News of Wednesday, 25th November 2026
શહેરની સ્ટ્રીટ લાઇટો કરતા મનપા કચેરીનું વીજ બીલ વધુ! દોઢ વર્ષમાં ૧૦૫ કરોડની લાઇટ વાપરી
ઊર્જા બચતની વાતો વચ્ચે વીજળીનો ધૂમાડોઃ ગત વર્ષે રૂ.૭૦ કરોડ અને ચાલુ વર્ષના છ માસમાં રૂ.૩૫ કરોડનો ખર્ચ અધિકારીઓ-પદાધિકારીઓની ચેમ્બરોમાં ૧૬૯ એસી ધમધમે છેઃ વોર્ડ ઓફિસોમાં સ્ટાફની હાજરીના ધાંધિયા છતાં લાખોનાં બિલ

રાજકોટ, તા.૨૫: એક તરફ ઊર્જા બચતના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાનું છેલ્લા દોઢ વર્ષનું વીજબિલ રૂ.૧૦૫ કરોડે પહોંચતાં આヘર્ય સર્જાયું છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૭૦ કરોડનો વીજખર્ચ થયો હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ માસમાં જ રૂ.૩૫ કરોડ વીજબિલ પાછળ ખર્ચાયા છે.
મ્યુનિ.કોર્પોરેશનની ગત જનરલ બોર્ડ બેઠકમાં વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડા અને વોર્ડ નં.૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર તથા વિપક્ષી નેતા દીપ્તિબેન સોલંકીએ પ્રશ્નકાળમાં પૂછેલા વીજખર્ચ અંગેના પ્રશ્નના જવાબમાં આ વિગતો પ્રકાશમાં આવી હતી.
મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી સહિત ત્રણેય ઝોનલ કચેરીઓમાં અધિકારીઓ, ઇજનેરો અને પદાધિકારીઓની ચેમ્બરોમાં કુલ ૧૬૯ એરકન્ડિશનર કાર્યરત છે. સૌથી વધુ એસી સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધમધમી રહ્યા છે.
બીજી તરફ શહેરની ૧૮ વોર્ડ ઓફિસોમાં સ્ટાફની હાજરીના ધાંધિયા વચ્ચે નાગરિકોને સામાન્ય કામ માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે, તેમ છતાં આ કચેરીઓનાં વીજબિલ લાખો રૂપિયામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે શહેરની સ્ટ્રીટલાઇટ, સેન્ટ્રલ ડિવાઇડરની લાઇટો અને હાઈમાસ્ટ લાઇટ કરતાં મ્યુનિસિપલ કચેરીઓનો વીજખર્ચ વધુ હોવાનું સામે આવ્યું છે.
શહેરીજનોને ઊર્જા બચતની શિખામણ આપતું મહાપાલિકાનું તંત્ર પોતાની કચેરીઓમાં લાઇટ, પંખા અને એસીના વપરાશ ઉપર કયારે અંકુશ મૂકશે? પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાતા કરોડોના વીજબિલ સામે સત્તાધીશો કરકસરનાં પગલાં ભરશે કે કેમ તે સવાલ ઊઠ્યો છે.
(4:23 PM IST)










