<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મનપા ચૂંટણીઃ ૫૧ વર્ષના ઇતિહાસ વચ્‍ચે ફરી સતા માટે જંગ

અત્‍યાર સુધીમાં ૯ વખત ચૂંટણી યોજાઇઃ ૮ વખત ભાજપ તથા ૧ વખત કોંગ્રેસે સતા સંભાળીઃ ૫૧ માંથી ૭૨ બેઠકો થઇ

રાજકોટ તા.રરઃ સૌરાષ્‍ટ્રના આર્થિક પાટનગર અને સ્‍માર્ટ સિટી રાજકોટમાં મહાપાલિકાની સત્તા કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્‍યો છે. ૧૮ વોર્ડની ૭૨ બેઠક માટે ૨૬ એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્‍યારે છેલ્લા ૫૧ વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો એક સ્‍પષ્ટ ટ્રેન્‍ડ જોવા મળે છેラશહેરમાં ભાજપનું મજબૂત વર્ચસ્‍વ.

મહાપાલિકાના ઇતિહાસમાં અત્‍યાર સુધી ૮ ચૂંટણી યોજાઈ છે, જેમાંથી ૯ વખત ભાજપે વિજય મેળવી લગભગ ૪૬ વર્ષ સુધી શાસન કર્યું છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર એક જ ટર્મ માટે સત્તામાં આવી શકી હતી. હાલની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ભંગાણ લાવવા કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી મેદાનમાં છે.

૧૯૯૫ની ચૂંટણી રાજકોટના રાજકીય ઇતિહાસમાં મીલનો પથ્‍થર બની રહી હતી, જ્‍યારે ભાજપે ૬૦માંથી ૫૯ બેઠક જીતીને કોંગ્રેસનો લગભગ સફાયો કર્યો હતો. કોંગ્રેસના લાધાભાઈ બોરસદિયા એકમાત્ર વિજેતા રહ્યા હતા. આ સમયગાળામાં ભાવનાબેન જોષીપુરા પ્રથમ મહિલા મેયર બન્‍યા હતા, જ્‍યારે વિજયભાઈ રૂપાણી અને ઉદયભાઈ કાનગડ પણ મેયર પદે રહ્યા હતા.

વર્ષ ૨૦૦૦માં ‘એન્‍ટિ-ઇન્‍કમ્‍બન્‍સી' અને બોર કૌભાંડના મુદ્દે જનતાએ ફેરફાર કર્યો અને સ્‍વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે ૪૪ બેઠક જીતીને સત્તા મેળવી. અશોક ડાંગર પ્રથમ મેયર બન્‍યા, પરંતુ આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે કોંગ્રેસનું શાસન વધુ સમય ટકી શકયું નહીં.

૨૦૦૫થી ભાજપ ફરી સત્તામાં આવ્‍યો અને ત્‍યારથી સતત પોતાની પકડ મજબૂત રાખી છે. ૨૦૧૫માં કોંગ્રેસે ટક્કર આપી છતાં ભાજપે સત્તા જાળવી રાખી. ૨૦૨૧માં ભાજપે ૬૮ બેઠક જીતી કોંગ્રેસને માત્ર ૪ બેઠક સુધી સીમિત કરી દીધું.

રાજકોટ શહેરનું વિસ્‍તરણ પણ આ સમયગાળામાં નોંધપાત્ર રહ્યું છે. વિવિધ ગામોના સમાવેશ સાથે શહેર હવે મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. અરવિંદભાઈ મણિયાર સૌથી વધુ સમય મેયર પદે રહ્યા છે, જ્‍યારે વજુભાઈ વાળા બીજા સ્‍થાને છે.

૧૯૭૩માં મહાપાલિકા અસ્‍તિત્‍વમાં આવી અને ૧૯૭૫માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, જેમાં જનતા મોરચાએ જીત મેળવી અને અરવિંદભાઈ મણિયાર પ્રથમ મેયર બન્‍યા. તેમણે આધુનિક રાજકોટનો પાયો નાખ્‍યો હતો.

આવતી ચૂંટણીમાં શું ભાજપ ફરી એકવાર પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખશે કે વિરોધ પક્ષો ગઢમાં ભંગાણ લાવશે તે જોવું રસપ્રદ રહેશે.

કયા વર્ષમાં કોણે કેટલી બેઠક જીતી

વર્ષ      કુલ બેઠકો            વિજેતા પક્ષની   વિરોધ પક્ષની સતાધારી

                બેઠકો બેઠકો પક્ષ

૧૯૭પ   પ૧      ૩ર (જનતા મોરચો)    ૧૯  જનતા

૧૯૮૧   પ૧      ર૬          રપ        ભાજપ

૧૯૮૭   પ૯      ૩૪         રપ        ભાજપ      

૧૯૯પ   ૬૦      પ૯         ૦૧        ભાજપ      

ર૦૦૦   ૬૯      ૪૪         રપ        કોંગ્રેસ

ર૦૦પ   ૬૯      પ૯         ૧૦        ભાજપ

ર૦૧૦   ૬૯      ૪૪         ૨૯        ભાજપ

ર૦૧પ   ૭ર      ૩૮         ૩૪        ભાજપ

ર૦ર૧  ૭ર     ૬૮     ૦૪     ભાજપ

(3:47 PM IST)