<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

નવલનગર વિસ્‍તારમાં પત્‍નિની છરીના ઘા મારી હત્‍યા કરવા તેમજ સાસુની હત્‍યાની કોશિષના ગુનામાં પકડાયેલ પતિને આજીવન કેદ

બનાવમાં વપરાયેલ છરી ઉપર મૃતકના લોહીના ડાઘ મળી આવેલ છેઃ આરોપી વિરૂધ્‍ધ નજરે જોનાર સાહેદ સહિતનો મજબુત વૈજ્ઞાનિક પુરાવો છે : કોર્ટ

રાજકોટઃ તા.ર૭,વર્ષ-૨૦૧૮માં રીસામણે ગયેલ પત્‍નિને પાછી લઈ આવવા જઈ પત્‍નિને છરીના અનેક ઘા મારી મોત નિપજાવી, પોતાની દિકરીનો બચાવ કરવા આવેલ સાસુને પણ છરીના ઘા મારી હત્‍યાનો પ્રયાસ કરનાર આરોપી પ્રકાશ દિપકભાઈ પરમારને હત્‍યા અને હત્‍યાના પ્રયાસના ગુન્‍હા સબબ અધિક સેશન્‍સ જજ શ્રી એ.કે. શાહે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૧૫,૦૦૦/-ને દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, અહી નવલનગર-મવડી વિસ્‍તારમાં તા.૨૩/૦૬/૨૦૧૮ ના રોજ આરોપી પ્રકાશ પરમારના પત્‍નિ નમ્રતાબેન પોતાની માતા મીનાબેન પાસે રીસામણેથી આવ્‍યા હતા. આરોપીએ અનેક વખત દારૂ પીને પત્‍નિને મારકુટ કરતા હોવાથી પત્‍નિ નમ્રતાબેન પોતાના આરોપી પતિ સાથે પાછા જવા માંગતા ન હતા. બનાવના દિવસે આરોપીએ પત્‍નિ નમ્રતાને પરાણે પાછા લઈ જવાનો પ્રયાસ કરેલ પરંતુ પત્‍નિ નમ્રતાબેન માનેલ નહીં. આ કારણે આરોપી પ્રકાશે પોતાને નેફામાંથી છરી કાઢી પત્‍નિને અનેક ઘા મારેલ હતા. આ દૃશ્‍ય જોઈને નમ્રતાબેનની માતા મીનાબેન પોતાની દિકરીને બચાવવા માટે દોડી આવેલ. આ સમયે આરોપી પ્રકાશે પોતાના સાસુ મીનાબેનને પણ છરીના મરણતોલ ઘા મારેલા હતા. બંને ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવામાં આવેલા પરંતુ પત્‍નિ નમ્રતાબેનનુ મળત્‍યુ નિપજેલ હતુ અને સાસુ મીનાબેનનો લાંબી સારવારથી જીવ બચી ગયેલ હતો. પોલીસ તપાસ બાદ પ્રકાશ પરમાર સામે ચાર્જશીટ રજુ કરવામાં આવેલા અને ત્‍યારથી જ તે જેલવાસ ભોગવી રહેલ હતો.

સરકાર તરફેના તમામ પુરાવાઓ રજુ થયા બાદ આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે બનાવ નજરે જોનાર આરોપીના મોટા સાસુ અને સાળીએ જે નિવેદનો આપેલ તેનાથી તેઓની જુબાનીમાં વિસંગતતા છે. આ ઉપરાંત આરોપી પ્રકાશ પરમારના કપડા ઉપર બંનેમાંથી કોઈપણ ઈજાગ્રસ્‍તના લોહીના ડાઘ આવેલ નથી. આ તમામ પરિસ્‍થિતીનો લાભ આરોપીને આપી તેને નિર્દોષ છોડી મુકવો જોઈએ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી એસ.કે. વોરાએ દલીલ કરી જણાવેલ હતુ કે, આરોપીનો બચાવ કરવા માટે જે જે વકિલશ્રીઓ રોકાયેલા હતા તેમાના કોઈ પણે બનાવ સમયે આરોપી બનાવ સ્‍થળે આવેલ નહી હોવાનુ સાબિત કરી શકેલ નથી. પોલીસ તપાસ દરમ્‍યાન બંને ઈજાગ્રસ્‍તોને ઈજાઓ પહોંચાડવા માટે કોઈ અન્‍ય વ્‍યકિતએ કોઈ અન્‍ય કારણસર ઈજા કરેલ હોય તેમ પણ જણાયેલ નહી. બનાવ સ્‍થળેથી આરોપી ભાગી ગયેલ અને બનાવના બીજા દિવસે આરોપી પકડાયેલા હતો. ૨૪ કલાકના આ સમયગાળામાં આરોપીએ પોતાના કપડા ઉપરના લોહીના ડાઘ ધોઈ નાખેલ હોવાનુ અનિવાર્ય અનુમાન થાય છે. બનાવના બે દિવસ બાદ પોલીસ રીમાન્‍ડ દરમ્‍યાન આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ છરી કાઢી આપેલ હતી.

વૈજ્ઞાનિક પરીક્ષણ દરમ્‍યાન આ છરી ઉપર ગુજરનારના લોહીના ડાઘ મળી આવેલ હતા. આરોપીએ જ કાઢી આપેલા આ છરી ઉપર ગુજરનારનુ લોહી મળી આવેલ હોય તે વૈજ્ઞાનિક પુરાવો આરોપી વિરૂધ્‍ધ સૌથી મજબૂત પુરાવો છે, જે અંગે કોઈ વિશ્વાસકારક બચાવ કે ખુલાસો લાવવામાં આવેલ નથી. શ્રી સરકાર તરફેની આ દલીલના અંતે અધિક સેશન્‍સ જજ શ્રી એ. કે. શાહે આરોપીને પોતાની પત્‍નિ નમ્રતાબેનની હત્‍યાના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૧૦,૦૦૦/- ને દંડ ફરમાવેલ છે તથા સાસુ મીનાબેનની હત્‍યાના પ્રયાસના ગુન્‍હા સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ૫ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા.૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી  વકિલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

સંજયભાઇ વોરા

જીલ્લા સરકારી વકીલ

(3:25 PM IST)