News of Tuesday, 12th May 2026
નીટ પરીક્ષા રદ્ - લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થયો : કોંગ્રેસ
નીટ પરિક્ષા રદ મામલે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર : ‘‘પરીક્ષા પર ચર્ચા'' કરનાર સરકાર હવે વિદ્યાર્થીઓના તણાવ અને ભવિષ્યના પ્રશ્ને મૌન કેમ ? : કોચીંગ અને હોસ્ટેલ પાછળ ખર્ચાયેલા નાણાં અને સમયના નુકસાનની ભરપાઇ કોણ કરશે?: સરકાર જવાબ આપે

રાજકોટ : દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતી NEET-૨૦૨૬ પરીક્ષા રદ થવાના મામલે વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરીને પોતાના ભવિષ્યના સપનાઓ તૈયાર કરે છે, પરંતુ કેન્દ્ર સરકારની બેદરકારી અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે.પરીક્ષા પર ચર્ચા કરનાર વડાપ્રધાન વિદ્યાર્થીઓના માનસિક તણાવ, ડિપ્રેશન અને ભવિષ્ય સાથે થઈ રહેલા ખેલ પર મૌન કેમ છે ? તેવા વેધક સવાલો રાજપૂતે કર્યા હતા.
રોહિતસિંહ રાજપૂતે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નીટ પરીક્ષામાં પેપર લીક થયાની આશંકાઓ હવે વધુ મજબૂત બની રહી છે. પરીક્ષાના એક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક સેમ્પલ પેપર ખૂબ વાયરલ થયું હતું અને હવે અહેવાલો અનુસાર તે સેમ્પલ પેપરના અંદાજે ૪૦૦ સવાલોમાંથી આશરે ૧૪૦ સવાલો મૂળ નીટ પરીક્ષામાં પૂછાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાનો ભાંડો રાજસ્થાનમાંથી ફૂટયો હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ કેસમાં અત્યાર સુધી ૧૩ લોકો ઝડપાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને શંકા ઊભી કરી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, NEET જેવી દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષામાં ગોટાળા, પ્રશ્નપત્ર લીક, ટેકનિકલ ખામીઓ અને હવે પરીક્ષા રદ જેવી પરિસ્થિતિઓ એ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર અને NTA સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ, અસુરક્ષા અને નિરાશાનું વાતાવરણ ઉભું થયું છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ કોચિંગ, હોસ્ટેલ, મુસાફરી અને અભ્યાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારે હવે તેમના સમય અને મહેનતનું નુકસાન કોણ ભરી આપશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને PRમાં વ્યસ્ત છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે પારદર્શક અને સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઉભી કરવામાં નિષ્ફળ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોટાળાઓ સામે આવ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ મજબૂત અને કડક કાર્યવાહી થતી જોવા મળી નથી.
તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર હવે માત્ર નિવેદનો નહીં પરંતુ તાત્કાલિક અસરથી પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકે. તમામ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં અદ્યતન સુરક્ષિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, પ્રશ્નપત્ર સુરક્ષા માટે આધુનિક ટેક્રોલોજી અને પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે. પેપર લીક અને ગોટાળામાં સંડોવાયેલા તત્વો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ ઝડપી કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ ગોટાળાખોર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવાની હિંમત ન કરે. દેશના યુવાનોને સુરક્ષિત, નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર પરીક્ષા વ્યવસ્થા આપવી એ સરકારની સૌથી મોટી જવાબદારી છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરી શકાય નહીં.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનોનું ભવિષ્ય કોઈ રાજકીય પ્રયોગનો વિષય બની શકે નહીં. વિદ્યાર્થીઓને માત્ર આશ્વાસન નહીં પરંતુ ન્યાય અને વિશ્વાસ જોઈએ.
(3:08 PM IST)










