તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 8th September 2026
ગ્રીનલેન્ડ ચોકડી પાસે મીઠાઇના વેપારી સાગરભાઇ પરમાર પર ટેટુ, વિશાલ સહિત ૧૦ શખ્સોનો હુમલો
લાલપરીના ટેટુને સાગરભાઇના મિત્રએ ઓફિસ પાસેથી ઉભો કરી ભગાડયો હોઇ ખાર રાખી ડખ્ખો કરાયોઃ ખૂનની ધમકી પણ દીધીઃ બી-ડિવીઝનમાં ગુનો

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં મીઠાઇના વેપારી નજીકમાં મિત્રની ઓફિસે હતાં ત્યારે મિત્રએ લાલપરીના ટેટુ નામના શખ્સને ઓફિસ પાસેથી ઉભો કરી ભગાડયો હોઇ આ વાતનો ખાર રાખી ટેટુ સહિતના દસ શખ્સોએ ટોળકી રચી મીઠાઇના વેપારી અને તેના મિત્ર પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી ધમકી આપતાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી હરસિધ્ધી સોસાયટી મેઇન રોડ ચામુંડા પાનવાળી શેરીમાં રહેતાં અને ઘરે બેઠા મીઠાઇનો વેપાર કરતાં સાગરભાઇ નરોત્તમભાઇ પરમાર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ટેટુભાઇ ઉર્ફે શીવકાંત, વિશાલ રોજાસરા, પ્રવિણ મનુભાઇ બાંભવા, તેજો મનુભાઇ બાંભવા અને અજાણ્યા પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સાગરભાઇ પરમારે જણાવ્યું છે કે ચારેક દિવસ પહેલા રાતે સાડા દસેક વાગ્યે હું અને મારા મિત્ર સંજયભાઇ બંને ગ્રીનલેન્ડ ચોકડીએ સંજયભાઇની ઓફિસ ખાતે બેઠા હતાં ત્યારે લાલપરીમાં રહેતો ટેટુ નામનો શખ્સ ઓફિસ બહાર બેઠો હતો. જેથી મારા મિત્ર સંજયભાઇએ ટેટુને ઓફિસ પાસેથી ઉભો કરી રવાના કર્યો હતો. આ વાતની અદાવત તેણે રાખી હતી. દરમિયાન સવારે ચારેક વાગ્યે હું મોરબી રોડ ગ્રીનલેન્ડ ચોકડીએ ચામુંડા ચા નામની હોટલે હતો અને ત્યાં બેસતા રવિભાઇ સાથે વાત કરી રહ્યો હતો તે વખતે ટેટુ તથા તેનો મિત્ર વિશાલ રોજાસરા હોટલે આવી પાણીની બોટલ લીધા પછી મારી પાસે આવ્યા હતાં.
બાદમાં ટેટુએ બોલાચાલી કરી ગાળો દેતાં મેં તેને ગાળો આપવાનું કારણ પુછતાં તે અને વિશાલ વધુ ઉશ્કેરાઇ ગયા હતાં અને વધુ ગાળો દેવા માંડયા હતાં. આ પછી ટેટુએ ફોન કરી બીજા શખ્સોને બોલાવી લીધા હતા. મેં પણ મારા મિત્ર ખેંગારભાઇને ફોન કરી બોલાવી લીધા હતાં. આ પછી અમે શીવનગરના રસ્તે હતાં ત્યારે ટુટે સહિતના શખ્સો આવી ગયા હતાં. તેની સાથે વિશાલ ઉપરાંત પ્રવિણ, મનોજ, અજાણ્યા પાંચ જણા હતાં. આ બધાએ અમારા પર હુમલો કર્યો હતો. મને માથા પાછળ કોઇ હથીયારનો ઘા મારી દેતાં ઇજા થઇ હતી. તેમજ બીજા શખ્સોએ વાંસાના ભાગે વાહનની ચાવીથી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન મારો મિત્ર ઘનશ્યામ મુંધવા આવી જતાં મને વધુ મારથી બચાવ્યો હતો. ટેટુએ આ વખતે મને ખૂનની ધમકી દીધી હતી અને બાદમાં બધા ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સારવાર માટે હોસ્પિટલે જતાં માથામાં પાંચ ટાંકા આવ્યા હતાં. સારવાર બાદ રજા લઇ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં સાગરભાઇએ કહેતાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે વિશાલ રોજાસરા અને શીવકાંત ઉર્ફે ટેટુ પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
(2:50 PM IST)










