News of Saturday, 26th September 2026
મનપાના ૧૫૦થી વધુ ફાયર જવાનોએ ૧૩ કલાકમાં ગણેશજીની ૬,૮૫૬ મૂર્તિઓનું સુરક્ષિત વિસર્જન કર્યુ
૬ સ્થળોએ ક્રેઈનની મદદથી ૬,૦૨૧ નાની અને ૮૩૫ મોટી મૂર્તિઓનું વિસર્જન : કોઈ અનિચ્છનીય ઘટના નહીં: પૂજા સામગ્રીનો આદરપૂર્વક નિકાલ

રાજકોટ, તા., ૨૬ : રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર નક્કી કરાયેલા શહેરના વિવિધ સ્થળોએ ગણેશજીની મૂર્તિઓના વિસર્જનની કામગીરી સુચારુ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
ગણેશ વિસર્જન માટે ફાયર બ્રિગેડના ૧૫૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે ૮ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધી સતત ૧૩ કલાક ફરજ બજાવી હતી.
શહેરમાં આજી ડેમ ઓવરફ્લો, આજી ડેમ ખાણ નંબર-૧ અને ૨, મવડી-પાળ રોડ પર જખરાપીરની જગ્યા પાસે, કાલાવડ રોડ પર વાગુદળ તેમજ જામનગર રોડ પર ન્યારા ગામના પાટિયા પાસે આવેલી ખાણ ખાતે મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ દરમિયાન ગણેશજીની નાના કદની કુલ ૬,૦૨૧ મૂર્તિઓ તથા ૮૩૫ મોટી મૂર્તિઓનું ક્રેઈનની મદદથી સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા કુલ ૬,૮૫૬ મૂર્તિઓનું સફળતાપૂર્વક વિસર્જન કરાયું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ પણ સ્થળે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી. ગણેશ વિસર્જન બાદ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિસર્જન સ્થળોએ એકત્ર થયેલી પૂજા સામગ્રીને સ્પેશિયલ ‘પૂજાપા વાન' મારફતે એકત્ર કરી તેનો આદરપૂર્વક અને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
(3:16 PM IST)










