<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ન્‍યારાના પાટીયે માતા-પુત્રએ એસિડ પી ખાણમાં પડતું મુકી મોત મેળવ્‍યું: આર્થિક ભીંસ કારણભૂત

જામનગર રોડ ડાંગર કોલેજ પાછળ મારૂતિનગરમાં રહેતાં નકુમ-સતવારા પરિવારમાં કલ્‍પાંત : જયાબેન નકુમ અને નિલેષભાઇ નકુમના રાજકોટમાં સારવાર દરમિયાન રાત્રે મૃત્‍યુઃ પડધરી પોલીસે તપાસ હાથ ધરી

માતા-પુત્રને સારવારમાં લાવવામાં આવ્‍યા ત્‍યારની તસ્‍વીર, ટુંકી સારવાર બાદ બંનેના મૃત્‍યુ થયા હતાં (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩૧: જામનગર રોડ પર રહેતાં માતા-પુત્રએ ગઇકાલે સવારે ઘરેથી નીકળી ગયા બાદ પડધરીના ન્‍યારા ગામના પાટીયા પાસે પહોંચી એસિડ પી લીધા બાદ સજોડે ખાણમાં કૂદકો મારી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના વારાફરતી મોત નિપજતાં સતવારા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આર્થિક ભીંસ અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા નાણા પાછા નહિ આપી શકતાં હોવાથી કંટાળીને આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર બી.એ. ડાંગર કોલેજ પાછળ આવેલા મારૂતિનગર-૨માં રહેતાં નિલેષભાઇ મનસુખભાઇ નકુમ-સતવારા (ઉ.વ.૨૮) અને તેના માતા જયાબેન મનસુખભાઇ નકુમ (ઉ.વ.૫૦)એ સાંજે છએક વાગ્‍યે પડધરીના ન્‍યારા ગામના પાટીયા પાસે એસિડ પી લીધા બાદ ખાણમાં ઝંપલાવી દેતાં લોકોને જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

પડધરી પોલીસની ટીમે પહોંચી લોકોની મદદથી નિલેષભાઇ અને જયાબેનને બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયછા હતાં. જો કે અહિ સારવાર દરમિયાન રાતે દસ વાગ્‍યે જયાબેનનું અને બાદમાં પુત્ર નિલેષભાઇનું મૃત્‍યુ થતાં પરિવારજનોમાં એરરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના મહેશભા ગઢવી સહિતે પડધરી પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરી માતા-પુત્રના મૃતદેહના પોસ્‍ટમોર્ટમ કરાવાયા હતાં.

આપઘાત કરનાર જયાબેનને સંતાનમાં બે દિકરા છે. જેમાં તેમની સાથે આપઘાત કરનાર નિલેષભાઇ નાનો અને અપરિણીત હતો. નિલેષભાઇ પ્‍લમ્‍બીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કેટલાક સમયથી આર્થિક ભીંસ હોઇ જેથી સગા સંબંધીઓ પાસેથી ઉછીના નાણા પણ લીધા હતાં. આ રકમ પરત ન કરી શકતાં ટેન્‍શનમાં હોઇ ઘરેથી નીકળી ગયા બાદ સાંજે બંનેએ ન્‍યારાના પાટીયે ખાણ પાસે પહોંચી પહેલા એસિડ પી લીધુ હતું અને બાદમાં બંનેએ ખાણમાં ઝંપલાવી દીધુ હતું. સારવાર દરમિયાન બંનેના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. માતા-પુત્રની એક સાથે અરથી ઉઠતાં આક્રંદ સાથે અનેક આંખો રડી પડી હતી. પડધરી પોલીસે આ બનાવમાં વિશેષ તપાસ કરી રહી છે.

(10:59 AM IST)