<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ગવરીદળની સીમમાંથી મળ્‍યું ભેદી કંકાલ

સીમમાં શંકાસ્‍પદ અસ્‍થીઓ મળી આવતાં સરપંચ મનિષભાઇ અજાણીએ જાણ કરીઃ કુવાડવા પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આર. કે. સામુદ્રેએ તપાસ શરૂ કરીઃ ફોરેન્‍સિક ટીમ દ્વારા અસ્‍થીઓનું પરિક્ષણ કરી ડીએનએ લેવા તજવીજ

રાજકોટ તા. ૩૦: કુવાડવા તાબેના ગવરીદળ ગામની સીમમાંથી એક ભેદી કંકાલ-અસ્‍થીઓ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની જાણ કુવાડવા પોલીસને થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી અસ્‍થીઓ કબ્‍જે કરી આ અસ્‍થી માનવના છે કે પશુના? અસ્‍થીઓ પર ઇજાના કોઇ નિશાન મળી શકે કે કેમ? માનવના હોય તોસ્ત્રીના છે કે પુરૂષના એ સહિતની વિગતો જાણવા ફોરેન્‍સિક નિષ્‍ણાંતોની મદદ માંગી તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ ગવરીદળ ગામની સીમમાં માનવીના હોય તેવા અસ્‍થીઓ ખેતર પાસે પડેલા જોવા મળતાં આ અંગેની જાણ ગવરીદળના સરપંચ મનિષભાઇ અજાણીને થતાં તેઓ ત્‍યાં પહોંચ્‍યા હતાં અને તપાસ કરી પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આર. કે. સામુદ્રે સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. પોલીસે અલગ અલગ ટુકડાઓના સ્‍વરૂપમાં અસ્‍થી-કંકાલ કબ્‍જે કરી ટુકડાઓને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્‍સિક નિષ્‍ણાંતો સમક્ષ પહોંચાડયા હતાં. પ્રાથમિક દ્રષ્‍ટીએ આ માનવ કંકાલ હોય તેવુ લાગે છે. જો કે ખરેખર માનવ અસ્‍થી છે કે કેમ? તે જાણવા ફોરેન્‍સિક નિષ્‍ણાંતોની મદદ લીધી છે. પ્રાથમિક રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. હાલ આ બનાવને પગલે ગવરીદળ ગામમાં અને આસપાસના વિસ્‍તારમાં ચર્ચા જાગી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા  માલિયાસણના આઇઓસી ગેસ પ્‍લાન્‍ટની પાછળના મેદાનમાંથી પણ એક માનવ કંકાલ મળી આવ્‍યું હતું. જેમાં પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ કરી હતી. પરંતુ કોઇ ફળદાયી હકિકત મળી નહોતી. ગત ફેબ્રુઆરી મહિનામાં ૨૦મી તારીખે આઈઓસીના પ્‍લાન્‍ટ પાછળ એક માનવ કંકાલ પડયું હોવાનો કોલ આવતાં કુવાડવા પોલીસના પીઆઈ બી.પી.રઝીયા અને સ્‍ટાફ અને ક્રાઈમ બ્રાંચ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતાં. તેમજ આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઉમટી પડયા હતાં અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. એફએસએલની ટીમ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં આ કંકાલ પુરૂષનું હોવાનું જાણવા મળ્‍યું હતું. જો કે શું ઘટના હતી તેની કોઇ કડી મળી નહોતી. ત્‍યાં હવે ગવરીદળની સીમમાંથી ભેદી કંકાલ-અસ્‍થીઓ મળી આવતાં ચકચાર જાગી છે. 

ગત ૨૦મી ફેબ્રુઆરીએ માલિયાસણ આઇઓસી પાછળથી પણ એક માનવ કંકાલ મળ્‍યું હતું: તેનો ભેદ ખુલ્‍યો નથી ત્‍યાં વધુ એક ભેદી ઘટનાથી ચકચાર

(3:43 PM IST)