News of Wednesday, 17th June 2026
બાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલા બાળકોમાંથી વધુ એક જેતપુરથી પકડાયો
એ-ડિવીઝન પોલીસની ટીમ સગીરને શોધી લાવીઃ ગોંડલ ચોકડીથી રિક્ષામાં બેસી ગયો હતોઃ મારામારીના ગુનામાં અહિ રખાયો હતો : ૧૧માંથી ૯ને પોલીસે શોધી કાઢયાઃ હજુ બેની શોધખોળ

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી રવિવારે લોખંડની જાળી અને સીસીટીવી કેમેરા તોડી અલગ અલગ ગુનામાં સામેલ છે તેવા ૧૧ કાયદાના સંઘષમાં આવેલા બાળ કિશોરો ભાગી ગયા હતાં. જેમાંથી એક પાકિસ્તાની બાળક થોડી જ કલાકોમાં પાછો આવી ગયો હતો. બે બાળકોને લીંબડી તથા બે વિરમગામ પાસેથી શોધી કઢાયા હતાં. તેમજ એકને નવલખી બંદર પાસેથી શોધી કઢાયો હતો. આ ઉપરાંત અન્ય બે બાળકોને પણ શોધી કાઢયા હતાં. ભાગતા ફરતાં ત્રણમાંથી હજુ એક બાળકને એ-ડિવીઝન પોલીસે જેતપુર પાસેથી પકડી લીધો છે.
આ સગીર બાળક મારામારીના ગુનામાં સામેલ હતો અને તેને અહિ બાળ સંરક્ષણ ગૃહમાં રખાયો હતો. દસ બાળકો સાથે કાવત્રુ ઘડી આ સગીર પણ ભાગી ગયો હતો. તે ગોંડલ રોડ ચોકડીએથી રિક્ષામાં બેસીને જતો દેખાયો હતો. પગેરૂ દબાવી પોલીસ તેને જેતપુર તરફથી શોધી લાવી છે. હજુ બે બાળકોની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
(3:19 PM IST)










