તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 30th June 2026
૮.૦૮ લાખના મોબાઇલ ફોન, સાયબર ફ્રોડના નાણા માલિકોને પરત સોંપાયા
બી-ડીવીઝન પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. ચોૈહાણ, પીએસઆઇ એન. આર. ડોબરીયા, પુષ્પરાજસિંહ જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ચાલુ મહિના દરમિયાન ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન, સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના નાણા તેમજ ગુનામાં ગયેલ અન્ય મુદ્દામાલ શોધી કાઢીને કુલ રૂપિયા ૮,૦૮,૯૫૦નો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવા માટે ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી વી.બી.જાડેજા દ્વારા ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શોધી કાઢવા તેમજ સાયબર ફ્રોડના ભોગ બનનાર અરજદારોના નાણાં પરત અપાવવા માટે સચનાઓ આપવામાં આવી હતી. તે અંતર્ગત બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જી.આર. ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એન. આર. ડોબરીયા, હેડકોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાની ટીમે ટેક્નોલોજી અને હ્યુમન સોર્સિસનો સમન્વય કરી આ કામગીરી કરી હતી. કેન્દ્ર સરકારના સીઇઆઇઆર પોર્ટલનો પણ ખોવાયેલા ચોરાયેલા મોબાઇલ શોધવામાં ઉપયોગ થયો હતો. પોલીસે એક મહિનામાં ગૂમ થયેલા રૂા. ૧,૮૯,૬૦૦ના ૧૨ મોબાઇલ ફોન, અન્ય મુદ્દામાલ ૩૫ હજારનો અને ફ્રોડમાં ગયેલા રૂા. ૫,૮૪,૩૫૦ની રોકડ રીકવર કરી મુળ માલિકોને સુપરત કરતાં તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
(2:22 PM IST)










