<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

મનપાની તીજોરી છલકાઇઃ છેલ્લા ૩ માસમાં ર૪પ.૪પ કરોડની આવક ઓનલાઇન ક્રેઝ વધ્‍યોઃ ર.૬૯ કરદાતાઓએ ૧૭૭.૬૦ કરોડનો વેરો ભર્યો

મિલ્‍કત વેરા વળતર યોજનામાં ૩.૪૪ લાખ કરદાતાઓએ ર૭.૧ર કરોડનું ડિસ્‍કાઉન્‍ટ મેળવ્‍યું

રાજકોટ, તા. ૩: મહાનગરપાલિકાને મિલ્‍કતવેરા અને પાણી વેરાની વળતર યોજનામાં તા.૩૦ જૂન, ૨૦૨૬ સુધી રૂ.૨૪૫.૪૫ કરોડની આવક થવા પામી છે. કુલ-૩.૪૪ લાખથી વધુ કરદાતાઓએ સમયસર વેરો ભરી યોજનાનો લાભ લીધો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્‍કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તા. ૦૭ એપ્રીલથી શરૂ કરવામાં આવી હતી. શહેરના કરદાતાઓએ સમયસર વેરાની ભરપાઈ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે. કરદાતાઓના સકારાત્‍મક સહકારને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વસુલાતને ખૂબ જ ઉત્‍સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

તા. ૩૦ જુન સુધીમાં કુલ ૩,૪૪,૨૫૫ કરદાતાઓ દ્વારા અંદાજે રૂ. ૨૪૫.૪૫ કરોડની માતબર વેરા વસુલાત નોંધાઈ છે. આ વસુલાતમાં ડિજિટલ સેવાઓનો વ્‍યાપક સ્‍વીકાર પણ નોંધાયો છે. કુલ વસુલાત પૈકી ૨,૬૯,૧૨૦ કરદાતાઓએ ઓનલાઈન માધ્‍યમથી રૂ. ૧૭૭.૬૦ કરોડની વેરા ભરપાઈ કરી છે. જ્‍યારે ૭૫,૧૩૫ કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂ. ૭૫.૩૫ કરોડની ભરપાઈ કરી છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકોટના નાગરિકો ઓનલાઈન સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિજિટલ ગવર્નન્‍સને પ્રોત્‍સાહન આપી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્‍સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને આપવામાં આવતી ડિસ્‍કાઉન્‍ટ યોજનાનો પણ નોંધપાત્ર લાભ મળ્‍યો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ રૂ. ૨૭.૧૨ કરોડ જેટલી ડિસ્‍કાઉન્‍ટની રકમ કરદાતાઓને આપવામાં આવી છે. આ યોજના દ્વારા સમયસર વેરો ભરવા માટે નાગરિકોને પ્રોત્‍સાહન મળ્‍યું છે તેમજ મહાનગરપાલિકાને પણ વર્ષના પ્રારંભિક તબક્કામાં જ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓની સુવિધાને ધ્‍યાનમાં રાખીને ઓનલાઈન વેરા ભરપાઈ, વિવિધ નાગરિક સુવિધા કેન્‍દ્રો, બેન્‍કિંગ વ્‍યવસ્‍થા સહિત સરળ અને પારદર્શક વસુલાત વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. જેના કારણે શહેરના નાગરિકોએ સરળતાથી વેરાની ભરપાઈ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ શહેરના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(3:56 PM IST)