તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
મનપાના સુકાનીઓ સર્વાનુમતે ચૂંટાયા
કોર્પોરેશનમાં પ્રથમ વખત મેયર-ડે-મેયરની ચુંટણી યોજાઇઃ વિપક્ષે ઉમેદવારી જ ન કરી

નિયુકતી નહીં ચૂંટણીઃ મનપાના ઇતિહાસમાં પ્રથમવાર આજે મેયર-ડે.મેયરની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ મ્યુ.કમિશનર અનંદુ સુરેશ ગોવીંદ દ્વારા સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ચૂંટણી બાદ મેયર નેહલ શુકલ તથા ડે.મેયર દક્ષાબેન વસાણીને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવતા અનંદુ સુરેશ ગોવિંદ, વિધિવત ચાર્જ સંભાળતા મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, અનંદુ સુરેશ ગોવિંદ તથા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડીયા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં કોર્પોરેટરો નરેન્દ્રસિંહ જાડેજા, દંડક હિરેન ખીમાણીયા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા, રાજુ અઘેરા, દિલીપ લુણાગરીયા સહિતના દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ આજે કોર્પોરેશનના રમેશભાઇ છાયા સભાગૃહમાં નવા પદાધિકારીઓ ચૂંટણી બાદ જાહેર થતા ઇતિહાસ રચાયો હતો. સામાન્ય રીતે પ્રદેશ ભાજપમાંથી આવતા નામને બહાલી આપવામાં આવે છે, ત્યારે નવી ટર્મ માટે ભાજપે નવી પ્રણાલી શરૂ કરી છે.
મેયર તરીકે નેહલભાઇ શુકલના નામની દરખાસ્ત કેતનભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેને કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળાએ ટેકો આપ્યો હતો. નિયમ મુજબ ૧૫ મીનીટ દરમિયાન કોઇ અન્ય દાવેદારના ફોર્મ ન આવતા ઇન્ચાર્જ મ્યુ. કમિશ્નર અનંદુ સુરેશ ગોવીંદ દ્વારા નેહલ શુકલને મેયર તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ નેહલ શુકલએ વિધિવત રીતે સામાન્ય સભાનું સુકાન સંભાળી ડે. મેયર પદ માટે દાવેદારી કરવા નગરસેવકોને આમંત્રણ આપ્યું હતું. જેમાં દક્ષાબેન વસાણીના નામની દરખાસ્ત દિલીપ લુણાગરીયા એ કરી હતી જયારે રસીલાબેન સાકરીયાએ ટેકો આપ્યો હતો. નિયત સમયમાં કોઇ અન્યએ દાવેદારી ન કરતા ઇન્ચાર્જ મ્યું. કમિશનર અનંદુ સુરેશ ગોવીંદ દ્વારા દક્ષાબેન વસાણીને ડે. મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યવાહી દરમિયાન વિપક્ષના સભ્યો હાજર હતા. છતા તેમણે મેયર કે. ડે. મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી.
(3:56 PM IST)










