<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજકોટ અને જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત મળી:કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત મળી

રાજકોટ શહેર સહિત અનેક તાલુકામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચોમાસાની સીઝનના પ્રથમ વરસાદનું શાનદાર આગમન થયું છે. 

રાજકોટ શહેરના ધોધમાર વરસાદને પગલે મુખ્ય વિસ્તારો જેવા કે રેસકોર્સ, કાલાવડ રોડ, રૈયા રોડ, કોટેચા ચોક અને પુષ્કરધામ રોડ પર ધોધમાર વરસાદ તૂટી પડતાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા અને લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. માત્ર શહેરી જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે, જેમાં લોધિકા તાલુકાના લોધિકા ગામ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જેનાથી કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત મળી છે.

બીજી તરફ, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે અને વાતાવરણમાં અદ્ભુત વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સાતવડી, જામટીંબડી અને મોટી પાનેલી સહિતના આજુબાજુના ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જે વરસાદની ખેડૂતો ચાતક નજરે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આ પ્રથમ વાવણી લાયક વરસાદના આગમન સાથે જ પૂર્ણ થઈ છે. વરસાદી માહોલ જામતાની સાથે જ ધરતીપુત્રોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે.

(7:15 PM IST)