News of Thursday, 8th October 2026
ભારતીય સિનેમાના હસ્તાક્ષર ઍવા વૈવિધ્યસભર અભિનેતા હતા નાના પાટેકર
* ‘‘નાના'' નામ તેમને માતાની એક સહેલીએ બાળપણમાં પ્રેમથી આપ્યું હતું * નાના ના લગ્ન નિલકાંતી સાથે માત્ર ૭૫૦ રૂપિયા ખર્ચમાં થયા હતા. * નાના પાટેકરે ૫૬ વર્ષની ઉંમરે ધૂમ્રપાન છોડી દીધું ત્યાં સુધી તેઓ ચેઇન સ્મોકર હતા. * ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં મેજર તરીકે સેવા આપી હતી. * નાના પાટેકરના માતૃપક્ષના કઝિન મન્યા સુર્વે પ્રખ્યાત ગેંગસ્ટર હતા જેમના પર અગ્નિપથ અને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આધારિત છે. * તેઓ મુંબઈમાં ૭૫૦ ચોરસ ફૂટના ૧ બીએચકે જૂના ફલેટમાં માતા સાથે રહેતા. તેઓ ખૂબ સારા કૂક (રસોઇયા) પણ હતા. * તેઓ પાત્રને માત્ર સંવાદો દ્વારા નહીં પરંતુ આંખો, અવાજ, શરીરની ભાષા અને ભાવનાથી જીવંત બનાવતા. * ક્રિકેટના પણ ખૂબ મોટા ચાહક હતા. વિરાટ કોહલી વહેલો આઉટ થઈ જાય તો તેઓ જમતા નહીં

વિશ્વનાથ ‘‘નાના'' પાટેકર ભારતીય સિનેમાના સૌથી તીવ્ર, પ્રભાવશાળી અને વૈવિધ્યસભર અભિનેતાઓમાંના એક હતા. નાના પાટેકર માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાના એક એવા હસ્તાક્ષર હતા જેમણે પોતાના અનોખા અંદાજ અને દમદાર ડાયલોગ ડિલિવરીથી દર્શકોના દિલ પર રાજ કર્યું. હિન્દી અને મરાઠી સિનેમામાં લગભગ પાંચ દાયકાના કારકિર્દીમાં તેમણે ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ, ચાર ફિલ્મફેર એવોર્ડ અને ૨૦૧૩માં પદ્મશ્રી મેળવ્યા. ૮ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ ગોવાના દૌના પૌલા ખાતે તેમના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટને કારણે ૭૫ વર્ષની વયે તેમનું નિધન થયું. ડોક્ટરોએ લગભગ ૪૫ મિનિટ સુધી સીપીઆર આપ્યું પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે તેમના પિતાના નિધનની પુષ્ટિ કરી છે.
નાના પાટેકરના જીવનની ઘણી એવી વાતો છે જે ચાહકોને ખ્યાલ નથી. આજે આપણે એવી જ કેટલીક વાતો જાણીએ. નાના પાટેકરનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૫૧ ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ વિશ્વનાથ પાટેકર હતું. ‘‘નાના'' નામ તેમને માતાની એક સહેલીએ બાળપણમાં પ્રેમથી આપ્યું હતું જે પછી તેમના આખા જીવન અને દસ્તાવેજોમાં ચાલુ રહ્યું. તેમના પિતા ગજાનન (કેટલાકસ્ત્રેતોમાં દિનકર) પાટેકર કાપડના વ્યવસાય અને ટેક્સટાઇલ પેઇન્ટિંગ સાથે જોડાયેલા હતા જ્યારે માતા નિર્મલા (કેટલાકસ્ત્રેતોમાં સંજનાબાઈ) ગૃહિણી હતાં. પરિવારમાં કુલ સાત બાળકો હતાં પરંતુ તેમાંથી પાંચનું નાની ઉંમરે નિધન થયું. પિતાને વ્યવસાય નુકસાન થતાં પરિવાર આર્થિક સંકટમાં આવ્યો. ૧૩ વર્ષની ઉંમરે નાનાએ શાળા પછી ૧૬ કિલોમીટર પગપાળા ચાલીને સિનેમા પોસ્ટર પેઇન્ટ કરવાનું કામ શરૂ કર્યું જ્યાં મહિને ૩૫ રૂપિયા અને એક ટંક ભોજન મળતું. નાના પાટેકરના પિતાની સંપત્તિ પરિવારના જ એક સભ્યે છેતરપિડી કરીને હડપ કરી લીધી હતી. આ જ કારણથી નાના પાટેકરનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. તેઓ કહેતા કે ‘‘ભૂખ અને અપમાન'' તેમના બે ગુરુ હતા. પિતાનું ૨૮ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું. માતા નિર્મલા ૯૯ વર્ષની વયે ૨૦૧૯માં અવસાન પામ્યા. નાના પાટેકર તેમની સાથે મુંબઈના નાના વન બીએચકે ફલેટમાં રહેતા હતા.
૧૯૭૮માં નાના પાટેકરે નીલકાંતી (નીલુ) સાથે લગ્ન કર્યા હતા. તેઓ થિયેટરમાં મળ્યા હતા. નીલકાંતી અગાઉ બેંક અધિકારી હતાં અને આઇઆઇટી ની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી પરંતુ અભિનય તરફ વળ્યાં. એ લગ્ન માત્ર ૭૫૦ રૂપિયા ખર્ચમાં થયા હતા. તેમને દુર્વાસા અને મલ્હાર નામના બે પુત્રો થયા. બીમારીને કારણે દુર્વાસાનું ૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નાના ૨૮ વર્ષના હતા ત્યારે નાનાના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયેલું. તેમના બે ભાઈઓ અશોક અને દિલીપ પાટેકર હતા. નાના પાટેકરે ૫૬ વર્ષની ઉંમરે ધૂમ્રપાન છોડી દીધું ત્યાં સુધી તેઓ ચેઇન સ્મોકર હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેમના પિતા નાટકો ખૂબ પસંદ કરતા હતા અને તેમને નાટકો જોવા માટે પ્રોત્સાહિત કરતા હતા જેનાથી નાનાનો અભિનય પ્રત્યેનો પ્રેમ વિકસ્યો. વિજયા મહેતાએ તેમનું પહેલું નાટક દિગ્દર્શન કરેલું. નાનાએ ‘પુરુષ' (૧૯૮૧) નાટકમાં ૧૬ વર્ષ સુધી અભિનય કર્યો. આ નાટકમાં તેઓ વિલનની ભૂમિકા ભજવતા હતા. તેમનો રોલ એટલો ઘૃણાસ્પદ હતો કે પરફોર્મન્સ દરમિયાન જ મહિલાઓ તેમના પર જૂતાં ફેંકવા લાગતી હતી. જ્યારે તેઓ જૂતાં લેવા જતી ત્યારે નાના ના પાડી દેતા. તેઓ એ જૂતાંને સન્માનરૂપે સાચવીને રાખતા હતા. નાના પાટેકરે પોતાની કરિયરની શરૂઆત મુઝફફર અલીની ફિલ્મ 'ગમન'માં નાનકડો રોલ પ્લે કરીને કરી હતી. તેઓ ૧૯૮૮ માં ટેરિટોરિયલ આર્મીમાં કેપ્ટન તરીકે જોડાયા હતા. તેમણે ફિલ્મ પ્રહાર માટે ત્રણ વર્ષની તાલીમ લીધી અને જનરલ વીકે સિહ સાથે કામ કર્યું જે તે સમયે લેફટનન્ટ કર્નલ હતા અને તેમની પણ નાનકડી ભૂમિકા હતી. ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં મેજર તરીકે સેવા આપી હતી. તેઓ ૨૦૧૩ માં ટેરિટોરિયલ આર્મીમાંથી લેફટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા.
કહેવાય છે કે, 'પરિદા'ના આગવાળા સીનના શૂટિગ દરમિયાન નાના પાટેકર આગથી માંડ માંડ બચ્યા હતા. ફિલ્મમાં આવ્યા પહેલાં નાના પાટેકર થિયેટરમાં કામ કરતાં હતા. અહીંયા સ્મિતા પાટિલે તેમની ટેલેન્ટને ઓળખી હતી. સ્મિતા પાટિલે જ નાના પાટેકરની મુલાકાત રવિ ચોપરા સાથે કરાવી હતી. નાના પાટેકરના માતૃપક્ષના કઝિન મન્યા સુર્વે પ્રખ્યાત ગેંગસ્ટર હતા જેમના પર અગ્નિપથ અને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આધારિત છે. નાના પાટેકરે સ્કેચ આર્ટિસ્ટ તરીકે મુંબઈ પોલીસને મદદ કરી હોવાનું કહેવાય છે. નાનાનું જીવન અત્યંત સાદું હતું. તેઓને મુંબઈમાં ૭૫૦ ચોરસ ફૂટનો જૂનો ફલેટ હતો. પુણે નજીક ખેતી અને ગોવામાં નિવાસ હતું. તેઓ ખેતી, રસોઈ અને સમાજસેવા પસંદ કરતા. તેમની માતાએ રસોઈ શીખવી હતી તેઓ કહેતા કે ‘‘હું અભિનેતા કરતાં સારો રસોઈયો છું.''
નાના બાળપણમાં ખૂબ જ તોફાની હતા. એટલા તોફાની કે શિક્ષક તેમને પોતાની બાજુમાં બેસાડીને રાખતા જેથી મારવા માટે વારંવાર ઊભા થવું ન પડે. તોફાન એટલા વધી ગયા કે નાનાનાં માતાએ તેમને છઠ્ઠા ધોરણ પછી પોતાની બહેનના ગામમાં મોકલી દીધા. માતાને લાગ્યું કે બીજી જગ્યાએ જશે તો સુધરી જશે. નાના પોતાના માસીના ઘરે એક-બે વર્ષ રહ્યા પછી પાછા ફર્યા. માસીએ જ તેમને પાછા મોકલી દીધા. તેમને ડર હતો કે નાનાની સંગતમાં ક્યાંક તેમના પોતાના બાળકો પણ બગડી ન જાય. નાના પોતાને બીજાઓ કરતાં ઊતરતા માનતા હતા. તેઓ પોતાને કદરૂપા માનતા હતા. નાનાના બંને ભાઈ દેખાવમાં તેમના કરતાં સારા હતા. નાનાને લાગતું હતું કે પિતા બીજા ભાઈઓને વધુ મહત્વ આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહેલું કે, તેમને આ વાતનું ખૂબ દુઃખ હતું કે તેઓ પોતાની કમાણીમાંથી પિતા માટે કંઈ કરી શક્યા નહોતા. તેમના પિતાનું નિધન મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં થયું હતું. તે સમયે નાના પાસે તેમની દવાઓ માટે પણ પૈસા નહોતા. આવા મુશ્કેલ સમયમાં તેમના મિત્રોએ મદદ કરી અને દવાઓના પૈસા આપ્યા હતા.
ફિલ્મ ‘પરિદા' માં નાના પાટેકરે ભજવેલું અન્ના શેઠનું પાત્ર ખૂબ યાદગાર બન્યું. આ ફિલ્મે તેમને એક ગંભીર અને શક્તિશાળી અભિનેતા તરીકે વધુ મજબૂત ઓળખ અપાવી. ‘ક્રાંતિવીર'માં તેમના અભિનયે દેશભરના દર્શકોને પ્રભાવિત કર્યા. ફિલ્મના સંવાદો અને નાના પાટેકરની રજૂઆત આજે પણ હિન્દી સિનેમાના યાદગાર પળોમાં ગણાય છે. નાના પાટેકરને ‘ક્રાંતિવીર' માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમના અભિનયને અનેક ફિલ્મોમાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ઘણા લોકો કદાચ જાણતા નહીં હોય કે નાના પાટેકરે ફિલ્મ ‘પ્રહારઃ ધ ફાઈનલ એટેક' નું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તેમણે પોતાની સર્જનાત્મકતા કેમેરાની પાછળ પણ સાબિત કરી. નાના પોતાના ગુસ્સાવાળા સ્વભાવ માટે પણ ચર્ચામાં રહેતા હતા. જ્યારે રવિ ચોપડાએ તેમને દુષ્કર્મીની ભૂમિકા ઓફર કરી ત્યારે તેમણે અપશબ્દ કહી દીધો હતો. ફિલ્મ ‘પરિદા'ના શૂટિગ દરમિયાન નાના અને ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. નાના પાટેકરની સૌથી મોટી વિશેષતા તેમની ઇન્ટેન્સ એક્ટિંગ હતી. તેઓ પાત્રને માત્ર સંવાદો દ્વારા નહીં પરંતુ આંખો, અવાજ, શરીરની ભાષા અને ભાવનાથી જીવંત બનાવતા.
હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવ્યા બાદ પણ નાના પાટેકર મરાઠી સિનેમા સાથે જોડાયેલા રહ્યા. ૨૦૧૪ની ‘ડો. પ્રકાશ બાબા આમટેઃ ધ રિયલ હીરો'માં તેમણે સમાજસેવક પ્રકાશ આમટેની ભૂમિકા ભજવી. ૨૦૧૬ની ‘નટસમ્રાટ'માં નિવૃત્ત રંગકર્મી ગણપતરાવ બેલવલકરના પાત્ર દ્વારા તેમણે વૃદ્ધાવસ્થા, સ્વાભિમાન અને પારિવારિક સંબંધોની વેદના રજૂ કરી. તેમની પછીની ફિલ્મોમાં ‘આપલા માણૂસ', ‘કાલા', ૨૦૨૩ની ‘ધ વેક્સિન વોર' અને ૨૦૨૪ની ‘વનવાસ'નો સમાવેશ થાય છે. ૨૦૨૬માં આવેલી ‘સૂબેદાર'માં પણ તેઓ જોવા મળ્યા હતા. આ સફરમાં તેમણે મુખ્ય ભૂમિકાઓ ઉપરાંત સહાયક અને નકારાત્મક પાત્રો દ્વારા પણ પોતાની ઓળખ જાળવી રાખી.
નાના પાટેકર માત્ર એક તેજસ્વી અભિનેતા જ નહોતા પરંતુ તેઓ ક્રિકેટના પણ ખૂબ મોટા ચાહક હતા. ૨૦૧૫ના એક ઇન્ટરવ્યુમાં તેમણે ક્રિકેટ સાથે જોડાયેલી બાળપણની અનેક યાદો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ પોતે પણ ઉત્સાહી ક્રિકેટર હતા અને ઓફ-સ્પિન બોલિગ કરતા હતા. ક્રિકેટ પ્રત્યેનો તેમનો આ પ્રેમ માત્ર વાતો પૂરતો નહોતો પરંતુ બાળપણમાં તેઓ સમય મળતાં ક્રિકેટ રમતા અને બોલિગની પ્રેક્ટિસ પણ કરતા હતા. ક્રિકેટ વિશે વાત કરતા નાના પાટેકરે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યારે તેઓ ટીવી સામે ચોંટી રહેતા હતા. ‘‘નાનપણમાં હું ઓફ-સ્પિન બોલર હતો.'' તે સમયે તેઓ ગરીબ હતા અને ક્રિકેટ શીખવા માટે પૈસા નહોતા. તેથી તેઓ શિવાજી પાર્ક જતા અને ત્યાં નેટમાં પ્રેક્ટિસ કરતા લોકોને બોલિગ કરતા જોતા હતા. આ રીતે તેમણે કોઈ કોચિગ કે મોંઘી તાલીમ વગર ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો જીવંત રાખ્યો હતો. નાના પાટેકરે એ ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે માત્ર ૧૦ દિવસની પ્રેક્ટિસ બાદ પણ તેમને વિશ્વાસ હતો કે તેઓ સારી બોલિગ કરી શકે છે. તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ તેમના જીવનમાં માત્ર સમય પસાર કરવાનો શોખ નહોતો. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેઓ માનતા હતા કે તેમની અંદરનો એક ક્રિકેટર આજે પણ જીવંત છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી તેમના પ્રિય ક્રિકેટર હતા. વિરાટ કોહલી પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતાં કહ્યું હતું કે જો વિરાટ વહેલો આઉટ થઈ જાય તો તેમને ખાવાનું પણ મન થતું નથી.
સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે જાહેરાત કરી છે કે સરકારે અભિનેતા નાના પાટેકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સન્માન તેમના મરાઠી રંગમંચ, મરાઠી અને હિન્દી સિનેમામાં આપેલા અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે. તેમની અંતિમ ઇચ્છા મુજબ પુણે સ્થિત તેમના ફાર્મ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવશે. નાના પાટેકર એટલે માત્ર એક અભિનેતા નહીં પરંતુ સંઘર્ષથી ઘડાયેલું એવું વ્યક્તિત્વ જેની સફર આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે.(૪૦.૪૦)
નાના પાટેકરના ૧૦ શક્તિશાળી ડાયલોગ જે સિનેમામાં અમર રહેશેઃ થિયેટરોમાં આ ડાયલોગ પર જોરદાર સીટીઓ વાગતી..!
નાના પાટેકરે ૧૯૭૮ની ફિલ્મ 'ગમન'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તેઓ 'ક્રાંતિવીર', 'યશવંત' અને 'તિરંગા' જેવી અનેક વખણાયેલી ફિલ્મોનો હિસ્સો બન્યા. તેમની ફિલ્મોના ડાયલોગ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા. નાના પાટેકરના એવા ૧૦ શક્તિશાળી ડાયલોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સિનેમાના ઇતિહાસમાં અમર રહેશે. ચાલો એવી ફિલ્મો પર એક નજર કરીએ જેમાં થિયેટરોમાં પ્રેક્ષકોએ નાનાના સંવાદો સાંભળીને ઉત્સાહપૂર્વક તાળીઓ પાડી અને સીટીઓ વગાડી હતી.
આ ગયે મેરી મૌત કા તમાસા દેખને.. (ક્રાંતિવીર)
યે મુસલમાન કા ખૂન યે હિન્દુ કા ખૂન... બતા ઇસમે મુસલમાન કા કૌન સા, હિન્દુ કા કૌન સા... (ક્રાંતિવીર)
સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ.. (યશવંત)
સૌ મે સે અસ્સી બેઇમાન, ફિર ભી મેરા દેશ મહાન..(યશવંત)
મરાઠા મરતા હૈ યા મારતા હૈ.. (તિરંગા)
હમ સબ એક હી મીટ્ટિ કે બને હૈ.. (ક્રાંતિવીર)
ધંધે મે કોઇ કિસી કા ભાઇ નહી, કોઇ કિસી કા બેટા નહીં.. (પરિંદા)
હમ સબ સિસ્ટમ કા હિસ્સા હૈ, સિસ્ટમ ડિસાઇડ કરતા હૈ, અપુન ફોલો કરતા હૈ.. (અબ તક છપ્પન)
એક સૈનિક કે લીયે ઉસકા દેશ હી ઉસકા પરિવાર હોતા હૈ.. (પ્રહાર)
સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા બે.. (વેલકમ)
માત્ર અભિનય નહીં જીવનમાં પરોપકાર
માટે પણ જાણીતા હતા નાના..!
નાના પાટેકર તેમની સરળ જીવનશૈલી અને તેમના પરોપકાર માટે જાણીતા હતા. તેમણે બિહારમાં પૂરગ્રસ્ત ગામોના પુનર્નિર્માણ માટે ચેરિટેબલ સંસ્થા અનુભૂતિ દ્વારા નાણાંનું દાન કર્યું હતું. ફિલ્મ પાઠશાળામાં તેમના અભિનય માટે તેમને મળેલ તમામ નાણાકીય મહેનતાણું તેમણે પાંચ અલગ અલગ ચેરિટેબલ સંસ્થાઓને દાનમાં આપ્યું હતું. જ્યારે તેમને રાજ કપૂર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં રૂ. ૧,૦૦૦,૦૦૦ નું રોકડ ઇનામ હતું ત્યારે તેમણે સમગ્ર રકમ મહારાષ્ટ્રમાં દુષ્કાળ રાહત પ્રવૃત્તિઓ માટે દાનમાં આપી હતી. તેમણે દુષ્કાળને કારણે થયેલા દેવાને કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોને પણ નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેમણે ઓગસ્ટ ૨૦૧૫માં વિદર્ભ ક્ષેત્રના ૬૨ ખેડૂતોના પરિવારોને અને સપ્ટેમ્બર ૨૦૧૫માં મરાઠવાડાના લાતુર અને ઉસ્માનાબાદ જિલ્લાના અન્ય ૧૧૩ પરિવારોને રૂ. ૧૫,૦૦૦ના ચેકનું વિતરણ કર્યું હતું. તેઓએ સપ્ટેમ્બર ૨૦૧૫ માં સાથી મરાઠી અભિનેતા મકરંદ અનાસપુરે સાથે મળીને નામ ફાઉન્ડેશનની સ્થાપના કરી જે મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા ખેડૂતોને સહાય પૂરી પાડવાનું કામ કરે છે.
બિહારની નાનાની મુલાકાત વખતે તેમણે મોકામાના 'ઔંટા' ગામમાં ખેડૂતો સાથે પણ સમય વિતાવ્યો હતો. તેમની સાથે વાતચીત કરી અને ખેતી તથા કૃષિ વિશે ઊંડી સમજ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક ખેડૂતને ખેતર ખેડતા જોઈને નાના પોતે હળ સંભાળવા માટે આગળ આવ્યા. તેમને ખેતરમાં પ્રવેશતા અને બળદ દ્વારા ખેંચાતું હળ ચલાવતા જોઈને ત્યાં હાજર લોકો રોમાંચિત થઈ ગયા હતા. તેમની સાદગી અને ખેડૂતો સાથેના તેમના જોડાણને દર્શાવતી તસવીરોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં આતંકવાદ અને હિસાની ઘટનાઓના સંદર્ભમાં તેમણે સૈનિકોની મદદ અને કલ્યાણ માટે પણ પોતાનો સહયોગ આપ્યો હતો.
પ્રશાંત બક્ષી

(2:49 PM IST)










