તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજકોટના 76 હજારથી વધુ મતદારોએ ડિજિટલ માધ્યમથી ઘરબેઠા મેળવી મતદાન મથકની વિગત : ટેક્નોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયા બની સરળ
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી ખાસ વેબસાઈટ અને ગૂગલ મેપની મદદથી મતદારોએ વોર્ડ નંબર પરથી બૂથ અને કેન્દ્ર શોધી લોકશાહીના પર્વમાં નોંધાવી હાજરી

રાજકોટ, તા. 26 એપ્રિલ : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-2026 માં રાજકોટ મહાનગરના મતદાતાઓ માટે ટેક્નોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મતદારોએ ખૂબ જ સરળતાથી પોતાના રહેણાંક વિસ્તાર મુજબ મતદાન કેન્દ્રની માહિતી મેળવી હતી.
બપોરે 2 વાગ્યા સુધીમાં લાખો લોકોએ લીધી મુલાકાત:
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મતદારોની સુવિધા માટે https://rmc-election.jrtrivedi.in/ નામની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ પર મતદાનના દિવસે બપોરે 2:00 કલાક સુધીમાં કુલ 76,290 લોકોએ મુલાકાત લઈને પોતાના મતદાન મથક અંગેની જાણકારી મેળવી હતી. આ સુવિધાને કારણે મતદારોને ભટકવું પડ્યું નહોતું અને તેઓ સીધા જ પોતાના નિયત બૂથ સુધી પહોંચી શક્યા હતા.
લોકેશન માટે ગૂગલ મેપનો સચોટ ઉપયોગ:
આ ડિજિટલ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર વોર્ડ નંબર દાખલ કરવાથી મતદારોને તેમના રહેણાંક વિસ્તાર મુજબ બૂથ નંબર અને મતદાન કેન્દ્ર એટલે કે શાળાનું નામ તુરંત જોવા મળે છે. એટલું જ નહીં, જે-તે મતદાન મથક સુધી પહોંચવા માટે ગૂગલ મેપનું લોકેશન પણ આપવામાં આવ્યું છે, જેની મદદથી અજાણ્યા વિસ્તારના મતદારો પણ સરળતાથી મથક સુધી પહોંચી શક્યા હતા.
જિલ્લા ચૂંટણી વિભાગનું સુઆયોજન
રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ટેક્નોલોજીના આ નવતર પ્રયોગ પાછળ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશ, અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછાર તથા બી.એલ.ઓ. જયદીપ ત્રિવેદીની મહત્વની ભૂમિકા રહી છે. આ વેબસાઈટ તૈયાર કરવામાં જયદીપ ત્રિવેદીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 23 એપ્રિલના રોજ આ વેબસાઈટ અને બે વિશેષ ક્યુ.આર. કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુંદર કામગીરીને કારણે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી લોકશાહી વધુ મજબૂત બનતી જણાઈ હતી.
(3:07 PM IST)










