<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

શાસકોના પ્રશ્‍નોના ‘મિસાઇલમારા'થી અધિકારીઓને પરસેવો છૂટયો

જનરલ બોર્ડમાં ઇતિહાસ રચાયો : ૩ કલાકથી વધુ ચર્ચાઓ થઇ : પ્રથમ સમય મર્યાદા વિના યોજાયેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ દબાણ, ગેરકાયદે બાંધકામ, પાણી રોડ અને આવાસ યોજના સહિતના મુદ્દે અધિકારીઓને આકરાર સવલો કર્યા : મેયરે તાત્‍કાલિક કાર્યવાહીનો આદેશ આપ્‍યો

 

રાજકોટ,તા.૨૫: મહાનગરપાલિકાની ઓપન જનરલ બોર્ડ બેઠકમાં લાંબા સમય બાદ એક અનોખું અને ઐતિહાસિક દૃશ્‍ય જોવા મળ્‍યું હતું. પ્રથમવાર સમયમર્યાદા વિના યોજાયેલી આ બેઠકમાં સત્તાધારી ભાજપના કોર્પોરેટરોએ જ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા મનપાના અધિકારીઓ સામે જાહેર હિતના પ્ર‘ોનો મારો ચલાવ્‍યો હતો. સામાન્‍ય રીતે જનરલ બોર્ડમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્‍ચે ટકરાવ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ભાજપના જ કોર્પોરેટરોએ પોતાના વોર્ડ અને શહેરના પ્ર‘ોને લઈને અધિકારીઓને સવાલોના ઘેરામાં લીધા હતા. પરિણામે અનેક અધિકારીઓને સ્‍થળ પર જ જવાબ આપવામાં મુશ્‍કેલી પડી હતી અને કેટલાક પ્ર‘ોના લેખિત જવાબ આપવા માટે સમય માંગવો પડ્‍યો હતો.

બેઠક દરમિયાન ભાજપના ૧૯ કોર્પોરેટરોએ કુલ ૪૧ પ્રશ્‍નો રજૂ કર્યા હતા. જેમાં ગેરકાયદે દબાણો, કોર્પોરેશનના પ્‍લોટો, ગેરકાયદે બાંધકામ, રોડ-રસ્‍તા, પાણીની સમસ્‍યા, આવાસ યોજના, એનઓસી, ડીઆઈ પાઇપલાઇન, ચાર્જ વસૂલાત સહિતના અનેક મહત્‍વના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. પ્રશોની ગંભીરતા એવી હતી કે મનપાના ઉચ્‍ચ અધિકારીઓને સતત જવાબ આપવા પડ્‍યા હતા અને અનેક પ્રસંગે તેઓ નિરુત્તર પણ બન્‍યા હતા.

વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર કેતન પટેલે શહેરમાં મનપાના પ્‍લોટો પર થયેલા દબાણનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્‍યો હતો. તેમણે મનપા પાસે કુલ કેટલા સરકારી પ્‍લોટ છે, કેટલા પ્‍લોટો પર દબાણ થયેલા છે, અત્‍યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરાયા છે અને બાકીના દબાણો સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો કર્યા હતા. અધિકારીઓ પાસે તાત્‍કાલિક કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્‍ધ ન હોવાથી લેખિત જવાબ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ દરમિયાન મેયરે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને દબાણો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો પણ ચર્ચાના કેન્‍દ્રમાં રહ્યો હતો. જો ગેરકાયદે બાંધકામ તૂટી પડે અથવા કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની ગણાશે તેવા ગંભીર પ્રશ્‍નોના જવાબ પણ અધિકારીઓ આપી શકયા નહોતા. ત્‍યારબાદ મનપા કમિશનરે સ્‍પષ્ટતા કરી હતી કે ગેરકાયદે બાંધકામ કરનાર વ્‍યક્‍તિ જ તેની જવાબદારી માટે જવાબદાર રહેશે અને આ અંગેના કાયદાકીય મુદ્દાઓને ધ્‍યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવશે.

વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટરે રોડ અને પાણીની સમસ્‍યાઓ અંગે પણ અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા. શહેરના અનેક વિસ્‍તારોમાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગયા બાદ પણ પાણીના કનેક્‍શન કેમ આપવામાં આવ્‍યા નથી, કેટલા વિસ્‍તારોમાં પેવરવર્ક પૂર્ણ થયું છે અને કયાં કામ બાકી છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી. અધિકારીઓએ ૨૫ એમએલડી લાઇનનું કામ પ્રગતિમાં હોવાનું જણાવ્‍યું હતું. જોકે મેયરે કામમાં ઝડપ લાવવા અને નાગરિકોને સમયસર પાણી તથા અન્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા અધિકારીઓને તાત્‍કાલિક પગલાં લેવા આદેશ આપ્‍યો હતો.

ચર્ચા દરમિયાન શહેરમાં નિયમ વિરુદ્ધ ચાર્જ વસૂલાતા હોવાના મુદ્દે પણ કેટલાક કોર્પોરેટરોએ આક્ષેપો કર્યા હતા. મેયરે આ મામલે પણ વહીવટી તપાસના આદેશ આપી નિયમો મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સાથે જ અનેક વિસ્‍તારોમાં પાણી સમયસર ન મળતું હોવાની ફરિયાદોને પણ ગંભીરતાથી લઈને તંત્રને ઝડપી ઉકેલ લાવવા જણાવ્‍યું હતું.

સમગ્ર બેઠક દરમિયાન જાહેર હિતના પ્ર‘ોને લઈને થયેલી વિસ્‍તળત ચર્ચા, સત્તાપક્ષના કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને કરાયેલા આકરા સવાલો અને મેયર દ્વારા આપવામાં આવેલા કડક નિર્દેશોને કારણે  મનપાની આ ઓપન જનરલ બોર્ડ બેઠક લાંબા સમય સુધી યાદગાર અને ચર્ચાસ્‍પદ બની  રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ બોર્ડમાં ૩ કલાકથી વધુ સભ્‍યોના પ્રશ્‍ની ચર્ચા થવા પામી હતી. સામાન્‍ય રીતે  અગાઉના જનરલ બોર્ડ ૧ કલાક જ યોજાતુ હતુ જેમાં એક જ કોર્પોરેટરની એક જ પ્રશ્‍નની ચર્ચા થતી હતી અને વોર્ડ પૂર્ણ થતુ હતું.

જયારે આજે સવારેના ૧૧ વાગ્‍યાથી શરૂ થઇ જનરલ બોર્ડ આ લખાય છે ત્‍યારે બપોરે ર.૩૦  કલાક સુધી પણ બોર્ડ ચાલતુ હોવાનું મનપાના સત્તાવાળા સુત્રોએ જણાવ્‍યું હતું. મેયર નેહલ શુકલાએ અગાઉ જ જાહેર કર્યુ હતું કે બોર્ડની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે. (૯.૩૩)

બોર્ડમાં વિપક્ષના મહિલા કોર્પોરેટરો અને મેયર વચ્‍ચે હોબાળો

મહિલા કોર્પોરેટરને બહાર કાઢવાનો આદેશ અપાતા ઉગ્ર બોલાચાલીઃ વિજિલન્‍સ મહિલા કર્મચારી સાથે પણ રકઝકઃ બાદમાં વિરોધ પક્ષના સભ્‍યોએ શાંતિ જાળવવાની જવાબદારી સ્‍વીકારી બેઠકમાં સ્‍થાન લીધું

રાજકોટ,તા.૨૫: મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષની મહિલા કોર્પોરેટર, મેયર અને વિજિલન્‍સ વિભાગની મહિલા કર્મચારી વચ્‍ચે થયેલી ઉગ્ર બોલાચાલીને પગલે બોર્ડરૂમમાં ભારે હોબાળો મચ્‍યો હતો. ઘટનાના કારણે થોડા સમય માટે બેઠકનું વાતાવરણ તંગ બની ગયું હતું અને કાર્યવાહી પણ ખોરવાઈ હતી.

મળતી માહિતી મુજબ, વિરોધ પક્ષની મહિલા કોર્પોરેટર કોઈ મુદ્દે રજૂઆત કરી રહ્યા હતા ત્‍યારે તેમની મેયર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્‍થિતિ વધુ ઉગ્ર બનતા મેયરે મહિલા કોર્પોરેટરને બોર્ડરૂમમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્‍યો હતો. આ દરમિયાન વિજિલન્‍સ વિભાગની મહિલા કર્મચારી અને મહિલા કોર્પોરેટર વચ્‍ચે પણ ઉગ્ર રકઝક થતાં બોર્ડરૂમમાં ગડબડનો માહોલ સર્જાયો હતો.

ઘટનાને પગલે અન્‍ય કોર્પોરેટરો અને અધિકારીઓએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય માટે બોર્ડની કાર્યવાહી પણ અટકી ગઈ હતી. બાદમાં મેયર અને વરિષ્ઠ સભ્‍યો સાથે થયેલી ચર્ચા બાદ વિરોધ પક્ષના કોર્પોરેટરોએ બેઠકમાં શાંતિ જાળવવાની જવાબદારી સ્‍વીકારી હતી. ત્‍યારબાદ તેમને ફરી બેઠકમાં બેસવા દેવામાં આવ્‍યા હતા અને જનરલ બોર્ડની કાર્યવાહી પુનઃ શરૂ કરવામાં આવી હતી.

(2:56 PM IST)