તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
કાલે રાજકોટમાં ૧ર કેન્દ્રો ઉપર ‘નીટ'ની પરીક્ષાઃ તમામ સ્થળે બ્રોડકાસ્ટીંગઃ પ૩૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કલેકટર-પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્તઃ દરેક કેન્દ્રો ઉપર ડે. કલેકટર કક્ષાના અધિકારીઓ તૈનાત

રાજકોટ, તા. ર૦: આવતી કાલે યોજાનારી નીટની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ ૧૨ સેન્ટરો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૫૩૩૦ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વની ગણાતી પરીક્ષા આપશે, કલેકટર અને પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને એડિશનલ કલેક્ટર બારોટે પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ ૧૨ પરીક્ષા સેન્ટરો પરથી સીધું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે, જેથી કલેક્ટર કચેરી ખાતેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. દરેક સેન્ટર પર ડે. કલેકટરો, અધિકારીઓ અને નોડલ અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર અધિકારીઓની ખાસ ટીમ પણ નિરીક્ષણ માટે આવી છે.
પરીક્ષા કેન્દ્રો પર ખાસ સિસ્ટમ અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણી, પ્રકાશ અને બેઠક વ્યવસ્થાની ચકાસણી માટે નોડલ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની ગરિમા જળવાય તે રીતે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી લેવી. રાજકોટમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપે છે, પરંતુ આ વર્ષે ટેકનોલોજી અને સુરક્ષાના સમન્વય સાથે તંત્રએ ‘ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી છે.
(2:23 PM IST)










