તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
આજીડેમ ચોકડીએ આઇશરની ઠોકરે હોન્ડા ચડતાં નવાગામના કોલેજીયન છાત્ર મેહુલ સિંધવનું મોત
ભણવાની સાથે પાર્ટટાઇમ ડ્રાઇવીંગ કરતો હતોઃ કૂરીયરની ગાડી ગોંડલ રોડ ચોકડીએ મુકી ત્યાંથી મિત્ર સાથે ઘરે જતો હતો ત્યારે આઇશરની ઠોકરે ચડયોઃ મિત્ર મોહિતને ઇજા

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ પર નવાગામ દિવેલીયાપરામાં રહેતાં ૧૯ વર્ષના યુવાનનું આજીડેમ ચોકડીના પૂલ પાસે બાઇક સહિત આઇશર ટ્રકની ઠોકરે ચડી જતાં મોત થયું છે. તે કોલેજમાં ભણવાની સાથે ડ્રાઇવીંગ પણ કરતો હતો. કુરીયરની ગાડી ચોકડીએ મુકીને મિત્ર સાથે બાઇકમાં બેસી પરત આવતો હતો ત્યારે અકસ્માત નડયો હતો. જેમાં તેના મિત્રને અને આઇશર ચાલકને પણ ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ નવાગામ દિવેલીયાપરામાં રહેતો મેહુલ વિઠ્ઠલભાઇ સિંધવ (ઉ.વ.૧૯) નામનો યુવાન ગઇકાલે ગોંડલ રોડ ચોકડીએથી બાઇકમાં મિત્ર મોહિત નારણભાઇ જોગરાણા (ઉ.વ.૧૯)ને બેસાડીને ઘર તરફ જતો હતો ત્યારે આજીડેમ ચોકડી પૂલ ઉતરતાં આઇશરની ઠોકરે ચડી જતાં બંને મિત્રો રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. જેમાં મેહુલનું મૃત્યુ થયું હતું. જ્યારે મોહિતને સારવાર માટે ખસેડાયો હતો. આઇશર ચાલકને પણ ઇજા પહોંચી હતી.
વધુ માહિતી મુજબ મેહુલ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે પાર્ટ ટાઇમ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં કૂરીયર ઓફિસમાં ડ્રાઇવર તરીકે પણ કામ કરતો હતો. કૂરીયરની ગાડી ગોંડલ રોડ ચોકડીએ મુકીને ત્યાંથી મિત્ર સાથે બાઇકમાં ઘરે પરત ફરતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મૃત્યુથી સિંધવ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આજીડેમ પોલીસને બનાવની જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:56 PM IST)










