News of Monday, 9th November 2026
રાજકોટમાં ફટાકડા ફોડવા જેવી બાબતમાં બોલાચાલી બાદ હત્યા:મવડી મારૂતિનંદન નગરમાં બનાવ
અજીતભાઈ સિંઘવની હત્યા, પુત્ર કૃપાલ સિંધવને ઇજા, માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ એ.એ. બ્લોચ સહિતે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો

રાજકોટ: શહેરમાં દિવાળીએ ફટાકડા ફોડવા મામલે હત્યા થઈ છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો છે. બાપા સીતારામ ચોક પાસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીની અદાવત રાખીને બે શખ્સોએ પિતા અને પુત્ર પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં પિતાનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ફરિયાદી કૃપાલભાઈ અજીતભાઈ સિંઘવ (ઉ.વ. ૨૧, રહે. મારૂતીનંદનનગર, રાજકોટ) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગત તા. ૦૭/૧૧/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ચોકમાં ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડા ફેંકવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખીને આરોપીઓએ દિવાળીની રાત્રિના સુમારે ફરીયાદીના ઘર પાસે આવી ગાળાગાળી કરી હતી અને ઝઘડો કર્યો હતો.
ઝઘડો ઉગ્ર બનતા આરોપીઓએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. આરોપી યશરાજસિંહે ફરિયાદીના પિતા અજીતભાઈના માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો અને ત્યારબાદ ઇન્દ્રજીતસિંહે પેન્ટના નેફામાંથી છરી કાઢી અજીતભાઈ તેમજ કૃપાલભાઈ પર પેટના અને વાંસાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ લોહીલાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે મધુરમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ દરમિયાન અજીતભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રની સારવાર હાલ ચાલુ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલવિયાનગર પોલીસ સ્ટેશનના ઇન્સ. જે.એમ. કૈલાની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એ. બ્લોચ તથા સ્ટાફે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ હત્યા અને જીવલેણ હુમલા સહિતની કલમો હેઠળ કડક ગુનો દાખલ કરી શોધખોળ આદરવામાં આવી છે.
(1:23 PM IST)










