<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

તાજીયા માતમમાં: આજે રાત્રે જાહેર માર્ગો ઉપર ફરશેઃ કાલે આશૂરાહ

૧૩૮૮ વર્ષ પહેલાં કરબલાના રેતાળ પ્રદેશ ઉપર પૈગમ્‍બર સાહેબના દૌહિત્ર અને સાથીદારોએ આપેલ ભવ્‍ય બલિદાનની સ્‍મૃતિમાં : દરરોજ રાત્રે ચાલતી હુસૈની મજાલિસોઃ લતે લતે સબિલો ઉપર વિના ભેદભાવે જાહેરમાં શહીદોની યાદમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ :કાલે સવારે વિશેષ નમાઝ : અનેક લોકો રોઝા રાખશે : કાલે ૧૦ મી મહોર્રમના મુસ્‍લિમો બંધ પાળશે : સર્વત્ર શોકમય માહોલ

 

તાજીયાનું આકર્ષણ :.. આજે સાંજે  તાજીયા માતમમાં દર્શનાથે જોવા મળશે એ પૂર્વે તાજીયા તૈયાર થયેલા તસ્‍વીરમાં નજરે પડે છે. એ ઉપરાંત મહોર્રમ નિમિતે રચાયેલી સબિલો અને તેના માટે તૈયાર થતી ખાદ્ય સામગ્રી અને કાર્યકરો દર્શાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (પ-૮)

રાજકોટ તા. ર૫ : કરબલાના શહીદોની સ્‍મૃતિમાં બનેલા કલાત્‍મક તાજીયાઓ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે ગામ આજે સાંજે પોતપોતાના ઇમામ ખાનામાંથી સંપૂર્ણપણે તૈયાર થઇને બહાર આવી ગયા બાદ આજે રાત્રે જાહેરમાં ફરશે.

આ તાજીયા પોતપોતાના નિયત રૂટ ઉપર ફરી સવારે ફરી એ જ સ્‍થળે માતમમાં આવી જશે. અને કાલે શુક્રવારે બપોરે ફરી ત્‍યાંથી નિકળી રૂટ ઉપર ફરી રાત્રીના ૧ર વાગ્‍યા સુધીમાં ફરી ઇમામ ખાનામાં પરત થઇ જશે.

ગત  ૧૬ જુન મંગળવારે સાંજે ઇસ્‍લામી માસ જીલહજજની ર૯ મી તારીખે ચંદ્રદર્શન થતાં બુધવારે ઇસ્‍લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૮ નો પ્રારંભ થયો છે. એ સાથે જ મહોર્રમ માસનો પ્રારંભ થતાં હવે કાલે શુક્રવારે ૧૦ મી મહોર્રમ એટલે કે ‘આશૂરાહ' પર્વ મનાવાશે.

ઇસ્‍લામી પંચાગનો ૧રમો મહિનો ગત જીલહજજ માસમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્‍લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્‍વ છે. જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૮ વર્ષ પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્‍લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

આશુરાહના દિવસે અનેક ઘટનાઓ અંકીત થઇ છે. પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્‍લામ ધર્મની કાજે આપેલી ભવ્‍ય આહુતિને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્‍ય દિવસ જ ‘આશૂરાહ' નો દિવસ છે.

આશુરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્‍યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭ર શહિદોની સ્‍મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને હિન્‍દુ - મુસ્‍લિમ ભાઇ-બહેનો તેમાં જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્‍ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો ઠેરઠેર પાણી સરબતની સબિલો અને જાહેર પ્રસાદ નિયાઝના ભરપુર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે.

મહોર્રમ માસથી કદાચ કોઇ અજ્ઞાત હશે.

આ માસમાં છેલ્લા ૧૦ દિ' થી તાજીયા- સબીલ, હુસેની મજલિસ, રોશની, નિયાઝ થઇ રહેલ છે. દર વર્ષે અનેક લોકો આશૂરાહની નમાઝ પઢવા ઉમટી પડે છે. એ ઉપરાંત લોકો ૧૦ દિવસ સુધી અથવા તો ૯ અને ૧૦ મહોર્રમના રોઝા પણ રાખે છે. બીજી તરફ મહોર્રમ માસમાં બનતી સબિલ ૧૦ દિ' થી રચાઇ ગઇ છે. ઉપરાંત રાબેતા મુજબ દરરોજ રાત્રે હુસેની મજલિસો ૧૦ દિ' થી યોજાઇ રહી છે.

જો કે સબિલો ઉપરાંત જાહેર ચોકમાં સખી દાતાઓ અને વિવિધ ગ્રુપો દ્વારા શહીદોની યાદમાં નિયાઝે હુસૈન રૂપે વિવિધ ખાદ્ય સામગ્રીઓ બનાવી ભરપુર માત્રામાં દરરોજ સાંજે વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મુસ્‍લિમ સમાજ દ્વારા રોઝા-નમાઝ સહિતની ઇબાદત ઉપરાંત કુર્આન પઠન, મીલાદ શરીફ સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. બંદગી થઇ રહી છે અને કરબલાના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે.

(10:57 AM IST)