News of Sunday, 2nd August 2026
રાજકોટમાં વધુ એક હત્યા થઈ: સમાધાન ન કરતા ભક્તિનગર સર્કલ પાસે ઘનશ્યામસિંહ વાઘેલાની કરપીણ હત્યા; આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા લીંબડીથી ઝડપાયો
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ. જે.ડી.પરમાર, પીએસઆઇ એસ.એચ.ગોહીલ, જે.બી.રાણીંગા, પી.બી.વારોતરીયા તથા એએસઆઇ નિલેષભાઇ મકવાણા, સુરેશભાઇ ઝાપડીયા અને ટીમની કામગીરી

રાજકોટ: બે વર્ષ જૂના કેસમાં કોર્ટ બહાર સમાધાન કરવાનો ઇનકાર કરી દેતાં રાજકોટમાં એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે કારમાં બેઠેલા ૪૨ વર્ષીય યુવાન પર તેના કૌટુંબિક સગાએ તીક્ષ્ણ છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનનું હોસ્પિટલમાં મોત નિપજતાં બનાવ મર્ડરમાં પરિણમ્યો છે.પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લીધો છે.
વિગતો મુજબ, શહેરના રઘુવીર સોસાયટી વિસ્તારમાં રહેતા અને ઓઈલ એન્જિનનું કામ કરતા ૪૨ વર્ષીય ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા નામના યુવક પર જૂની અદાવતનું મનદુઃખ રાખીને તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે ચાલુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
ફરિયાદી અનુપસિંહ કેશુભા વાઘેલા અને તેમના પુત્ર ઘનશ્યામસિંહ પર આશરે બે વર્ષ પહેલાં નવરાત્રી દરમિયાન તેમના મૂળ ગામ ભાડેરના કૌટુંબિક સગા ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ છરી વડે હુમલો કર્યો હતો. જે અંગેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં સમાધાન કરી લેવા માટે આરોપી પક્ષ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ફરિયાદી પક્ષે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
સમાધાન ન થતાં ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના ૨૯ વર્ષીય નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ. ૨૯, રહે. નાઇન્થ એવેન્યુ, આઇ-વીંગ, ફ્લેટ નં.૧૦૨, નાણાવટી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ) અને તેની સાથેના એક અજાણ્યા શખસે કાવતરું રચ્યું હતું. બનાવના દિવસે બંને આરોપીઓએ એક્ટિવા બાઇક પર રેકી કરી હતી.
સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં, જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ વચ્ચે આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે ઘનશ્યામસિંહ પોતાની કારમાં બેઠા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેના સાગરીતે આવીને છાતી, વાંસા, ખભા અને હાથના ભાગે તીક્ષ્ણ છરી વડે આડેધડ ૬ થી ૭ ઘા ઝીંકી દીધા હતા.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અિધક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૧) હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર તથા પી.એસ.આઈ. એસ.એચ. ગોહીલ, જે.બી. રાણીંગા, પી.બી. વારોતરીયા તથા એ.એસ.આઈ. નિલેશભાઈ મકવાણા, સુરેશભાઈ ત્રાપડીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, કેતનભાઈ બોરીચા, કુલદીપસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મકવાણા, નિલેશભાઈ મીયાત્રા, રવિભાઈ રતુ, યોગીરાજસિંહ જાડેજા, નરસંગભાઈ ગઢવી, યુવરાજસિંહ જાદવ, અને અરજણભાઈ પરમાર સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સર્વેલન્સ સ્કોડ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં લીંબડી ખાતેથી ઝડપી પાડી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(8:52 PM IST)










