તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
નેહલ શુકલઃ જનસંઘ અને જવાબદારીનો સમન્વય
શહેરના પ્રથમ નાગરિકનો પરિચય

રાજકોટઃ શહેરના ર૩માં મેયર તરીકે કાર્યભાર સંભાળનાર વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલ ભાજપમાં અનેકવિધ જવાબદારીઓ નિભાવી ચૂકયા છે. આ તેમની બીજી ટર્મ છે. ગત ટર્મમાં તેઓએ વોર્ડ નં.૭ માં લોકપયોગી કામગીરી દ્વારા જબ્બર લોકચાહના મેળવી હતી.
નેહલ શુકલએ ૨૦૧૬ થી ૨૦૨૦ ગુજરાત ‘પ્રદેશ યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી' તરીકેની અને સૌરાષ્ટ્ર યુવા ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી છે. ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમાં પ્રદેશભાજપ દ્વારા જસદણ વિધાનસભા સીટના ઇન્ચાર્જ બનાવવામાં આવેલ જે ચુંટણીમાં હાલના રાજ્ય સરકારના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા વિજેતા બનેલ.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ઉતરાખંડની ચુંટણીમાં ‘સિતારગજ અને કીરછા એમ બે વિધાનસભા સીટના ઇન્ચાર્જ તરીકે નિમણુક કરેલી અને ૨૦ દિવસ ત્યાં મુકામ કરેલ. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમજ મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં ‘યુવા મોરચા'ના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સુપેરે નિભાવી છે. ૨૦૧૯ જસદણની પેટા ચુંટણીમાં યુવા બાઇકરેલી ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી અને જસદણમાં ઐતિહાસિક કહેવાય એવી હજારોની બાઈક રેલી કાઢી.
૨૦૧૯માં મોરબી પેટા ચૂંટણીમાં પણ તેઓ મોરબી વિધાનસભા સીટના પ્રદેશ યુવા મોરચાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારીમાં હતા અને પોરબંદર લોકસભા સીટ પર ૨૦૧૯માં યુવા મોરચાના પ્રતિનિધિ તરીકે નિરીક્ષકની જવાબદારી નિભાવી હતી. ૨૦૦૫ થી આજ પર્યત્ન રાજકોટ શહેર ભા.જ.૫, કારોબારીમાં આમંત્રિત સભ્ય છે. ૨૦૧૨ થી ૨૦૧૬ ગુજરાત યુવા ભાજપામાં પ્રદેશ કારોબારી આમંત્રિત સદસ્ય રહયા હતા.
તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થી કારકિર્દી શરુ કરી ૧૯૯૫ માં રાજકોટ મહાનગરના સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવી. શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૭માં ‘યુથ ઓફ ગુજરાત' નામના સંગઠનની સ્થાપના કરીને ૧૫૦૦૦ વિદ્યાર્થીઓનું યુવા સંમેલન મોદીજી ની હાજરીમાં કરેલ.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ૨૦૨૧ થી ચુંટાઈને અવિરત પણે પાંચે-પાંચ વર્ષ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે સેવા આપેલ છે અને દરેક દરખાસ્તનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે.
તેઓ ૨૦૦૨માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટમાં માત્ર ૨૪ વર્ષની ઉંમરે ચૂંટાયા છે જે આજે પણ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયે ચુંટાવાનો વિક્રમ છે. ૨૦૦૨થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે મે-૨૦૨૨ સુધી સળંગ ચૂંટણી જીતીને સેવારત રહ્યા છે.એમ કુલ ૨૦ વર્ષનો અનુભવ છે. દસ વર્ષ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય તરીકે પણ ચૂંટાઈને સેવા આપી છે. ABVPના પ્રતિનિધિ તરીકે ૨૦૦૧ થી ૨૦૨૨ સુધી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કાયદા વિદ્યાશાખાની રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટની સીટ ઉપરથી સૌ પ્રથમવાર ચુંટાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ પર ‘સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત ‘શ્રી ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટ' ના નેજા હેઠળ વોર્ડ નંબર ૭ માં ‘સ્વચ્છ ઘર સ્વચ્છ પરિવાર' પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ પોતાની રીતે દર મહીને એક વિસ્તારના રૂપિયા ૨૫૦૦૦ ભોગવતા આવીયા છીએ શરૂઆત થી લઇ ને આજ દિન પર્યત સુધી આ પ્રોજેક્ટ શરુ છે અને ભવિષ્યમાં આ પ્રોજેક્ટને સમગ્ર રાજકોટમાં આવરી લેવામાં આવશે તેમજ આ પ્રોજેક્ટમાં જે વિસ્તારમાં ટીપર વાન પહોચી નથી શકતી તેમજ કોર્પોરેશનનું તંત્ર કચરો ઉપાડી નથી શકતું એ વિસ્તારમાં ડસ્ટબિન અને ત્રણ મહિના ચાલી શકે તેટલી કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરેલ માઈક્રોનની પ્લાસ્ટિક બેગ આપી ને પોતાની વધુમાં વધુ ગ્રાન્ટ આ કાર્ય માં ફાળવેલ છે.
વોર્ડ નંબર ૭માં આવેલ ધાર્મિક સ્થળો તેમજ તમામ રેસિડેન્શિયલ ફલેટસમાં પાંચ વર્ષ દરમિયાન ડસ્ટબિન અને પ્લાસ્ટિક બેગ પહોચાડેલ છે જેના કારણે વોર્ડ નંબર ૭ને શહેરમાં સ્વચ્છતા જાળવવામાં ખુબ સરળતા રહેલ છે
(3:53 PM IST)










