તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
વાહન અડાડી દેનાર રામભાઇને ટકોર કરતાં મુકેશભાઇનો પગ ભાંગી નાંખ્યો
રામવન પાસે સહજાનંદ શેરીમાં મારામારીનો બનાવ બોલાચાલી કરી બીજા બે શખ્સોને બોલાવી પાઇપથી ફટકાર્યાઃ વચ્ચે પડેલા મુકેશભાઇના પત્નિને પણ ઇજાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી રામવન પાસે રહેતાં પ્રોૈઢ પોતાના ઘર પાસે ટુવ્હીલર લઇને ઉભા હતાં ત્યારે રામભાઇ નામના શખ્સે તેનું ટુવ્હીલર આ પ્રોૈઢના ટુવ્હીલરને અડાડી દેતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ બીજા બે જણાને બોલાવી લોખંડના પાઇપથી હુમલો કરી આ પ્રોૈઢનો પગ ભાંગી નાંખતાં સારવાર માટે દાખલ કરાયા છે. વચ્ચે પડેલા તેમના પત્નિને પણ ત્રણેયએ મારકુટ કરી લીધી હતી.
આ બનાવમાં આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી રામવન પાસે સહજાનંદ શેરી નં. ૧ કિસાન ગોૈશાળા પાછળ રહેતાં અને બોલેરો પીકઅપનું ડ્રાઇવીગ કરી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ વલ્લભભાઇ ધાનાણી-પટેલ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રામભાઇ નામના શખ્સ એને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે ૧૩મીના રાતે નવેક વાગ્યે હું મારું બાઇક હંકારીને આવ્યો અને મારા ઘરની સામે ઉભો રહ્યો ત્યારે ત્યાં રામભાઈ તેનું બાઇક લઈને આવેલા અને તણે મારા વાહન સાથે તેનું વાહન અડાડી દેતાં મેં તેને ‘રામભાઈ જરાક જોઈને ચલાવોને તમે મારા વાહનને અડાડી દીધુ' તેમ કહેતાં રામભાઇ ઉશ્કેરાઇ જઇ મને ગાળો દેવા માંડયા હતાં. તેમજ ‘તું થોડીવાર રહે હમણાં' તેમ કહી બે બીજા શખ્સોને બોલાવીને આવ્યા હતાં. આ પછી આ ત્રણેયએ સાથે મળીને લોખંડના પાઇપથી મારા પર હુમલો કરી ડાબા પગમાં ઘા ફટકાર્યા હતાં.
દેકારો થતાં મારા પત્નિ અનીતાબેન બને બચાવવા દોડી આવતાં એક શખ્સે તેણીને પણ પાઇપનો ઘા મારી દીધો હતો. આ પછી પણ આ શખ્સોએ મને માર મારી ગાળો દીધી હતી. બીજા લોકો ભોગ થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. મને પગમાં ખુબ દુઃખાવો થતો હોઇ ૧૦૮ બોલાવી સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો હતો. તબિબે નિદાન સારવાર કરતાં પગમાં ફ્રેકચર હોવાનું ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હેમતભાઇ એમ. ધરજીયા અને મદદનીશ જયપાલભાઇએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(3:39 PM IST)










