<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મનપાનો ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત સર્વેલન્‍સથી ૧૩૦.૫૯ ચો.કિ.મી. વિસ્‍તારમાં સર્વેઃ ૧૫,૩૭૭ સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોની ઓળખ

રાજકોટ શહેરમાં વાહકજન્‍ય તથા પાણીજન્‍ય રોગોના નિયંત્રણ માટે આરોગ્‍ય શાખા દ્વારા કામગીરીનો ધમધમાટ

રાજકોટ, તા. ૧પઃ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયા સહિતના મચ્‍છરજન્‍ય રોગો તેમજ પાણીજન્‍ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે આરોગ્‍ય શાખા દ્વારા વિવિધ સ્‍તરે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત મચ્‍છરજન્‍ય રોગચાળા અટકાયત કામગીરી હેઠળ ડેન્‍ગ્‍યૂ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. આ જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણ હેઠળ તા.૦૮ થી તા.૧૪ દરમિયાન ફિલ્‍ડવર્કર, અર્બન આશા તથા MPHW દ્વારા કુલ ૯૩,૬૮૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. તેમજ ફિલ્‍ડવર્કરો દ્વારા ૬૦૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતના ભાગરૂપે શહેરી વિસ્‍તારમાં રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્‍ટ, કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ, ઔદ્યોગિક એકમો, વ્‍યવસાયિક સ્‍થળો તેમજ રહેણાંક વિસ્‍તારોની આસપાસ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોની તપાસ કરવામાં આવે છે. મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળ મળી આવે ત્‍યારે સ્‍થળના માલિક, ભોગવટો કરનાર અથવા જવાબદાર વ્‍યક્‍તિને બાયલોઝ હેઠળ નોટિસ આપવામાં તથા વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના ૩૧૭ પ્રીમાઇસીસ, જેમાં બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્‍પિટલ, હોટેલ, ઇન્‍ડસ્‍ટ્રીઝ, હોસ્‍ટેલ, કોમ્‍પ્‍લેક્‍સ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્‍લોટ, ધાર્મિક સ્‍થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેનો સમાવેશ થાય છે, તેની મચ્‍છર ઉત્‍પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્‍છર ઉત્‍પત્તિ અંગે રહેણાંક વિસ્‍તારમાં ૨૭૪ તથા કોમર્શિયલ વિસ્‍તારમાં ૫૯ લોકોને નોટિસ આપવામાં આવી છે.

જયારે ડ્રોન આધારિત સર્વે અને દવા છંટકાવ દ્વારા મચ્‍છરજન્‍ય રોગોના નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત કામગીરીની સાથે ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત સર્વેલન્‍સનો ઉપયોગ કરી સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોની ઓળખ તથા જરૂરી સ્‍થળોએ જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન સર્વે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૬૧.૮૫ ચો.કિ.મી. વિસ્‍તાર પૈકી અત્‍યાર સુધીમાં ૧૩૦.૫૯ ચો.કિ.મી. વિસ્‍તારમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.

ડ્રોન દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન અત્‍યાર સુધીમાં કુલ ૧૫,૩૭૭ સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળો શોધી કાઢવામાં આવ્‍યા છે. જેમાં ૮૬૮૦ સ્‍થળો ક્ષેત્રિય કાર્મચારીઓ દ્વારા દવા છંટકાવ / સોર્સ રીડકશનની કામગીરી હેઠળ આવરી લીઘેલ છે. આ ઉપરાંત, અત્‍યાર સુધીમાં ડ્રોન દ્વારા કુલ ૨૩૬ કલાક જંતુનાશક દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી છે. ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવની કામગીરીમાં વિવિધ વોર્ડ વિસ્‍તારમાં આવેલા વોકળા, નદીના પટ વિસ્‍તારના નાના-મોટા ખાડા-ખાબોચિયા, પાણી ભરાવવાળા સ્‍થળો તથા અન્‍ય સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોને આવરી લેવામાં આવ્‍યા છે. ખાસ કરીને જ્‍યાં પરંપરાગત પદ્ધતિથી દવા છંટકાવ કરવો મુશ્‍કેલ અથવા જોખમી હોય તેવા સ્‍થળોએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત પાણીજન્‍ય રોગચાળાની અટકાયત માટે મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોના ફિલ્‍ડ સ્‍ટાફ દ્વારા નિયમિત સર્વેલન્‍સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા.૦૮ થી તા.૧૪ દરમિયાન કુલ ૨,૮૬,૬૮૮ જેટલી વસ્‍તીનો સર્વે કરવામાં આવ્‍યો છે. આ સર્વેલન્‍સ કામગીરી દરમિયાન ૫,૩૫૫ જેટલી ક્‍લોરીન ટેબ્‍લેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. ૯૭૩ જેટલા ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. તથા ૩,૩૩૪ જેટલા R.C. ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા

(3:31 PM IST)