News of Tuesday, 23rd June 2026
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ભોજનનો ખર્ચ રૂ.૨૭.૨૦ લાખઃ દરખાસ્ત
સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમના રૂ. ૪.૪૯ લાખ અને ૨૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ યોજાયેલ લોકાર્પણ-ખાતમુહૂર્તના રૂ. ૧.૫૦ લાખના ખર્ચને મંજૂરી આપવા સહિત કુલ ૯ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે

રાજકોટ ,તા.૨૩: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ કાર્યક્રમો અને કામગીરી દરમિયાન થયેલા ખર્ચને મંજૂરી આપવા સંબંધિત મહત્વની દરખાસ્તો પર નિર્ણય લેવાશે. બેઠકમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કામગીરી દરમિયાન કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને અન્ય વ્યવસ્થાપન ટીમ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાના ર૭.ર૦ ખર્ચને બહાલી આપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આવતીકાલે તારીખ ૨૪ ના બપોરે ૧૨:૦૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માટે આવેલ સ્ટેન્ડિંગ કમિટી હોલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પરાશ પિપળીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે.
આ બેઠકમાં દરખાસ્ત મુજબ તા. ર૧ થી ર૭ ફેબ્રુઆરીમાં જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન વિવિધ સમિતિઓ અને કર્મચારીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાનો કુલ ખર્ચ રૂ. ૨૭.૨૦ લાખ જેટલો થયો હતો. તાત્કાલિક જરૂરિયાત અને કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવામાં આવ્યો હતો. નિયમિત ટેન્ડર, કોન્ટ્રાક્ટ અથવા જી.એસ.ટી./ટી.ડી.એસ. સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરાઈ ન હોવાથી હવે આ ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સોમનાથ ખાતે યોજાયેલા ‘સ્વાભિમાન પર્વ' કાર્યક્રમમાં થયેલા ૪૧૧ફુડ પેકેટ અને ઠંડા પાણીની રૂ. ૪.૪૯ લાખના ખર્ચને મંજૂરી આપવા તેમજ તા. ૨૨ નવેમ્બરના મુખ્ય મંત્રીના હસ્તે યોજાયેલા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં થયેલા અંદાજે રૂ. ૧.૫૦ લાખના ખર્ચને મંજૂરી આપવા અંગે પણ નિર્ણય લેવાશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા માટે અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાના કામ અંગે, પ૧ એમ.એલ.ડી. રૈયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રીટેડ વોટર પમ્પીંગ સ્ટેશનનું કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ. ૦ર(બે) વર્ષ માટે કોન્ટ્રકાટરથી કરવાના કામ, એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને વેરા વસુલાતની રિકવરી માટે મોબાઇલ કોલિંગની કામગીરી માટે ખાસ કિસ્સામાં એલાઉન્સની રકમ ચુકવવા, દબાણ હટાવ વિભાગ હસ્તકના ગોડાઉન ખાતે પડેલ ભંગાર માલ-સામાન વેચાણથી આપવા અંગે કોન્ટ્રાકટ કરવા, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહકાજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો બ્રિડિંગ સોર્સનો સર્વે તથા લાર્વીસાઇડ ટ્રીટમેન્ટની કામગીરી માટે દ્વિવાર્ષિક કરાર કરવા સહિતની ૯ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે
(4:10 PM IST)










