<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મનપાની ટીમ આવાસ વિભાગનો સપાટોઃ ૬ ફલેટને તાળા

વિનોબાભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઈ ટાઉનશીપમાં ચેકીંગ દરમ્‍યાન અન્‍ય રહેવાસીઓ હોવાનું ખુલતા તંત્ર દ્વારા કાર્યવાહી

 

 

રાજકોટ, તા. ૧૨ : રાજકોટ મહાનગર પાલિકાની વિવિધ આવાસ યોજનાઓમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય રહેતા હોવાનું ચેકિંગ દરમિયાન સામે આવતા મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા કુલ ૬ આવાસોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આવાસો બનાવવામાં આવ્‍યા છે. આ આવાસોમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે આવાસ યોજના વિભાગની ફિલ્‍ડ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.

ચેકિંગ દરમિયાન શ્રી વિનોબાભાવે ટાઉનશીપ, શ્રી મહારાણા પ્રતાપ ટાઉનશીપ અને શ્રી જીજાબાઈ ટાઉનશીપ ખાતે કેટલાક આવાસોમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય આસામીઓ રહેતા હોવાનું માલૂમ પડ્‍યું હતું. જેને પગલે મનપાના આવાસ યોજના વિભાગે તા. ૧૦ અને ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી.

તા. ૧૦ સપ્‍ટેમ્‍બરના રોજ કુવાડવા રોડ પાસે આવેલી શ્રી વિનોબાભાવે ટાઉનશીપમાં ૪ આવાસ તથા રેલનગર સ્‍થિત શ્રી મહારાણા પ્રતાપ ટાઉનશીપમાં ૧ આવાસ સીલ કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે તા. ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ રૈયાધાર સ્‍થિત શ્રી જીજાબાઈ ટાઉનશીપમાં ૧ આવાસ સીલ કરવામાં આવ્‍યો હતો.

આમ, બે દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા મૂળ લાભાર્થીના બદલે અન્‍ય આસામી રહેતા હોવાનું જણાયેલા કુલ ૬ આવાસોને સીલ કરવામાં આવ્‍યા છે.

(3:38 PM IST)