<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રાજકોટ શહેર-જીલ્લામાં દરમહિને ૩ લાખથી વધુ કાર્ડ હોલ્‍ડરોના- ૧૨ લાખ લાભાર્થીઓને વિનામુલ્‍યે અપાતુ અનાજ

કૂલ ૭૦૨ સસ્‍તા અનાજની દૂકાનોઃ ઘઉં, ચોખા, ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠુ મફત અને રાહતદરે ઉપલબ્‍ધ દર મહિને ૩૫ કિલો અને અગ્રતા પરિવારને પ કિલો પૂરવઠાનું વિતરણ

રાજકોટ, તા. ૨૭: પરિવારની આર્થિક પરિસ્‍થિતિ ગમે તેવી હોય, પરંતુ દરેક સભ્‍યને બે ટંકનું ભોજન મળી રહે તે દરેક પરિવારની પ્રાથમિક ચિંતા હોય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજની ઉપલબ્‍ધતા માત્ર જીવનનિર્વાહનો આધાર નહીં, પરંતુ સુરક્ષિત જીવનની આશા પણ છે. આવી જ અન્ન સુરક્ષાની ભાવનાને સાકાર કરતી પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

અન્ન સુરક્ષાની ખાતરી,

લાખો પરિવારોને રાહત

રાષ્‍ટ્રીય અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત અમલી આ યોજના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્‍ક અનાજ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પણ આ યોજનાનો વ્‍યાપક અમલ થઈ રહ્યો છે. જિલ્લાના ૭૦૨ વાજબી ભાવની દુકાનો મારફતે ૩,૦૬,૩૮૧ રેશનકાર્ડધારક પરિવારોના કુલ ૧૧,૬૭,૭૧૬ લાભાર્થીઓને દર મહિને અનાજ પહોંચાડવામાં આવે છે. આ વ્‍યવસ્‍થા દ્વારા જિલ્લાના લાખો નાગરિકોને અનાજ ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહ્યું છે.

યોજના અંતર્ગત અંત્‍યોદય રેશનકાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજ નિઃશુલ્‍ક આપવામાં આવે છે. જ્‍યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્‍યક્‍તિદીઠ ૨ કિલો ઘઉં, ૧ કિલો ચોખા અને ૨ કિલો બાજરી મળી કુલ ૫ કિલો અનાજ વિનામૂલ્‍યે આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને ખાંડ, ચણા, તુવેરદાળ અને મીઠું પણ રાહતદરે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

‘વન નેશન, વન રાશનકાર્ડ': સરહદોથી પર અન્ન સુરક્ષાની સુવિધા

રોજગાર કે અન્‍ય કારણોસર એક સ્‍થળેથી બીજા સ્‍થળે સ્‍થળાંતર કરતા પરિવારોને પણ અનાજનો લાભ મળી રહે તે માટે ‘વન નેશન, વન રાશનકાર્ડ' યોજના મહત્ત્વપૂર્ણ બની છે. આ સુવિધા હેઠળ દેશના કોઈપણ રાજ્‍ય કે જિલ્લાના રેશનકાર્ડધારકો રાજકોટ જિલ્લામાંથી પણ પોતાનું નિયત અનાજ મેળવી શકે છે. રાજકોટ જિલ્લામાં ગત માસ દરમિયાન અન્‍ય જિલ્લાના ૧૫,૩૭૪ અને અન્‍ય રાજ્‍યોના ૨,૫૭૬ લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. આમ, સ્‍થળાંતરિત પરિવારો માટે પણ અન્ન સુરક્ષાની સાતત્‍યતા જળવાઈ રહે છે.

અન્ન સુરક્ષાની આ વ્‍યવસ્‍થામાં સમાજના એવા વર્ગોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમને આર્થિક અને સામાજિક પરિસ્‍થિતિઓને કારણે જીવનનિર્વાહમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. કુટુંબના પુખ્‍ત વયના કમાતા સભ્‍યો અશક્‍ત હોય અથવા ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા પરિવારો, ગંગાસ્‍વરૂપા બહેનો, વળદ્ધ પેન્‍શન મેળવતા લાભાર્થીઓ, ફેરિયાઓ, ઘરવિહોણા પરિવારો તેમજ રૂ. ૨૦ હજારથી ઓછી આવક ધરાવતા પરિવારોને પાત્રતાના નિયમો અનુસાર અગ્રતા ધરાવતા કુટુંબની કેટેગરીમાં યોજનાનો લાભ મળી શકે છે.

(3:49 PM IST)