તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રાજકોટના રેલનગરમાં ફિલ્મી ઢબે બબાલ: પિસ્તોલ-છરીથી ૧૫ જણાનો હુમલો: ૮ને ઇજા
ચાર લક્ઝરી કારમાં આવેલા શખ્સોએ આતંક મચાવ્યો: રૂપિયા સાડા સોળ લાખની લેતીદેતીમાં મોન્ટુએ ટોળકી રચી ધમાલ મચાવી: સુરેન્દ્રનગરના શિવપાલસિંહ ઝાલાની ફરિયાદ: પ્ર. નગર પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ રાણીન્ગા, પીએસઆઇ ગમારા અને ટીમે તપાસ હાથ ધરી

રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં રવિવારની મધરાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના એક મિત્રને વિશ્વાસમાં આવીને ઉછીના આપેલા લાખો રૂપિયા પરત માંગવા જતાં સુરેન્દ્રનગરના યુવક અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચાર મોંઘીદાટ કારમાં આવેલા શસ્ત્રધારી શખ્સોએ પિસ્તોલના હાથા, લોખંડના પાઈપ અને છરી વડે આડેધડ માર મારી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાતથી વધુ લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને આદિત્ય બિરલા કેપિટલ ફાઈનાન્સમાં નોકરી કરતા શિવપાલસિંહ પ્રતાપસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ મહિના પહેલા જામનગર ખાતે એક લગ્ન પ્રસંગમાં તેમની મુલાકાત યોગીરાજસિંહ જાડેજા સાથે થઈ હતી. આ ટૂંકા ગાળાની મિત્રતામાં ગત તા. 24 એપ્રિલના રોજ યોગીરાજસિંહએ ફોન કરીને અંગત જરૂરિયાત માટે તાત્કાલિક 16.15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. શિવપાલસિંહએ સબંધના દાવે પોતાના 8 લાખ અને અન્ય મિત્રો પાસેથી ઉછીના લઈને કુલ 16.15 લાખ રૂપિયા એકઠા કર્યા હતા અને પોતાની સ્વીફ્ટ કારમાં જામનગર જઈને યોગીરાજસિંહને રોકડા રૂપિયા સોંપ્યા હતા.
રૂપિયા આપ્યાના બીજા જ દિવસે જ્યારે શિવપાલસિંહએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે યોગીરાજસિંહએ અસલી રૂપ બતાવ્યું હતું. તેણે ફોન પર મોન્ટુ નામના એક શખ્સને કોન્ફરન્સમાં લીધો હતો. મોન્ટુએ ફોન પર જ બિભત્સ ગાળો આપી ધમકાવતા કહ્યું હતું કે, "રૂપિયા ભૂલી જજો, હવે કાંઈ પાછું મળવાનું નથી, થાય તે કરી લેજો." ત્યારબાદ આ વિવાદના સમાધાન માટે જ્યારે મોન્ટુને રાજકોટના રેલનગર ખાતે બોલાવવામાં આવ્યો, ત્યારે પણ ત્યાં બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જેના કારણે મામલો વધુ બિચક્યો હતો.
બાદમાં જ્યારે રવિવારે મોડી રાત્રે શિવપાલસિંહ તેમના મિત્રો અને કૌટુંબિક ભાઈઓ સાથે રેલનગરના સમર્પણ ચોક પાસે બેઠા હતા. તે સમયે કાળા કલરની ક્રેટા, સ્કોર્પિયો, હાઈરાઈડર અને મર્સિડીઝ જેવી ચાર કારનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. કારમાંથી મોન્ટુ, ખુમાનસિંહ જાડેજા, ધમો ઉર્ફે છરી રિક્ષાવાળો અને અન્ય 12 જેટલા અજાણ્યા શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. હુમલાખોરોના હાથમાં પિસ્તોલ, લોખંડના પાઈપ, ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો હતા. કંઈ પણ સમજાય તે પહેલાં જ આ ટોળાએ શિવપાલસિંહ અને તેમના મિત્રો પર આડેધડ હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં શિવપાલસિંહને કેડમાં છરી વાગી હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે તેમના કૌટુંબિક ભાઈ યશરાજસિંહના પિતા રઘુવીરસિંહ વચ્ચે છોડાવવા પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમને પણ નહોતા છોડ્યા અને માથાના ભાગે પિસ્તોલના હાથા તથા પાઈપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ત્રણ ટાંકા આવ્યા હતા. હુમલાખોરો "આજે તો બચી ગયા છો, હવે સામે આવશો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલમાં પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એન. ગમારાએ ફરિયાદ નોંધીને ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
(6:54 PM IST)










