તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
મોચીબજાર તિલકપ્લોટમાં મુકેશભાઇ પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત
ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: સિક્યુરીટી ગાર્ડ આધેડના પગલા આ પાછળ કારણ અકળઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: આપઘાતના વધુ એક બનાવમાં એક પરિવારના મોભીએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી છે. મોચીબજાર તિલક પ્લોટમાં રહેતાં અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં આધેડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ મોચીબજાર તિલક પ્લોટ શેરી નં. ૨માં રહેતાં મુકેશભાઇ રમણીકલાલ પરમાર (ઉ.વ.૪૬) નામના આધેડે રાતે એકાદ વાગ્યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનારા મુકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. મુકેશભાઇ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:29 PM IST)










