News of Thursday, 24th September 2026
વધુ એક હત્યાઃ ભક્તિ નગર સર્કલ પાસે યુવાનને સરાજાહેર છરીના ઘા ઝીંકી ખૂન
સહકારનગરમાં રહેતાં વિમલભાઇ વાણીયા નામના યુવાનને છાતી, પડખા, હાથમાં ઘા ઝીંકી બે શખ્સ ફરારઃ ભક્તિ નગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૪: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. ભરબપોરે ભક્તિનગર સર્કલ પાસે એક યુવાનને છરીના ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નંખાયો છે. જેમાં યુવાનને બે શખ્સોએ આંતરી છરીના આડેધડ ઘા મારી દીધા હતાં. તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.
જાણવા મળ્યા મુજબ શહેરના ભક્તિનગર સર્કલ પાસે બપોરે એક યુવાનને બે શખ્સોએ આંતરી છાતી, હાથ, પડખામાં સરાજાહેર છરીના ઘા ઝીંકી દેતાં ચીસાચીસ થઇ ગઇ હતી. યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. દેકારો સાંભળી લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિ નગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવાનનું નામ વિમલ ધર્મેશભાઇ વાણીયા (ઉ.વ.૨૭) હોવાનું જાણવા મળ્યું છે. તે સહકાર નગરમાં રહે છે. હત્યા કોણે અને શા માટે કરી તેની તપાસ ભક્તિનગર પોલીસ, એલસીબી, ડીસીબીની ટીમોએ હાથ ધરી છે.
(3:31 PM IST)










