<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કાલે મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકઃ વોર્ડ નં.૩ ના પોપટપરા અને તિલક પ્‍લોટમાં નવી આંગણવાડી બનશેઃ દરખાસ્‍ત

વેસ્‍ટ મેનેજમેન્‍ટ, રસ્‍તા, આંગણવાડી, ડ્રેનેજ સહિતના વિકાસકામોની ૧૨ દરખાસ્‍તો અંગે થશે નિર્ણય

રાજકોટ, તા.૨૮: મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક આવતીકાલે તા. ૨૯ જુલાઈના રોજ બપોરે ૧૨:૧૫ કલાકે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાશે. સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાની અધ્‍યક્ષતામાં મળનારી આ બેઠકમાં શહેરના વિકાસને લગતી કુલ ૧૨ મહત્‍વપૂર્ણ દરખાસ્‍તો પર નિર્ણય લેવામાં આવશે.

બેઠકમાં વિવિધ વોર્ડમાં સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે જરૂરી સાધન-સામગ્રીની ખરીદી, આરોગ્‍ય શાખા માટે જરૂરી દવાઓ અને અન્‍ય સામગ્રીની ખરીદી, આંગણવાડી બાળકો માટે પોષણ આહારની વ્‍યવસ્‍થા, શહેરના ઈસ્‍ટ, સેન્‍ટ્રલ અને વેસ્‍ટ ઝોનમાં થર્મોપ્‍લાસ્‍ટિક રોડ ર્માકિંગની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૨માં વરસાદી પાણીના નિકાલ માટે સ્‍ટોર્મ વોટર લાઇન, વોર્ડ નં. ૩ અને ૧૫માં આંગણવાડી કેન્‍દ્રોના નિર્માણ, ગંગાવાડી વિસ્‍તારમાં ડ્રેનેજ પાઇપલાઇન અપગ્રેડેશન, ખાનગી પ્‍લોટમાં ભરાયેલા ગટરના ફેરફાર તેમજ સેન્‍ટ્રલ લેબોરેટરી માટે ડિજિટલ કમ્‍પ્રેશન ટેસ્‍ટિંગ મશીનના કેલિબ્રેશન અને સર્વિસિંગ સહિતના વિકાસકામોના ટેન્‍ડર અંગે નિર્ણય લેવામાં આવશે.

બેઠકમાં અન્‍ય તાકીદના મુદ્દાઓ પણ અધ્‍યક્ષસ્‍થાનેથી રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં લેવાતા નિર્ણયો બાદ શહેરના વિવિધ વિકાસકામોને વધુ વેગ મળે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(4:16 PM IST)