<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

કાલે નીટની રાજકોટમાં ૧૨ કેન્‍દ્રો પર પરિક્ષાઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ

શાંતિપુર્ણ રીતે પરિક્ષા યોજાય અને ગેરરીતિ ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવાશેઃ પરિક્ષા કેન્‍દ્રો આસપાસ ૪થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૦: નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી દ્વારા આવતી કાલે તા.૨૧ ના રોજ યોજાનારી નીટ-યુજી ૨૦૨૬ની પરીક્ષાને ધ્‍યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્‍વનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે. રાજકોટ શહેરમાં કુલ ૧૨ કેન્‍દ્રો પર બપોરે ૨:૦૦ થી સાંજનાં ૫::૧૫ વાગ્‍યા દરમિયાન આ પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં લેવાય અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે સવારે ૧૧:૦૦થી સાંજે ૬: ૦૦ વાગ્‍યા સુધી પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના વિસ્‍તારમાં અમુક પ્રતિબંધાત્‍મક આદેશો જાહેર કરવામાં આવ્‍યા છે.

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્‍દ્રોની ચારેય બાજુ ૧૦૦ મીટરના વિસ્‍તારમાં અનધિકળત વ્‍યક્‍તિઓ ભેગા થઈ શકશે નહીં તેમજ ૪ કે તેથી વધુ વ્‍યક્‍તિઓના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. કેન્‍દ્રોની આસપાસની તમામ સ્‍ટેશનરી અને ઝેરોક્ષ દુકાનોના સંચાલકોએ ઝેરોક્ષ મશીનો બંધ રાખવાના રહેશે. પરીક્ષાર્થીઓ કે સુપરવાઈઝરો પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, ટેબ્‍લેટ, આઈપેડ, સ્‍માર્ટ વોચ કે અન્‍ય કોઈ ડિજિટલ ગેજેટ્‍સ કે સાહિત્‍ય લઈ જઈ શકશે નહીં.પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્‍યામાં લાઉડ સ્‍પીકર વગાડવા પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે.

આ આદેશમાંથી પરીક્ષા કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ, સ્‍મશાન યાત્રા, મંજૂરી મેળવેલા લગ્નના વરઘોડા તેમજ ફરજ પરના પોલીસ અને હોમગાર્ડના જવાનોને મુક્‍તિ આપવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાનુની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું છે.

(3:32 PM IST)