તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
શહેરમાં રસ્તાના ખાડા પૂરવા મનપા એક્શનમાં: યુદ્ધના ધોરણે પેચવર્ક શરૂ
વેસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં ડામર, CC, મેટલ, મોરમ અને બ્લોક પેચવર્ક ચાલુ; આગામી દિવસોમાં આધુનિક મશીનથી પણ ઝડપી કામગીરી થશે

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો પર પડેલા ખાડાઓને કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા યુદ્ધના ધોરણે માર્ગ મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં માર્ગોની સ્થિતિનું સતત નિરીક્ષણ કરીને જ્યાં જરૂરિયાત જણાઈ રહી છે ત્યાં તાત્કાલિક પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.
હાલમાં ગોવિંદ રત્ન-૨, રોયલ પાર્ક-૧, સર્વોદય સ્કૂલ સામે તથા આસપાસનો વિસ્તાર, આર.કે.નગર મેઈન રોડ, વળંદાવન મેઈન રોડ, મુંજકા ચોક તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં માર્ગની સ્થિતિને અનુરૂપ ડામર પેચવર્ક, મેટલ પેચ, મોરમ પેચ, મેટલ-મોરમ પેચ, સીસી (CC) પેચ તથા બ્લોક પેચવર્કની કામગીરી ચાલી રહી છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આ વિસ્તારો ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્થળની સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની માર્ગ મરામત કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોને ચોમાસામાં સરળ, સુરક્ષિત અને સુગમ અવરજવર ઉપલબ્ધ કરાવવાનો છે.
આગામી દિવસોમાં માર્ગ મરામતની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે આધુનિક Jetpatcher મશીનનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવશે. મનપા દ્વારા સમગ્ર વેસ્ટ ઝોનમાં માર્ગોની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.
જ્યાં પણ ખાડા જોવા મળશે ત્યાં તાત્કાલિક પેચવર્ક કરીને રસ્તાઓને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
(3:43 PM IST)










