<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

સાસુએ કહ્યું તમારી દિકરી નકામી છે, નણંદે કહ્યું એ મરી જાય તો જગ્‍યા ઓછી થાયઃ ત્રાસથી રૂમાનાએ જીવ દીધો'તો

ભગવતીપરામાં પાંચ મહિના પહેલા જ પરણેલી યુવતિના આપઘાતમાં મૃતકના પિતા મહમદભાઇ તરકવાડીયાની ફરિયાદ પરથી પતિ સલિમ બાવનકા, સાસુ શરીફાબેન અને નણંદ અફસાના સામે આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો બી-ડિવીઝન પોલીસમાં દાખલ

 

રાજકોટ તા. ૨૩: શહેરના મોચી બજાર ચામડીયા ખાટકીવાડમાં માવતર ધરાવતી અને ભગવતીપરામાં સાસરીયુ ધરાવતી  મુસ્‍લિમ નવોઢા રૂમાનાબેન સલીમ બાવનકા (ઉ.વ.૨૨)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણી પતિ, સાસુ, નણંદના અસહ્ય ત્રાસને કારણે મરવા મજબૂર થયાની વિગતો ખુલતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે. લગ્ન થયાના પાંચ જ મહિનામાં તેણીએ આપઘાત કરી લીધો હતો. દિકરીને ત્રાસ હોવાની જાણ થતાં માતા-પિતા તેડવા ગયા ત્‍યારે તેણીના સાસુ-નણદે તમારી દિકરીને કામ આવડતું નથી, મરી જવું હોય તો ભલે મરી જાય, અમારે ઘરમાં જગ્‍યા થશે તેવા વેણ કહ્યા હતાં અને જમાઇએ આ બંનેને ધક્કો મારી ડેલી બહાર કાઢી મુક્‍યા હતાં. 

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા રઝીયા મદ્રેસાની સામે નંદનવન-૧ની સામેની શેરીમાં રહેતી રૂમાના સલિમ બાવનકાએ પરમ દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તેણીના પિતા મોચી બજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં મહમદભાઇ દાઉદભાઇ તરકવાડીયા (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે તેણીના પતિ સલિમ ઇબ્રાહીમભાઇ બાવનકા, સાસુ શરીફાબેન અને નણંદ અફસાના વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

મહમદભાઇ તરકવાડીયા રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દિકરી રૂમાના (ઉ.વ.૨૨) હતી. તેણીના લગ્ન એક વર્ષ પહેલા મહમદભાઇના જ સાળા ઇબ્રાહીમભાઇ કાસમભાઇ બાવનકાના દિકરા સલિમ (ઉ.વ.૩૦) સાથે તા. ૮/૨/૨૦૨૬ના રોજ સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના બે ત્રણ મહિના બાદ સાસરિયાઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યુ હતું.  ફરિયાદમાં જણાવાયા મુજબ ઘરકામ બાબતે રૂમાના સાથે અવારનવાર મેણા ટોણા મારવામાં આવતાં હતાં. તેમજ  શારીરિક તથા માનસિક ત્રાસ અપાતો હતો. દિકરીને પતિ, સાસુ, નણંદનો ત્રાસ હોવાની જાણ તેણીના એક સગા મારફત પણ થઇ હતી.

આ પછી એક દિવસ રૂમાનાએ અગાઉ પિતાને ફોન કરીને આક્રંદ કરતાં જણાવ્‍યું હતું કે-પપ્‍પા મને ઘરે લઈ જાઓ, મને બહુ ત્રાસ આપે છે. આથી પિતા અને માતા તાત્‍કાલિક સાસરે પહોંચ્‍યા હતા અને દિકરીને તેડી જવાની વાત કરી હતી. મહમદભાઇ અને તેના પત્‍નિએ દિકરીના સાસુને કહેલું કે અમારી દિકરીને તમે બહુ ત્રાસ આપો છો એટલે અમારે તેને તેડી જવી છે. ત્‍યારે સાસુ શરીફાબેને કહેલું કે-તમારી દિકરીને ઘરનું કંઇ કામકાજ આવડતું નથી, તે મરે તો ભલે મરી જતી, એ સાવ નકામી છે. આ વખતે નણંદ અફશાનાએ પણ એવુ કહેલું કે-તમારી દિકરી અહિ જ રહેશે, તેને કોઇની સાથે ક્‍યાંય મોકલવી નથી, તે મરવાનું કહે તો ભલે મરી જતી, અમારા ઘરમાં જગ્‍યા થશે બીજુ શું! આ પછી પણ રૂમાનાને તેના માતા-પિતા સાથે જવા દીધી નહોતી. આ બંનેને જમાઇ સલિમે ધક્કો મારી ડેલી બહાર કાઢી મુક્‍યા હતાં.

બાદમાં તા. ૨૧/૭ના બપોરે મહમદભાઇ રિક્ષા લઇ ફેરા કરવા નીકળ્‍યા ત્‍યારે જમાઇ સલિમે ફોન કરી તારી દિકરીએ ગળાફાંસો ખાઇ લીધો છે, તમે સિવિલ હોસ્‍પિટલે આવો તેમ કહેતાં મહમદભાઇ સહિતના ત્‍યાં પહોંચતા દિકરીનો મૃતદેહ જોવા મળ્‍યો હતો. રૂમાના તેના પતિ, સાસુ, નણંદના ત્રાસથી કંટાળીને મરી જવા મજબૂર થઇ હોવાનું મહમદભાઇએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ જે. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:38 PM IST)