તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજકોટમાં મેઘરાજાની રાતભર ધમાકેદાર જમાવટ: પોપટપરા નાળું જળબંબાકાર થતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગ્રાઉન્ડ ઝીરો પર દોડી ગયા!
'રેડ એલર્ટ' વચ્ચે ૨૪ કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં મનપાની ટીમોનું પેટ્રોલિંગ, નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ

રાજકોટ : રાજકોટ શહેરમાં હવામાન વિભાગની 'રેડ એલર્ટ'ની આગાહી વચ્ચે મેઘરાજાએ વિરામ વિના રાતભર ધમાકેદાર જમાવટ બોલાવી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. રાજકોટનો બહુચર્ચિત અને સંવેદનશીલ ગણાતો પોપટપરા નાળાનો વિસ્તાર પણ વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી.
મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર પહોંચી લીધી સ્થિતિની સમીક્ષા
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોતે ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિની સમીક્ષા કરવા માટે પોપટપરા નાળાની મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે સ્થળ પર ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા, પંપિંગ કામગીરી અને મનપાના એન્જિનિયરિંગ તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીનું જાતનિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
મનપાની ટીમોનું સતત પેટ્રોલિંગ, ઈમરજન્સી કામગીરી શરૂ
રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ ઇમરજન્સી ટીમો શહેરના તમામ વોર્ડમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. જ્યાં પણ પાણી ભરાવાની ફરિયાદો કે સમસ્યા સામે આવી રહી છે, ત્યાં હેવી પંપો મૂકીને તાત્કાલિક અસરથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત રાખવામાં આવ્યો છે.
સમગ્ર જિલ્લામાં મેઘમહેર, તંત્રની નાગરિકોને સાવચેત રહેવા અપીલ
છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આજે સવારથી પણ મેઘરાજાએ અવિરત હેલી ચાલુ રાખી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા નાળા કે રસ્તાઓ પરથી વાહન ન ચલાવવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું કડકપણે પાલન કરવા અપીલ કરી છે.
(7:35 PM IST)










