News of Tuesday, 27th October 2026
વિરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં મા-દિકરો અને કોસ્મો કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં યુવાન કૂટણખાનુ ચલાવતા'તા!
એએચટીયુની ટીમના બે દરોડાઃ સ્પામાં દિલ્હી, યુપી, જામકંડોરણાની લલના રાખી દેહવેપલો થતો હતો : શ્રી મેરેજ બ્યુરોમાંથી જયશ્રીબેન ઉર્ફે મીનાબેન અને પુત્ર મીત તથા સ્પામાંથી રાજસ્થાની યુવાન ગણેશ મીનાની ધરપકડઃ યુવતિઓને મુક્ત કરાવાઇઃ એએચટીયુના પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ ચોૈહાણ, એએસઆઇ અજયભાઇ શુક્લા, સલિમભાઇ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ સહિતની ટીમોના દરોડો

રાજકોટ તા. ૨૭: શહેરમાં અવાર-નવાર સ્પા પાર્લરમાં મસાજની આડમાં લોહીના વેપલા થતાં હોવાનો પોલીસ પર્દાફાશ કરતી રહે છે. વિરાણી ચોકમાં આવેલી મેરેજ બ્યુરોની ઓફિસમાં માતા-પુત્ર સાથે મળી કૂટણખાનુ ચલાવતાં હોવાનો પણ પર્દાફાશ આ ટીમે કરી બંનેની ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ મહિલા કોલેજ ચોકમાં કોસ્મો કોમ્પલેક્ષમાં આવેલા એક સ્પામાં દરોડો પાડી સંચાલકને દેહવેપલો કરતો ઝડપી લેવાયો હતો. અહિ આ રાજસ્થાની યુવાન દિલ્હી, યુપી, જામકંડોરણાની યુવતિઓને રાખી ગ્રાહકોને મસાજના નામે બોલાવી એકસ્ટ્રા સર્વિસના નામે યુવતિઓ પાસે દેહના સોદા કરાવતો હતો.
જાણવા મળ્યા મુજબ એએચટીયુની ટીમને બાતમી મળી હતી કે વિરાણી ચોકમાં ગુરૂરક્ષા કોમ્પલેક્ષમાં ઓફિસ નં. ૨૦૭માં આવેલા શ્રી મેરેજ બ્યુરોમાં મેરેજ બ્યુરોના માલિક છોકરીઓ બહારથી રાખીને તેની પાસે દેહ વેપલો કરાવે છે. આ બાતમી પરથી ડમી ગ્રાહક મોકલી એએચટીયુની ટીમે દરોડો પાડતાં બાતમી સાચી ઠરી હતી. અહિ શ્રી મેરેજ બ્યુરોના સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઇ પૂજારા (ઉ.વ.૫૧-રહે. શારદા એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફલોર બ્લોક નં. બી-૨, નિલકંઠ ટોકીઝ પાસે) તથા તેનો દિકરો મીત ચેતનભાઇ પૂજારા (ઉ.વ.૨૨) બંને સાથે મળી કૂટણખાનુ ચલાવતાં હોવાનું ખુલતાં બંને વિરૂધ્ધ એ-ડિવીઝનમાં ગુનો દાખલ કરાવાયો હતો.
અહિ એક છોકરી પણ મળી આવી હતી તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. ગ્રાહક પાસેથી રૂા. ૧૦૦૦ લઇ લલના પુરી પાડવામાં આવતી હતી. પોલીસને રોકડા રૂા. ૩૪૦૦, કોન્ડોમના ૨૦ પેકેટ, મોબાઇલ ફોન, તૂટેલો કોન્ડોમના રેપર સહિત કબ્જે કર્યા હતાં અને મા-દિકરા વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
જ્યારે કાલાવડ રોડ મહિલા કોલેજ ચોકમાં કોસ્મો કોમ્પલેક્ષ પાંચમા માળે ઓફિસ નં. ૫૦૧માં આવેલા ફલોરેન્સ વેલનેસ સ્પામાં મસાજ પાર્લર ચલાવવાને બદલે બહારની યુવતિઓને અહિ રાખી મસાજના નામે ગ્રાહકોને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને મળતાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો. અહિ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ સ્પાનો સંચાલક ગણેશ લક્ષમણજી મીના (ઉ.વ.૨૩-રહે. ઘટીફલા સસઇ, પોસ્ટ નાથદ્વારા, જી. ઉદયપુરા રાજસ્થાન) સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતો હતો.
અહિ ગ્રાહક પાસે એન્ટ્રી ફીના રૂા. ૧૦૦૦ લઇ બાદમાં લલનાઓ સાથે શરીર સંબંધ બાંધવાના રૂા. ૨૫૦૦ લઇ એકસ્ટ્રા સર્વિસ અપાતી હતી. પોલીસે સંચાલક સામે ગુનો નોંધી રોકડા ૭૨૧૦, બે મોબાઇલ મળી રૂા.૧૭૨૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહિ જેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો તેવી દિલ્હી, યુપી અને જામકંડોરણાની યુવતિઓને પોલીસે મુક્ત કરાવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુ ટીમના પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, એએસઆઇ અજયકુમાર શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ મકરાણી, કોન્સ. હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, ભુમિકાબેન ઠક્કર, સુર્યકાંતભાઇ જાદવ, જીજ્ઞેશભાઇ મારૂ સહિતની ટીમોએ આ બંને દરોડો પાડયા હતાં.
(2:32 PM IST)










