<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

રાજકોટમાં વધુ એક હત્‍યા : સામુ જોવાના ડખ્‍ખામાં ઇકબાલ જુનાગઢીની પાઇપ ફટકારી હત્‍યા

રાતે નવ વાગ્‍યે ઇકબાલભાઇને દાનીશ સાથે બોલચાલી થતાં દિકરા સોહિલને ફોન કરી કહ્યું-તું તપાસ કર તો દાનીશે ફરિયાદ કરી છે કે કેમ?: આ પછી રાતે એક વાગ્‍યે સોહિલને મિત્રનો ફોન આવ્‍યો કે જંગલેશ્વર ખ્‍વાજા ચોકમાં તારા પિતાને દાનીશ સહિતે માર મારતાં તે પડી ગયા છેઃ પુત્રએ હોસ્‍પિટલે ખસેડયા પણ અહિ મૃતદેહ જ પહોંચ્‍યો : હત્‍યાનો ભોગ બનનાર ૫૬ વર્ષિય રિક્ષાચાલક પ્રોૈઢ પીરવાડી જુના ગણેશનગરમાં રહેતાં હતાં: જંગલેશ્વરના દાનીશ , સુફીયાન અને રીયાઝ વિરૂધ્‍ધ ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યોઃ આરોપીઓ મુરગાગેંગના સાગ્રીત હોવાનો મૃતકના પુત્રનો આક્ષેપઃ ત્રણેયને ઝડપી લેવા દોડધામ

હત્‍યાનો ભોગ બનનાર ઇકબાલભાઇ લોધીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને વિગતો જણાવી રહેલા તેમના પુત્ર સહિતના સ્‍વજનો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરમાં વધુ એક હત્‍યાની ઘટના બની છે. રાત્રીના ગોંડલ ચોકડી પીરવાડી પાસે જુના ગણેશનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને જંગલેશ્વર મેઇન રોડ પર જંગલેશ્વરના જ ત્રણ શખ્‍સોએ સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઇપના આડેધડ ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. મુળ જુનાગઢના આ રિક્ષાચાલક પ્રોૈઢ ઇકબાલભાઇ જુનાગઢી તરીકે ઓળખાતા હતાં. હત્‍યા કરી ભાગી ગયેલા શખ્‍સો મુરગાગેંગના સાગ્રીતો હોવાનું તેમના દિકરાએ જણાવ્‍યું હતું. ભક્‍તિનગર પોલીસે હત્‍યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ પીરવાડી પાસે જુના ગણેશનગર-૩માં રહેતાં રિક્ષાચાલક ઇકબાલભાઇ ઉર્ફે જુનાગઢી ઇબ્રાહીમભાઇ લોધી-પઠાણ (ઉ.વ.૫૬) રાતે એકાદ વાગ્‍યે  જંગલેશ્વર મેઇન રોડ પર ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ નીચે નિસ્‍બત પાન પાસે હતાં ત્‍યારે તેમના પર દાનીશ સહિતના શખ્‍સોએ પાઇપથી હુમલો કરી માથા, શરીરે ઘા ફટકારતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, રાઇટર એએસઆઇ નિલષેભાઇ મકવાણા, ડી. સ્‍ટાફ ટીમ હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને કાર્યવાહી કરી હતી.

પોલીસે આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા ઇકબાલભાઇના દિકરા સોહિલભાઇ ઇકબાલભાઇ લોધી-પઠાણ (ઉ.વ.૩૨-રહે. ન્‍યુ સાગર સોસાયટી-૪, સંતોષ પાન સામે)ને ફરિયાદ પરથી જંગલેશ્વરમાં જ રહેતાં દાનીશ અમીનભાઇ, સુફીયાન હનીફભાઇ આરબ અને રીયાઝ વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. સોહિલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા પરિવાર સાથે રહું છું અને રીક્ષા ડ્રાઇવિંગ કરુ છું.  અમેં ચાર ભાઈઓ છીએ એમાં સૌથી મોટો હું છું. હું બે વર્ષ થી ન્‍યુ સાગર સોસાયટીમાં રહું છું. આ અગાઉ મારા પિતા ઈકબાલભાઈ ઇબ્રાહીમભાઈનું પીરવાડી પાસે આવેલ જુના ગ ણેશ નગર શેરી નંબર-૩માં આવેલ મકાનમાં ઉપરના માળે રહેતો હતો. મારા ત્રણ નાના ભાઈઓમાં મારાથી નાનો ભાઈ સાહેબ જે સંજયનગરમાં રહે છ, તેનાથી નાનો સમીર છે મારા ઘરમાં ઉપરના માળે રહે છે અને સૌથી નાનો શાહીદ જે પણ સંજયનગરમાં રહે છે મારા પિતા ઇકબાલભાઈનું હુલામણું નામ જૂનાગઢી છે. અમે મુળ જૂનાગઢના વતની હોવાથી આ નામ પડયું હતું. મારા પિતા રીક્ષા ડ્રાઇવિંગ કરે છે અને મારા માતા જીન્‍નતબેનની તબિયત બરાબર ન હાઇ જેથી તેઓ ઊના ઊંઝા દાતાર બાપુની જગ્‍યાએ રહે છે.

શુક્રવારે રાત્રિના સમયે હું મારા ઘરે હતો ત્‍યારે સવા દસ સાડા દસ વાગ્‍યાના અરસામાં મારા પિતા ઇકબાલભાઈનો  મને ફોન આવેલ અને મને વાત કરેલ કે જંગલેશ્વરમાં રહેતાં દાનિશ અમીનભાઈ સાથે મારે ઝઘડો થયેલ છે તું જો તો તપાસ કર તો દાનીશએ કેસ કરેલ છે કે કેમ? તેમ કહીને ફોન કાપી નાંખ્‍યો હતો. ત્‍યાર બાદ ફરી મોડી રાત્રિના સવા એક વાગ્‍યે મારા મિત્ર સોહીલ મહમદભાઈ વીશળના મોબાઈલ ઉપરથીને ફોન આવ્‍યો હતો. આ વખતે સોહિલના ફોનમાંથી મારો બીજો મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી કરીમભાઈ પરમાર બોલતો હતો અને તેણે મને વાત કરેલ કે તું જલ્‍દી ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ પાસે આવ અહીં ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ નીચે નિસ્‍બત પાન પાસે આવ તારા પપ્‍પાને દાનીશ સાથે માથાકૂટ થયેલ છે તારા પપ્‍પા અહીં બેભાન જેવા થઇને પડેલા છે.ે

આ વાત કરતા હું તુરંત જ મારા ઘરેથી ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ પાસે નિસ્‍બત પાને પહોંચેલ. ત્‍યાં ઘણા બધા માણસો જોવા માટે ભેગા થયેલ હોય અને તેમાં મારો મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી તથા અબ્‍દુલભાઈ પાયક પણ હતા. મારા પિતા કંઈ બોલતા નહોતા. મને સાહિલ ઉર્ફે ગુંદીએ જણાવેલ કે રાત્રિના એકાદ વાગ્‍યાના અરસામાં તારા પપ્‍પા ઇકબાલભા ઈ અહીં નિસ્‍બત પાન ખાતે આવેલ અને અહીં બેઠા હતાં. ત્‍યારે ત્‍યાં દાનિશ અમીનભાઈ તથા તેની સાથે સુફિયાન આરબ તથા રિયાઝ પણ હતાં. આવીને સીધો દાનિશ ગાળો બોલવા લાગેલ અને તેના હાથમાં લોખંડનો પાઈપ હતો. તે પાઇપ થી સીધો જ એક ઘા છાતીમાં ડાબી બાજુ મારી દીધેલ અને દાનિશના હાથમાંથી તે રિયાઝ અને ત્‍યારબાદ સુફિયાને વારાફરતી પાઇપના ઘા તારા પપ્‍પાને શરીરે ખંભાના ભાગે માર મારતા તારા પિતા ત્‍યાં પડી ગયેલ હતા.

ત્‍યારબાદ આ ત્રણેય તારા પપ્‍પાને પગેથી પાટા તથા ઢીકા મારવા લાગેલ હતા અને તારા પપ્‍પા બેભાન જેવા થઈ ગયા હતા. કાંઈ બોલતા ન હતા. આ વાત મને મારા મિત્ર સાહિલ ઉર્ફે ગુંદીએ કરેલ હતી. ત્‍યાર બાદ નિસ્‍બત પાન પાસેથી મારા પિતાને હું તથા સાહિલ ઉર્ફે ગુંદી તથા અબ્‍દુલભાઈ એમ બધા રીક્ષામાં નાખીને ઢેબર રોડ ઉપર આવેલ મધુરમ હોસ્‍પિટલ લઈ ગયેલ હતાં. ત્‍યાં ડોક્‍ટરે ચેક કરતા મારા પિતાને ધડકન ચાલતી નથી સિવિલ હોસ્‍પિટલે ઇમરજન્‍સી વોર્ડમાં લઈ જવાનું કહેતા હું મારા પિતાને સિવિલ ખાતે ઇમર્જન્‍સી વોર્ડમાં લાવતાં ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

રાતે નવેક વાગ્‍યે મારા પિતા અને દાનીશ વચ્‍ચે સામુ જોવા બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી બાદમાં રાતે એકાદ વાગ્‍યે દાનીશ સહિતના ત્રણેયએ મારા પિતાને પાઇપના ઘા ફટકારી  આડેધડ માર મારી તેની હત્‍યા કરી નાંખી હતી. તેમ વધુમાં સોહિલભાઇએ જણાવતાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્‍યાનો ભોગ બનનાર ઇકબાઇલભાઇ ઉર્ફે જુનાગઢી બે ભાઇ અને પાંચ બહેનમાં બીજા હતાં. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. મૃતકના દિકરાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ મુરગાગેંગના સાગ્રીતો છે અને એકાદ મહિના પહેલા જામીન પર છુટયા છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(2:55 PM IST)