તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
નવરાત્રિ રાસોત્સવઃ મનપાના ૮ મેદાનોની હરરાજીના ઢોલ વાગ્યા
રેસકોર્સ, નાનામવા, સાધુવાસવાણી મેદાનોની અપસેટ પ્રાઇઝ પ્રતિ ચો.મી.રૂ.૬: માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ માટે અલગથી બોલીઃ બાકીના માટે પ્રતિ ચોરસ મીટર માટે માત્ર રૂ.૫ની અપસેટ પ્રાઇસઃ ટેક્સ-ચાર્જ અલગથી વસૂલાશે

રાજકોટ, તા.૧૬: નવરાત્રિના પર્વ દરમિયાન શહેરમાં યોજાતા રાસોત્સવ અને ગરબા આયોજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા છ મેદાનો માટે સંયુક્ત ઑફલાઇન ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જ્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ માટે અલગથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના રાસોત્સવ માટે રેસકોર્સ ખાતે આવેલા બે મેદાનો, નાના મવા સર્કલ નજીકનું મેદાન, અમિન માર્ગના છેડે કોર્નર પર આવેલું મેદાન, સાધુ વાસવાણી રોડ ઉપર રાજપેલેસ બિલ્ડિંગ નજીકનું મેદાન તેમજ રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ પાસે આવેલું મેદાન ભાડે આપવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ તમામ છ મેદાનો માટે સંયુક્ત રીતે ઑફલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને નવરાત્રિ દરમિયાન રાસોત્સવના આયોજન માટે ભાડે આપવા અલગથી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મનપાએ મેદાનો માટે પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ. ૫ની અપસેટ પ્રાઇસ નક્કી કરી છે. ટેન્ડરમાં નક્કી થતી ભાડાની રકમ ઉપરાંત લાગુ પડતા અન્ય ટેક્સ તથા વિવિધ ચાર્જની વસૂલાત અલગથી કરવામાં આવશે.
મહત્વનું એ છે કે આ વખતે પણ મેદાનોની અપસેટ પ્રાઇસ તેમજ ડિપોઝિટની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને અગાઉની જ રકમ યથાવત રાખવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા માટે ૧૫ દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.
નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે શહેરનાં મહત્ત્વનાં અને મોટા મેદાનો મેળવવા રાસ-ગરબાના આયોજકો વચ્ચે સ્પર્ધા જામવાની શકયતા છે. ખાસ કરીને રેસકોર્સ, નાના મવા, અમિન માર્ગ, સાધુ વાસવાણી રોડ અને રૈયા રોડ જેવા વિસ્તારોમાં આવેલા મેદાનો માટે આયોજકો તરફથી ટેન્ડરમાં રસ જોવા મળે તેવી સંભાવના છે.

(3:38 PM IST)










