<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

લોકમેળામાં મનપા ફૂડ વિભાગનો સપાટો: 417 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ

રેસકોર્ષના ‘વિરાસતથી વિકાસ લોકમેળા-2026’માં પાંચ દિવસ સઘન ચેકિંગ : 54 ધંધાર્થીઓને ટેમ્પરરી લાઇસન્સ, રૂ.15,750નો વહીવટી ચાર્જ વસૂલાયો

મેટર રાજકોટ: શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 'વિરાસતથી વિકાસ લોકમેળા-'2026 માં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા સ્ટોલધારકો અને ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે 417 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે કુલ રૂ.15,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

 

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મહેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો દ્વારા લોકમેળામાં ખાદ્યચીજોનું વેચાણ કરતા તમામ વિક્રેતાઓ અને ફેરિયાઓનું સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનના સ્ટાફ દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ અને ખાદ્યચીજોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ કામગીરી દરમિયાન કુલ 54 ધંધાર્થીઓને ટેમ્પરરી લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ધંધાર્થીઓને સ્ટોલ અને ખાદ્યચીજોના સંગ્રહસ્થળે સ્વચ્છતા જાળવવા, ઉપયોગમાં લેવાતા શાકભાજીની યોગ્ય તપાસ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવા તેમજ પેકિંગવાળી ખાદ્યચીજોની ઉત્પાદન અને એક્સપાયરી તારીખ ચકાસવા સૂચના આપવામાં આવી હતી.

 

ફૂડ વિભાગની ટીમોએ સ્ટોલધારકો અને ફેરિયાઓ દ્વારા વેચાતી પેક્ડ, લુઝ તેમજ તૈયાર ખાદ્યચીજોની તપાસ કરી હતી. આ ઉપરાંત સ્ટોલ તથા ખાદ્યચીજોના સ્ટોરેજની હાઇજેનિક કન્ડિશન પણ ચકાસવામાં આવી હતી.

 

ચકાસણી દરમિયાન બિનઆરોગ્યપ્રદ રીતે સંગ્રહ કરેલી તેમજ અખાદ્ય સ્થિતિમાં રહેલી વિવિધ ખાદ્યચીજો મળી આવી હતી. જેમાં વાસી બાફેલા બટેટા, દાઝેલું તેલ, કાપેલા ફળ-શાકભાજી, સડેલા બટેટા, ફરાળી ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવાતો મકાઈનો સ્ટાર્ચ/લોટ, બિનફરાળી લોટમાંથી બનાવેલી ચિપ્સ, ટ્વીસ્ટર માટેનું બેટર, પડતર મરચું પાવડર, વાસી ઘૂઘરાની મીઠી ચટણી, વાસી ઘૂઘરા, બ્રેડ પકોડા, પાણિપુરીનું પાણી અને વાસી મીઠો પાન મસાલો સહિતની ખાદ્યચીજોનો સમાવેશ થતો હતો.

 

આમ, પાંચ દિવસની કામગીરી દરમિયાન અંદાજે 417 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્યચીજો જપ્ત કરીને લોકમેળાના સ્થળે જ તેનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોના ભંગ બદલ ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.15,750નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

(2:24 PM IST)