News of Wednesday, 17th June 2026
પડોશણ દીનાબેને ૧.૨૦ લાખના ૨.૪૫ લાખ વસુલી વધુ વ્યાજ માંગી દિકરાને કેસમાં ફસાવવાની ધમકી દીધીઃ મોહનભાઇનો આપઘાત
ચાર વર્ષ પહેલા દોહિત્રીની સગાઇ વખતે પાડોશી દીનાબેન પાસેથી ૧૦ ટકે ૧.૨૦ લાખ લીધા, છ મહિના પછી તેણીએ ૨૦ ટકા વ્યાજ કરી નાંખી દર મહિને ૨૨ હજાર લેખે વ્યાજ ચુકવ્યું: આ વ્યાજ પણ વૃધ્ધ નિયમીત ભરતાં હતાં પેડક રોડ આવાસ ક્વાર્ટરમાં ૬૭ વર્ષના મનપાના નિવૃત કર્મચારીએ ઝેર પી મોત મેળવ્યું: પાડોશી મહિલા સામે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો પત્નિ બિમાર પડતાં વૃધ્ધે વ્યાજ ચુકવવાનું બંધ કરતાં વકિલ મારફત નોટીસ મોકલાવીઃ વૃધ્ધ દંપતિ ઘરે આજીજી કરવા જતાં ધમકી દીધી, અંતે કંટાળીને મરી જવા મજબૂર થયા મોહનબાપાના પત્નિના નામે ૫૦-૫૦ હજારની બે લોન લઇ આ રકમ વ્યાજમાં વળી ગયાનું કહ્યું: પેન્શનના એકાઉન્ટમાંથી પણ ૭૫ હજાર લઇ લીધા'તા

રાજકોટ તા.૧૭: વ્યાજખોરીના બની રહેલા બનાવો વચ્ચે રાજકોટ શહેરમાં મ્યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારી વૃધ્ધે વ્યાજખોરીમાં ફસાઇ જતાં ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સામા કાંઠે પેડક રોડ ક્વાર્ટરમાં રહેતાં મોહનભાઇ કરસનભાઇ વાઘેલા (ઉ.વ.૬૭) નામના વૃધ્ધે ગઇકાલે ઝેર પી લેતાં સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દીધો હતો. એક મહિલાએ તેમને વ્યાજની ઉઘરાણી માટે ધાકધમકીઓ આપી હોઇ તેના કારણે પગલુ ભર્યાનું ખુલતાં પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ પેડક રોડ આવાસ યોજના ક્વાર્ટર ક્યુ વીંગ બ્લોક નં. ૧૫માં રહેતાં મોહનભાઇ વાઘેલાએ ગઇકાલે સવારે ઘરે ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરત હોસ્પિટલે પહોંચી મોહનભાઇ વાઘેલાની ફરિયાદ નોંધી હતી. મોહનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે રહે છે. સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. પોતે મ્યુ. કોર્પોરેશનના સફાઇ કામદાર તરીકે નિવૃત થઇ ગયા હતાં અને પત્નિ મનુબેન હાલ નોકરી કરે છે. પોલીસે તેમની ફરિયાદ પરથી નજીકના ક્વાર્ટરમાં જ રહેતી દીનાબેન સંજયભાઇ ખીમસુરીયા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ કર્યો હતો. જો કે ગુનો દાખલ થઇ ગયા બાદ રાતે મોહનભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મોહનભાઇએ ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ આશરે ચાર વર્ષ પહેલાં તેમની દીકરી અનિતાની દીકરી નંદનીની સગાઈ વખતે તેમના પત્નિ મનુબેને પડોશમાં બ્લોક નં. એનમાં રહેતી દીનાબેન સંજયભાઈ ભીમસુરીયા પાસેથી રૂ. ૧,૨૦,૦૦૦ વ્યાજે લીધા હતા. તે સમયે મોહનભાઈના દીકરા ભીખાભાઈના નાગરિક બેંકના એકાઉન્ટના બે કોરા ચેક સહી કરાવીને દીનાબેને લઈ લીધા હતા. શરૂઆતમાં દીનાબેને ૧૦ ટકા વ્યાજ નક્કી કર્યું હતું, જેથી મોહનભાઈ દર મહિને રૂ. ૧૨,૫૦૦ વ્યાજ પેટે રોકડા ચુકવતા હતા. તેમણે મહિના સુધી આ વ્યાજ આપ્યા બાદ દીનાબેને વ્યાજનો દર વધારીને ૨૦ ટકા કરી નાખ્યો અને દર મહિને રૂ. ૨૨,૦૦૦ વ્યાજ વસૂલવાનું શરૂ કર્યુ હતું.
મોહનભાઈએ આ આકરા વ્યાજની રકમ પણ દોઢ વર્ષ સુધી ચુકવી હતી. પરંતુ ત્યારબાદ તેમના પત્નિને બ્લડપ્રેશરની બીમારી થતાં સારવાર પાછળ મોટો ખર્ચ થવા લાગ્યો, જેથી તેઓ વ્યાજ ચુકવી શકયા નહોતા. વ્યાજ ન ચુકવાતા દીનાબેને મોહનભાઈના પત્નિના નામે રૂ. ૫૦,૦૦૦ની બે લોન કરાવી કુલ રૂ. ૧,૦૦,૦૦૦ પોતાની પાસે રાખી લીધા અને કહ્યું કે આ બધી રકમ વ્યાજમાં જમા થઈ ગઈ છે, હજુ મૂડી બાકી છે. આ ઉપરાંત આશરે આઠેક મહિના પહેલાં દીનાબેન ખીમસુરીયા ફરિયાદી-મૃત્યુ પામનાર મોહનભાઈને એસબીઆઈ બેંકની ત્રિકોણબાગ શાખાએ લઈ ગયા હતા અને તેમના પેન્શન એકાઉન્ટમાંથી રોકડા રૂ. ૭૫,૦૦૦ ઉપડાવીને તે પણ પડાવી લીધા હતા.
આમ ૧.૨૦ લાખની સામેદીનાબેને રૂપિયા ૨.૪૫ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ બધી રકમ ચૂકવ્યા બાદ મોહનભાઈએ વ્યાજ આપવાનું બંધ કરી દેતાં આશરે ૧૦ દિવસ પહેલાં દીનાબેને વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી. આથી મોહનભાઈ અને તેમના પત્નિ દીનાબેનના ઘરે વાત કરવા ગયા ત્યારે દીનાબેને ઉગ્ર બનીને ધમકી આપી હતી કે-તમારે મારા રૂપિયા આપવા જ પડશે, નહિતર હું તમારા દીકરાને ખોટા કેસમાં ફસાવી દઈશ.
આવી ધમકીને કારણે અને દિકરાને કેસમાં ફસાવી દેવામાં આવશે તેવું લાગતાં કંટાળી ગયેલા વળદ્ધ મોહનભાઈએ ગઇકાલે સવારે આશરે સાડા સાત વાગ્યે પોતાના બ્લોકની અગાશી પર જઈને ઘઉંમાં નાખવાની દવાની દોઢેક પડીકી પાણીમાં ઓગાળીને પી લીધી હતી. દવા પીધા બાદ તેમને ઉલટીઓ થવા લાગતા પરિવારજનો અને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે સારવારમાં હતાં ત્યારે તેમની જ ફરિયાદ પરથી બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ દીનાબેન સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન મોહનભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (
(2:29 PM IST)










