News of Friday, 3rd July 2026
માધાપરનો મિહીર બાગબાનના ડબ્બામાં ભેળસેળવાળી તમાકુ ભરીને વેંચતો'તોઃ ૩ાા લાખના ૧૦૦૦ ડબ્બા સાથે પકડાયો
અમદાવાદ સ્થિત કંપનીના અધિકારીએ પીસીબીમાં ફરિયાદ કરતાં પીએસઆઇ આર. કે. જાડેજા, સંતોષભાઇ મોરી સહિતનો કાલાવડ રોડ જાનકી પાર્કમાં દરોડોઃ માલવીયાનગર પોલીસમાં ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨: માધાપર પાસે રહેતો શખ્સ જાણીતી બ્રાન્ડની તમાકુમાં લુઝ તમાકુ ભેળવી પાનના ધંધાર્થીઓને ઓછા ભાવે તમાકુ વેંચતો હોઇ કંપનીના કોપીરાઇટ હક્ક ધરાવતાં અમદાવાદ રહેતા પ્રોપરાઇટરને જાણ થતાં રાજકોટ પીસીબીની ટીમને સાથે રાખી કાલાવડ રોડ પર જાનકી પાર્ક પાસે દરોડો પાડી આ શખ્સને રૂા. ૩,૫૦,૦૦૦ની કિંમતના ડુપ્લીકેટ તમાકુટના ૧૦૦૦ ડબ્બા સાથે પકડી લીધો છે. અસલી તમાકુમાં લુઝ તમાકુ મિક્સ કરી સસ્તા ભાવે તે વેંચાણ કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.
આ અંગે માલવીયાનગર પોલીસે અમદાવાદ રહેતાં અને એમફોરયુ ઇન્ટલેચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસિસ કંપનીમાં હક્ક ધરાવતાં હિરેનભાઇ મુકેશભાઇ પટેલની ફરિયાદ પરથી માધાપર ચોકડી ઇશ્વરીયા મહાદેવ શેરી નં. ૬માં રહેતાં મિહીર ભરતભાઇ બુધ્ધદેવ તથા તપાસમાં ખુલે તેની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હિરેનભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપની જુદી-જુદી બ્રાન્ડના ટ્રેડમાર્ક કે કોપીરાઇટનું ઉલ્લંઘન રોકવા કાયદેસરની ઓથોરિટી ધરાવે છે. બાગબાન ૧૩૮ તમાકુનું ઉત્પાદન કરતી ઊર્મિન પ્રોડક્ટ્સ પ્રા.લી. કંપની (ચાંગોદર અને મોરૈયા, અમદાવાદ) તરફથી તેમને નકલી માલ વેચનારાઓ સામે કાર્યવાહી કરવાનો ઓથોરિટી લેટર મળ્યો હતો.
આ દરમિયાન હિરેનભાઇ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલી જાનકી પાર્ક શેરી નંબર-૧ પ્રિન્સેસ સ્કૂલની બાજુમાં શ્રીસાગર હોટલની બહાર મિહિરભાઇ બુધ્ધદેવ નામનો વ્યક્તિ બાગબાન બ્રાન્ડના ટીનમાં હલકી ગુણવત્તાવાળી તમાકુ ભરીને વેચી રહ્યો છે.
બાતમીના આધારે હિરેનભાઇ પટેલે રાજકોટ પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત અરજી આપી હતી. જેના આધાર પીસીબીના પીએસઆઇ આર.કે. જાડેજા, એએસઆઇ સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ. દેવરાજભાઇ કળોતરા સહિતના સ્ટાફે પંચોને સાથે રાખીને કાલાવાડ રોડ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે માધાપર ચોકડી, ઇશ્વરીયા મહાદેવ શેરી નંબર-૯ માં રહેતા મિહિરભાઇ ભરતભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૩૦)ને અટકાવી તેની પાસે રહેલા પ્લાસ્ટિકના બાચકા તપાસ્યા હતા. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના કુલ ૫ાંચ પાર્સલ મળી આવ્યા હતા. આ પાર્સલ ખોલતા તેમાંથી બાગબાન ૧૩૮ બ્રાન્ડના ૫૦ ગ્રામના પતરાના ડબ્બા કુલ નંગ-૧૦૦૦ મળી આવ્યા હતા.
પોલીસે જ્યારે આરોપી મિહિર બુધ્ધદેવ પાસે આ તમાકુના જથ્થા અંગેના બિલ કે ખરીદીના આધાર પુરાવા માંગ્યા, ત્યારે તેની પાસે કોઈ દસ્તાવેજ નહોતો. ઓરિજનલ કંપનીના ડબ્બાના તળિયાના પેકિંગ સાથે સરખામણી કરતા આ જથ્થો તદ્દન અલગ અને ડુપ્લિકેટ હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસની પુછપરછમાં મિહિરભાઇ બુધ્ધદેવે કબુલાત કરી હતી કે તે બાગબાન બ્રાન્ડના ઓરિજનલ ડબ્બામાં બહારથી લાવેલી લુઝ તમાકુ મિક્સ કરીને વેચતો હતો.
આરોપી એક ડબ્બો આશરે રૂ. ૩૦૦થી ૩૫૦ ના ભાવે વેચતો હતો. પોલીસે અંદાજે રૂ. ૩,૫૦,૦૦૦ની કિંમતના તમામ ૧૦૦૦ નંગ ડબ્બા પંચનામાની વિગતે કબજે કર્યા હતાં. બાગબાન બ્રાન્ડ કંપનીની પરવાનગી વગર નકલી પ્રોડક્ટ બનાવી કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા બદલ આરોપી મિહિર ભરતભાઇ બુદ્ધદેવ વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટ-૧૯૫૭ ની કલમ ૬૩, ૬૪ મુજબ ગુનો નોંધી પીએસઆઇ આર. કે. જાડેજા, સંતોષભાઇ મોરીએ વધુ તપાસ યથાવત રાખી છે.
(3:08 PM IST)










