તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
વધુ એક હોસ્પિટલનો ‘જોખમી કચરો' જાહેરમાં ઠલવાયો
હોસ્પીટલો જ બની રહી છે બેજવાબદાર કરી રહી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : મનપાએ રૂ.૧૦૦૦૦નો ચાર્જ ફટકાર્યો : નોવા વિંગ્સ IVF હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શન, સિરીંજ-નીડલ સહિતનો બાયો મેડિકલ વેસ્ટ મસાલા માર્કેટના ગેટ પાસે ફેંકાતા સોલિડ વેસ્ટ ટીમની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦ : રાજકોટમાં જાહેર સ્થળે જોખમી બાયો મેડિકલ વેસ્ટ ફેંકવાનો કિસ્સો સામે આવતા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ કાર્યવાહી કરી છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક જાસલ કોમ્પ્લેક્સમાં આવેલી નોવા વિંગ્સ IVF હોસ્પિટલ પાસેથી બાયો મેડિકલ વેસ્ટ જાહેર જગ્યામાં ફેંકવા બદલ રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
આ અંગેની મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૦૧માં જાસલ કોમ્પ્લેક્સની બાજુમાં મસાલા માર્કેટના ગેટ પાસે જાહેર જગ્યામાં ઈન્જેક્શન, સિરીંજ અને નીડલ સહિતનો બાયો મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનું મનપાની ટીમના ધ્યાને આવ્યું હતું. તપાસ દરમિયાન આ વેસ્ટ નોવા વિંગ્સ IVF હોસ્પિટલ દ્વારા ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવતા તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ હોસ્પિટલ સામે કાર્યવાહી કરી રૂ. ૧૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.
બાયો મેડિકલ વેસ્ટ સામાન્ય કચરો નથી અને તેનો નિયમસર નિકાલ જરૂરી છે. ખાસ કરીને વપરાયેલી સિરીંજ, નીડલ અને ઈન્જેક્શન જેવી વસ્તુઓ જાહેર સ્થળે ફેંકવાથી સફાઈ કર્મચારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. આથી મનપાએ મામલાને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સૂચના તથા નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. ૦૧ના મદદનીશ પર્યાવરણ ઈજનેર, સેનેટરી ઈન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાએ શહેરની તમામ હોસ્પિટલો, દવાખાનાઓ, ક્લિનિકો અને તબીબોને પણ તાકીદ કરી છે કે બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે અન્ય કોઈ સ્થળે ફેંકવામાં ન આવે. તેનો નિકાલ અધિકળત એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત જ કરવામાં આવે અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલ અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.
(2:28 PM IST)










