તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
નવાગામ રંગીલા સોસાયટીમાં દારૂ પીવાની ના પાડતાં નંદીનીને પતિ દીપકે ફટકારી
સાસુ, સસરાએ પણ ઢીકાપાટુ મારી લીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૯: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી નંદીનીબેન દીપક જાદવ (ઉ.વ.૨૦) નામની પરિણીતાને રાતે એકાદ વાગ્યે પતિ દીપકે લાકડીથી માર મારતાં અને સાસુ સોનલબેન તથા સસરા નારણભાઇએ પણ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
નંદીનીબેનને સંતાનમાં એક દિકરી છે. તેણીએ આક્ષેપો સાથે કહ્યું હતું કે પતિ દીપકને દારૂ પીવાની આદત હોઇ મોડી રાતે પીને ઘરે આવતાં તેને આ કુટેવ છોડી દેવાનું કહેતાં ઉશ્કેરાઇને મારકુટ ચાલુ કરી હતી. દેકારો સાંભળી સાસુ-સસરા આવ્યા હતાં અને દિકરાને સમજાવવાના બદલે તેનુ ઉપરાણુ લઇ તેણે પણ ઢીકાપાટુ માર્યા હતાં. નંદીનીબેનના માવતર નવાગામમાં જ રહે છે. પોતે રંગીલા સોસાયટીમાં સાસરે છે. ઘણા સમયથી પતિ પીને હેરાન કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
છુટાછેડા બાદ પૈસા મામલે કાજલને પુર્વ પતિએ માર માર્યો
કાલાવડ રોડ કણકોટ બુધ્ધ વિહાર નજીક રહેતી કાજલ (ઉ.વ.૨૪)ને પુર્વ પતિ વિજય મદુરીયા-દેવીપૂજકે ઢીકાપાટુનો માર મારી પથ્થરથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થઇ છે. તેણીએ કહ્યું હતું કે છુટાછેડા બાદ પુર્વ પતિને રિવાજ મુજબ તેણીએ અઢી લાખ દેવાના છે. પણ હાલમાં પૈસા ન હોઇ બાદમાં આપશે તેવું કહેતાં ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી
(2:17 PM IST)










