ, ગુલાબ, અવિનાશ સહિત આઠ લોકોનું ટોળું હથિયારો સાથે કાંતીભાઈના ઘરમાં ઘુસી આવ્‍યું હતું. આ બધા પ્‍લાસ્‍ટિકના પાઈપ અને લાકડીઓ વડે કાંતીભાઈ પર તૂટી પડ્‍યા હતા. જ્‍યારે કાંતીભાઈના પત્‍નિ જ્‍યોતીબેન, માતા સોમીબેન અને ભાઈ નરેન્‍દ્રભાઈ તેમને છોડાવવા વચ્‍ચે પડ્‍યા ત્‍યારે તેઓને પણ મુંઢ માર મારવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત શેરીમાં ઈંટોના ઘા ફેંકીને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું હતું. આ હુમલામાં કાંતીભાઈ અને તેમના ભાણેજ દિપકભાઈ સહિત પરિવારના અન્‍ય સભ્‍યોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતા આસપાસના સંબંધીઓ દોડી આવ્‍યા હતા અને હુમલાખોરોથી પરિવારને બચાવ્‍યો હતો. ત્‍યારબાદ હુમલાખોરો ધમકી આપતા ફરાર થઈ ગયા હતા.

આ બનાવમાં સામા પક્ષે ગોકુલપરા-૨ પાણીની કુઇ પાસે રહેતાં અને બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અવિનાશ અશોકભાઇ નકુમ (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી કાંતિ નાનજીભાઇ ચોૈહાણ, મહેશ નાનજીભાઇ ચોૈહાણ, દીપક સોમાભાઇ ચોૈહાણ, કારો સોમાભાઇ પરમાર, ભીખા મનાભાઇ ચોૈહાણ, બાવજી કમાભાઇ ચોૈહાણ, સિધ્‍ધરાજ ચોૈહાણ અને નરેશ નાનજીભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે.

અવિનાશે ફરિયાદમાં જણાવ્‍યું છે ક ૧૨મીએ રાત્રે તે કામ પરથી ઘરે આવ્‍યો ત્‍યારે માતા-પિતાએ જાણ કરી હતી કે શેરીમાં રાજુભાઈના નાના છોકરાને રમાડતી વખતે તેમની જ જ્ઞાતિના કાંતિભાઈ, નરેશભાઈ અને બાવજીભાઈ વીડિયો ઉતારતા હતા. તેને આપણા પરિવારે વીડિયો ઉતારવાની ના પાડતા આ શખ્‍સોએ તે સમયે ગાળો બોલી ઝઘડો કર્યો હતો. આ ઘટનાના બીજા દિવસે એટલે કે તા. ૧૩મીએ  બપોરે બે વાગ્‍યાના સુમારે જ્‍યારે અવિનાશભાઈ, તેમના માતા દયાબેન, બહેન રૂતીકાબેન અને દાદી હંસાબેન ઘર પાસે હાજર હતા, ત્‍યારે અચાનક કાંતિભાઇ સહિતના આઠ શખ્‍સોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્‍યું હતું અને ગઈકાલે અમારી સાથે કેમ માથાકૂટ કરી હતી? તેમ કહી બેફામ ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં હિંસક હુમલો કરી દીધો હતો.

આ બધાએ લાકડી, છરી, સળીયાથી હુમલો કર્યો હતો. જેમાં કાંતિભાઇએ અવીનાશના નાક પર છરી અને દીપકે લાકડીના ફટકા માર્યા હતાં. મહેશ અને કારાએ અવીનાશના દાદીને વાંસામાં ડોલ અને સળીયાથી ઇજા કરી હતી. ભીખાએ ઇંટનો ઘા કરતાં દયાબેનને લાગ્‍યો હતો. તેમજ બીજા આરોપીઓએ ઢીકાપાટુ લાકડીથી મારામારી કરી હતી. હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. બંને પક્ષની ફરિયાદ પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. ડી. એચ. વાળાએ નોંધી હતી. વધુ તપાસ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી ચલાવી રહ્યા છે.

(3:04 PM IST)