તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 30th April 2026
ભેદ ખુલ્યો-સામા કાંઠાના વેપારી બ્રિજેશભાઈ ગજેરાની ચાંદી કારીગર ભાવેશભાઈના ઘરેથી ચોરાઈ હતી : ૧૪ લાખની ચાંદી ચોરનાર રાજસ્થાની મામા-ભાણેજને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધા
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના મુજબ પીઆઇ એમ. આર. ગોંડલીયા, સી.એચ. જાદવ, એમ. એલ. ડામોર, પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમની કામગીરી: એએસઆઈ યશવંતભાઇ ભગત, હેડકોન્સ. કરણભાઇ કોઠીવાળ, કોન્સ. સંજયભાઇ અલગોતર, અરવિંદભાઇ ફતેપરાની બાતમી

રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલી તિરૂપતીનગર સોસાયટીમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદીના દાગીના બનાવતા કારીગર ભાવેશભાઈ જ્યારે બહાર ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનમાંથી આશરે ૧૪ લાખની કિંમતની ૧૪ કિલો ચાંદીની ચોરી થઈ હતી. આ ચાંદી વેપારી બ્રિજેશભાઈ ગજેરાની હતી, જે ભાવેશભાઈને ત્યાં કામ માટે રાખવામાં આવી હતી. આ ગુનામાં સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે, જે કારીગરોને કામના પહેલા જ દિવસે વિશ્વાસ મૂકીને રાખવામાં આવ્યા હતા તે મામા-ભાણેજની જોડીએ જ વિશ્વાસઘાત કરી ચોરીને અંજામ આપ્યો હતો.
શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શનમાં ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમના એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, હેડ કોન્સ. કરણભાઇ કોઠીવાળ, કોન્સ. સંજયભાઇ અલગોતર અને અરવિંદભાઇ ફતેપરાને મળેલી સચોટ બાતમીના આધારે શંકાસ્પદ ચાંદી અને રોકડ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચે જે બે શખ્સોને પકડ્યા છે તેમાં ભેરૂસિંહ ભવરસિંહ ચૌહાણ (હાલ રહે. તિરૂપતીનગર શેરી નં. ૪, મોરબી રોડ, મૂળ રહે. મૈસા કા ગુડા, રાજસ્થાન) અને શંકરસિંહ દેવીસિંહ દુલાવત (હાલ રહે. તિરૂપતીનગર શેરી નં. ૪, મોરબી રોડ, મૂળ રહે. ખેતપાલ કા ગુડા, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
આ શખ્સો પાસેથી પોલીસે ૪૮૫૮.૯૩૦ ગ્રામ ચાંદી (જેમાં ચાંદીના તાર, ચેઈન, ફૂલવાળા પીસ, ઓવલ પીસ અને નાના-મોટા બોલનો સમાવેશ થાય છે), ૧ લાખ રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૧૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બી.એન.એસ. કલમ-૩૦૬, ૫૪ મુજબનો ગુનો ઉકેલાઈ ગયો છે.
આ કામગીરીમાં પી.આઈ. એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ એસ.વી.ચુડાસમાની સાથે એએસઆઈ યશવંતભાઇ ભગત, હેડ કોન્સ. કિશનભાઇ પાંભર, કરણભાઇ કોઠીવાળ તેમજ કોન્સ્ટેબલ સંજયભાઇ અલગોતર, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા અને પોપટભાઇ ગમારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
(7:04 PM IST)










